જાણો 12 જ્યોતિર્લિંગોના નામ અને તે ક્યાં આવેલા છે? સાથે જ જાણો તેમની સાથે જોડાયેલી કથા.

0
13022

ભારતમાં આવેલાં બાર પ્રસિદ્ધ શિવલિંગો. ભગવાન શિવની લિંગસ્વરૂપે પૂજા વેદ અને પુરાણોમાં વર્ણવાઈ છે. અથર્વવેદમાં બ્રહ્મના સ્કંભ (સ્તંભ) સ્વરૂપના ઉલ્લેખો જોતાં વેદકાળમાં પ્રકાશપુંજના સ્તંભના પ્રતીકરૂપ લિંગપૂજા પ્રચલિત હશે. ઉપનિષદોમાં શિવને પરબ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યા છે. પરબ્રહ્મમાંથી સર્વપ્રથમ તેજ સ્કંભ રૂપે ઉત્પન્ન થયું છે. પરબ્રહ્મના પ્રકાશથી — તેજથી — બધી વસ્તુઓ જન્મી છે અને પ્રકાશવાળી વસ્તુઓ પણ પરબ્રહ્મના પ્રકાશથી જ પ્રકાશે છે; અર્થાત્, ભગવાન શિવ પ્રકાશમય કે તેજોમય છે. પરબ્રહ્મ શિવના તેજમાંથી જન્મેલું જગત પરબ્રહ્મ શિવમાં જ લીન થાય છે.

આમ, શિવને તેજોમય કે પ્રકાશમય લિંગ રૂપે (ચિહન કે પ્રતીક રૂપે) પૂજવામાં આવે છે. ભારત દેશમાં અસંખ્ય મંદિરોમાં સ્થપાયેલાં શિવલિંગોમાં અતિશય ઉત્કૃષ્ટ શિવલિંગોને જ્યોતિર્લિંગો એટલે પરબ્રહ્મનાં પ્રકાશમય લિંગો કહેવામાં આવ્યાં છે. ઉપનિષદો આદિત્યને બ્રહ્મ કહે છે : 1 વર્ષના 12 મહિનાઓમાં 12 જુદા જુદા આદિત્યો છે તેમ પ્રકાશપુંજ પરબ્રહ્મ શિવનાં 12 સર્વપ્રકૃષ્ટ જ્યોતિર્લિંગો પુરાણોમાં આ પ્રમાણે વર્ણવેલાં છે :

(1) સોમનાથ : સસરા દક્ષની વારંવાર વિનંતી છતાં ચંદ્ર તેની 27 નક્ષત્રપત્નીઓમાં રોહિણી પ્રત્યે વધારે અનુરાગ રાખતો, તેથી ક્રુદ્ધ થઈ દક્ષે તેને ક્ષીણ થવાનો શાપ આપ્યો. દુ:ખી ચંદ્રે બ્રહ્માજીની શિખામણથી પ્રભાસક્ષેત્રમાં જઈ ભગવાન શંકરની આરાધના કરી. શિવજી પ્રસન્ન થયા. ચંદ્રના રોગનું નિવારણ કર્યું. દેવો તથા ઋષિઓના અનુરોધથી ચંદ્રે ત્યાં ઉમા સહિત (સ + ઉમા = સોમ) શિવજીની પ્રતિષ્ઠા કરેલી તે સોમનાથ કે સોમેશ્વર નામે પ્રસિદ્ધ થયા. ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠે જૂનાગઢ જિલ્લામાં પ્રભાસપાટણ અથવા સોમનાથ પાટણમાં આ સ્થાન છે. સ્વતંત્રતા પછી ત્યાં નવું બંધાયેલું ભવ્ય મંદિર છે. અમદાવાદથી તે 416 કિમી.ના અંતરે છે.

