બાજુના મંદિરે સાંજે થતા ઘંટ નાદને સાંભળતાં રચાયેલી ગઝલ.
વાગી રહી ઝાલર.
સામે છે જુઓ મંદિર, વાગી રહી ઝાલર,
બોલાવે જાણે ઈશ્વર, વાગી રહી ઝાલર.
ઝાલર ટાંણે, ભેગા થઇ ગયા છે ભાવિકો,
મન તુંય જા, પ્રણામ કર, વાગી રહી ઝાલર.
દિન-ભર ની તાંણ -શ્રમ પછી, શાંતિ ય જોઈએ,
હળવો થા, શાંત ખુદ ને કર, વાગી રહી ઝાલર.
કરતો રહ્યો ધન ના ને, દુશ્મની ના હિસાબો,
જા કર્મ નો હિસાબ કર, વાગી રહી ઝાલર.
આરતી થશે, ભગતજી નું, ભજન પણ થશે,
બે શબ્દ તું ય કાને ધર, વાગી રહી ઝાલર.
મન ની છે વ્યાધિઓ બધી, દવાથી નહીં મટે,
દુવાઓ ની થશે અસર, વાગી રહી ઝાલર.
ભૂલો તો થાય, પણ પછી પસ્તાવો થાય તો,
તારી ય ત્યાં થશે કદર, વાગી રહી ઝાલર.
ડરવાનું તો દુનિયા થી છે, ઈશ્વર થી ડર નહિ,
થાણું નથી છે ‘એનું’ ઘર, વાગી રહી ઝાલર.
રણકાર એ ઝાલર તણો, રાણકવે છે દિલ ને,
અનુભવ જરાક તુંય કર, વાગી રહી ઝાલર.
ઈશ્વરની પાસે માંગવાની શી જરૂર છે?
એને તો છે બધી ખબર, વાગી રહી ઝાલર.
આપી છે એણે, આખી આ દુનિયા હરી ભરી,
એનો તો જરા શુકર કર, વાગી રહી ઝાલર.
– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)