(2) મલ્લિકાર્જુન : પોતે વસ્તુત: પૃથ્વીપ્રદક્ષિણા કરી હોવા છતાં, માતાપિતાની પ્રદક્ષિણાને પૃથ્વીપ્રદક્ષિણાની સમકક્ષ ગણી શિવપાર્વતીએ ગણપતિનાં લગ્ન કરી દીધાં તેથી રોષે ભરાઈને શિવપાર્વતીના જ્યેષ્ઠ પુત્ર કાર્તિકેય દક્ષિણમાં ક્રૌંચ પર્વત ઉપર જતા રહ્યા. તેમને મનાવવા પાર્વતી સહિત શિવ ક્રૌંચ પર્વત ઉપર જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ્યા અને સ્થિર થયા. આ સ્થળ મલ્લિકા અને અર્જુનનાં ધવલ પુષ્પોથી શોભતું હોવાથી તે મલ્લિકાર્જુન કહેવાયા. અત્યારે આ સ્થળ શ્રીશૈલમ્ નામે જાણીતું છે. તેની પૂર્વે કૃષ્ણા નદીની ખીણ છે. આંધ્રપ્રદેશમાં હૈદરાબાદની દક્ષિણે કુર્નૂલ જિલ્લામાં 160 કિમી.ના અંતરે છે.

(3) મહાકાલ અથવા મહાકાલેશ્વર : મોક્ષદાયિની 7 નગરીઓમાંની અવંતી કે ઉજ્જયિનીમાં પ્રાચીનકાળમાં વેદપ્રિય નામે શિવભક્ત બ્રાહ્મણ રહેતો હતો. એક સમયે રત્નમાલા પર્વતનિવાસી દૂષણ નામે અસુરે સર્વત્ર આ તક ફેલાવી ધર્મપરાયણ લોકોમાં હાહાકાર પ્રવર્તાવ્યો ત્યારે, વેદપ્રિયની આગેવાની હેઠળ લોકોની પ્રાર્થના સાંભળી ભગવાન વિકરાળ સ્વરૂપે પ્રગટ થયા અને દુષ્ટોનો સં હાર કર્યો અને ઈશ્વર ત્યાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા.

3 લોકનાં 3 પરમપૂજ્ય લિંગો(આકાશમાં તારકેશ્વર, પાતાળમાં હાટકેશ્વર તથા પૃથ્વીલોક-મહાકાલ)માં તેની ગણના થઈ. ઉજ્જન મધ્યપ્રદેશમાં એ જ નામના જિલ્લાનું ક્ષિપ્રા નદીના કાંઠે વસેલું મુખ્ય નગર છે. પશ્ચિમ રેલવેના રતલામ તથા નાગદાની પૂર્વે રેલમાર્ગે 56 કિમી. દૂર છે. પ્રાત:કાળે આરતી સમયે લિંગ પર તાજા મરેલા શબની ભસ્મનો લેપ કરાય છે. તેને ભસ્મની આરતી કહે છે.

(4) ઓમકારેશ્વર : નારદમુનિની ટકોરથી રિસાયેલા વિંધ્યાચળે નર્મદા અને કાવેરીના સંગમ પર ઓમકારેશ્વરમાં શિવજીની આરાધના કરી. શિવજીએ પ્રગટ થઈ તેને ઇષ્ટ વર આપ્યો અને ઓમકારના લિંગમાંથી બીજા જ્યોતિર્લિંગ રૂપે ઉપસ્થિત થઈ ત્યાં સ્થાયી વાસ કર્યો. તે ઓમકારેશ્વર કહેવાયા. આ પાર્થિવ એટલે માટીનું લિંગ છે. મધ્યપ્રદેશમાં ઇંદોરની દક્ષિણે ખંડવા જતી નાની રેલગાડીના ઓમકારેશ્વર સ્ટેશનથી દસેક કિમી. દૂર નર્મદામાં માન્ધાતા બેટમાં આ મંદિર છે. ઇંદોરથી 64 કિમી. અને અમદાવાદથી રેલમાર્ગે 570 કિમી. છે. બીજા લિંગને અમલેશ્વર કે અમરેશ્વર કહે છે.

(5) વૈદ્યનાથ : પ્રાચીન કાળમાં કેવળ શિવપ્રીતિ અર્થે રાક્ષસરાજ રાવણે શિવજીની આકરી આરાધના કરી. એક પછી એક પોતાનાં 9 મસ્તકોથી કમલપૂજા કરી. અંતે શિવજી જ્યોતિ રૂપે પ્રગટ થયા. રાવણે જ્યોતિર્લિંગની સ્થાપના પોતાના પ્રદેશમાં કરવા ઇચ્છા કરી. નીચે નહિ મૂકવાની પ્રભુની આજ્ઞા સ્વીકારી તે લિંગ ઉપાડીને ઘર તરફ ચાલ્યો. માર્ગમાં સંજોગવશ તેમણે લિંગ નીચે મૂક્યું, તેથી આજ્ઞાભંગ થતાં તે ત્યાં જ સ્થિર થયું અને વૈદ્યનાથેશ્વર નામે પ્રસિદ્ધ થયું. આ સ્થળ બિહારમાં સંથાલ મંડલમાં દેવધર કે પરલી કે પ્રજ્વલિકા નામનું સ્થળ છે એમ કેટલાક લોકો માને છે. બીજું મહારાષ્ટ્રમાં બીડ કે ભીંડ જિલ્લામાં પરલી નામના નગરમાં છે. ત્યાં જવા પાકી સડક છે.

(6) ભીમાશંકર : પૂર્વે સહ્યાદ્રિમાં મહાકોશી નદીની ખીણમાં કર્કટી નામે રાક્ષસી તેના ભીમ નામે પુત્ર સાથે રહેતી હતી. આ ભીમે પ્રદેશના લોકોને રંજાડવા માંડ્યા. તેથી કામરૂ દેશના રાજાને પ્રભુએ લોકોની રક્ષા કરવા આદેશ આપ્યો. શિવપૂજામાં મગ્ન રાજા ઉપર ભીમ રાક્ષસે ખ ડગ ઉગામ્યું ત્યારે શિવજીએ પ્રગટ થઈ રાક્ષસનો નાશ કર્યો. ઋષિઓની વિનંતીથી જ્યોતિર્લિંગ રૂપે ભીમશંકર કે ભીમાશંકર નામે ત્યાં સ્થિર થયા. મહારાષ્ટ્રમાં પુણેની પૂર્વે ડાકિની ક્ષેત્રમાં ભીમા નદીના કાંઠે ખીણમાં ભવ્ય મંદિર છે.

(7) રામેશ્વરમ્ : સીતાની શોધમાં ભગવાન શ્રીરામ શ્રીલંકા સામેના ભારતના દક્ષિણ કાંઠે પહોંચ્યા. ત્યાં તેમણે પુરોહિત તરીકે રાવણની સહાયથી શિવપૂજા કરી. ભગવાન જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ્યા અને રામેશ્વર નામે ત્યાં વસ્યા. રામેશ્વરમાં 21 કુંડમાં સ્નાનનો તથા સ્ફટિક લિંગના દર્શનનો મહિમા છે. મંદિર વિશાળ છે. તેની પરસાળ વિશ્વભરમાં સૌથી લાંબી હોવાનો વિક્રમ ધરાવે છે. તે બેટ ઉપર છે, પણ પુલ ઉપરથી સળંગ પરિવહન ચાલે છે. ત્યાં ધર્મશાળાઓ છે.

(8) નાગનાથ અથવા નાગેશ્વર : પૂર્વે દક્ષિણમાં દારુકાવનમાં રહેતો દારુક નામનો રાક્ષસ લોકોને પીડા કરતો હતો. એક વાર તેણે સુપ્રિય નામના શિવભક્ત વણિકનો અંત લાવવા કરવા શ સત્ર ઉગામ્યું ત્યારે ભૂમિમાં મંદિર સહિત ભગવાન જ્યોતિર્લિગ રૂપે પ્રગટ થયા. ભક્તની રક્ષા કરી અને રાક્ષસનો નાશ કર્યો. પ્રભુએ આ સ્થળે નાગેશ્વર નામે સ્થાયી નિવાસ કર્યો. મધ્ય મહારાષ્ટ્રમાં અહમદનગરની પૂર્વે પરભણી જિલ્લામાં નાગનાથ ઔંઢા નામનું સ્થળ આવેલું છે. ઔરંગઝેબે મંદિરનો ઉપલો અડધો ભાગ તોડી નાખેલો, તે નવેસરથી બંધાયેલો છે. લિંગ ભોંયરામાં સાંકડા સ્થાનમાં છે. ગુજરાતમાં દ્વારકા પાસે દારુકાવન નામના સ્થળમાં નાગનાથનું શિવાલય છે, જે પણ આ જ્યોતિર્લિંગ હોવાનું મનાય છે.

(9) વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર : કાશી અથવા વારાણસીના રક્ષક મહાદેવ. પૂર્વે વિષ્ણુએ પુરુષ અને પ્રકૃતિ રૂપે શિવજીની આ સ્થળે આરાધના કરી. શિવજી અવિમુક્તેશ્વર નામના જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા અને લોકકલ્યાણ અર્થે ત્યાં શાશ્વત વાસ કર્યો. નગરીનું રક્ષણ ભગવાન સદૈવ કરતા હોવાથી પ્રલયકાળે પણ તેનો નાશ થતો નથી. 1194 થી 500 વર્ષ સુધી મુસલમાનોએ મંદિરનો વારંવાર ધ્વંસ કર્યો. હિંદુઓએ ફરી ફરીને બાંધ્યું. છેલ્લે, ઔરંગઝેબે મંદિર તોડી ત્યાં મસીદ બંધાવી. અહલ્યાબાઈ હોળકરે નવું કાશીવિશ્વનાથનું મંદિર બંધાવ્યું. અમદાવાદથી કાશી નિયમિત ગાડી જાય છે.

(10) ત્ર્યંબકેશ્વર : નાસિક પાસે વનમાં પૂર્વે મહર્ષિ ગૌતમ તથા સતી અહલ્યાને કેટલાક ઈર્ષાળુઓએ ગોહ ત્યાના પાપમાં ખોટી રીતે સંડોવ્યાં. પ્રાયશ્ચિત્ત રૂપે ઋષિએ ભગવાન શિવનું પૂજન કર્યું. શિવજી જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા. સાથે ગંગાજી પણ પધાર્યાં. ગૌતમને પાપમુક્ત કર્યા. ઋષિઓ તથા દેવોની વિનંતીથી શિવજી ત્યાં ત્ર્યંબકેશ્વર રૂપે વસી ગયા. ગંગાએ ગૌતમી નદીનું રૂપ ધર્યું. મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લામાં નાસિકથી 25 કિમી.ના અંતરે સહ્યાદ્રિમાં તળેટીમાં વિશાળ મંદિર છે. પાકી સડક છે.

(11) કેદારનાથ કે કેદારેશ્વર : હિમાલયમાં બદરિકાશ્રમમાં ભગવાન વિષ્ણુએ નરનારાયણ અવતાર લઈને શિવજીની આરાધના કરી, ત્યારે પ્રભુ જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા અને નરનારાયણની વિનંતીથી ત્યાં જ સ્થિર થયા. ઉત્તરપ્રદેશમાં હિમાલયમાં ગંગાદ્વારથી તમસા નદી સુધી વ્યાપેલા કેદારક્ષેત્રમાં તે કેદારેશ્વર નામે પ્રસિદ્ધ થયા. હિમાલયયાત્રા સમયે પાંડવોએ તેમની પૂજા કરી કૃપા મેળવી. ગઢવાલ જિલ્લામાં કેદારનાથ પર્વત પર મંદિર છે. પાછળ આદિ શંકરાચાર્યની સમાધિ છે. કાશીમાં કેદારેશ્વર નામનાં 8 શિવતીર્થો, કેદારમાં અન્ય 5, અને કાશ્મીરમાં તથા કપિષ્ઠલમાં પણ કેદારેશ્વર નામનાં તીર્થો છે.

(12) ઘૃષ્ણેશ્વર અથવા ઘુશ્મેશ્વર : વેળૂર પર્વતમાળાના પ્રદેશમાં સુધર્મ નામે બ્રાહ્મણ સુદેહા અને ઘુશ્મા/ઘૃષ્ણા નામે બે પત્નીઓ (જે બહેનો હતી) સાથે આનંદથી રહેતો હતો. ઘુશ્મા/ઘૃષ્ણાને સંતાન થવાથી મોટી બહેન સુદેહાએ ઈર્ષાથી ભાણેજનીહ ત્યાકરી પણ, ઘુશ્મા/ઘૃષ્ણા પરમ શિવભક્ત હોવાથી ભગવાને તેના પુત્રને સજીવન કર્યો. પોતે જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા અને ઘુશ્મેશ્વર કે ઘૃષ્ણેશ્વર કહેવાયા. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં વેળૂર કે ઇલોરા નામના ગામમાં અતિ પ્રાચીન મંદિર છે.

– પ્ર. ઉ. શાસ્ત્રી

જ્યોતિર્લિંગ ધર્મપુરાણ ભારતીય સંસ્કૃતિ

(સાભાર જયરાજસિંહ ઝાલા, અમર કથાઓ ગ્રુપ, મૂળ સ્ત્રોત ગુજરાતી વિશ્વકોશ)