સપના પુરા કરવા માટે તમને 24 કલાક ઓછા પડે છે? તો આ લેખ દ્વારા જાણો એવું કેમ થાય છે?

0
439

તમને ક્યારેય એમ થાય છે કે બીજા મનુષ્યો જીવનમાં ઘણાં ધ્યેય પ્રાપ્ત કરે છે. પણ તમારી પાસે સમય જ નથી? રોજિંદા જીવનમાં તમારો એટલો સમય જતો રહે છે કે તમારે ખરેખર જે કરવું છે તે માટે સમય જ નથી રહેતો?

એક પ્રોફેસરે જીવનની ફિલસૂફી સમજાવવા વિદ્યાર્થીઓ સમક્ષ એક ખાલી બરણી મુકી. તેની સાથે જ ટેબલ પર બીજી ચાર વસ્તુઓ પણ હતી-ગલ્ફના દડા, લખોટીઓ, રેતી અને પાણી.

તેમણે આખી બરણીમાં પહેલાં ગલ્ફના દડા ભર્યા, ઉપર સુધી દડા ભર્યા બાદ તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યું, “શું આ બરણી ભરેલી છે? ” વિદ્યાર્થીઓએ ‘હા’ કહી.

પછી તેમણે દડા ભરેલી બરણીમાં નાનકડી લખોટીઓ નાખી અને બરણીને થોડી હલાવી. દડા વચ્ચેની ખાલી જગ્યાઓમાં આ લખોટીઓ ગોઠવાઈ ગઈ.

પ્રોફેસરે ફરી પૂછ્યું, “શું આ બરણી ભરેલી છે? ” વિદ્યાર્થીઓએ કૌતુકભેર ફરી ‘હા’ પાડી.

હવે પ્રોફેસરે રેતીની કોથળી હાથમાં લીધી અને તેને બરણીમાં ઠાલવી, ફરી બરણીને હલાવી. રેતીના કણો, લખોટીઓ અને દડા વચ્ચેની નાની નાની જગ્યાઓમાં ભરાઈ ગયા. પ્રોફેસરે ફરી પૂછ્યું કે બરણી ભરેલી છે? વિદ્યાર્થીઓએ ફરી એકી અવાજે ‘હા’ પાડી.

પ્રોફેસરે હવે પાણીની બોટલ ઉઠાવી અને તેને બરણીમાં ઠાલવી, રેતીના કણો વચ્ચે જે સૂક્ષ્મ અવકાશ હતો તે બધો પાણીથી ભરાઈ ગયો. વિદ્યાર્થીઓએ પ્રોફેસરના પ્રશ્નની રાહ જોયા વિના જ તાળીઓ પાડી તેમને વધાવ્યા.

તાળીઓનો ગડગડાટ શમતાં પ્રોફેસરે કહ્યું, તમે જે જોયું તે હું તમને આ રીતે સમજાવવા માગું છું. આ બરણી એ આપણી જિંદગી છે. ગોલ્ફના દડા તે આપણી મહત્ત્વની અગ્રિમતાઓ છે – જેમ કે તમારું જીવનકાર્ય, કુટુંબ, સ્વાથ્ય વગેરે બાબતો. લખોટીઓ એ બીજી, ઓછી મહત્ત્વની બાબતો દર્શાવે છે – જેમ કે કારકિર્દી, ઘર, મિલકત જેવી બાબતો. રેતી એ આપણા જીવનની બાકીની ચીલાચાલુ બાબતો દર્શાવે છે, જેનાથી સામાન્ય રીતે આપણું જીવન આપણે ભરી દઈએ છીએ.”

“જો તમે બરણીમાં પહેલાં રેતી અને લખોટીઓ ભરી દેશો તો પછી તમે તેમાં ગલ્ફના દડાને ગોઠવી નહીં શકો, આપણે ચીલાચાલુ જીવન અને કારકિર્દીના ચક્કરમાં આપણા જીવનની મહત્ત્વની અગ્રિમતાઓને આમ જ સમાવી નથી શકતા. પરંતુ જો આપણે પહેલાં ગોલ્ફના દડા, પછી લખોટીઓ અને પછી રેતી ભરીએ તો સધળું આપણી જિંદગીમાં છેવટે ગોઠવાઈ જ જાય છે. ”

ધારો કે, આપણે બરણીમાં ખાલી ગોલ્ફના દડા ભરીએ અને બીજું કશું ન પણ નાખીએ તો પણ બરણીની જેમ જીવન ભર્યું ભર્યું લાગે જ છે. તેથી આપણે આપણા જીવનમાં સૌથી મહત્ત્વનું જે હોય તે પહેલા કરવું જોઈએ. તમારા હૃદયને જેનાથી ઊંડો આનંદ અને સંતોષ મળતો હોય તે પહેલાં કરજો – તેને ટાળશો નહીં. માતાપિતા તથા બાળકો સાથે અર્થપૂર્ણ સમય વિતાવજો. તમારા સ્વાસ્થ્યની સારસંભાળ, કસરત, નવું વાંચન, નવું શીખવાને પ્રાથમિકતા આપજો. આ બધું કરશો, અને બીજું બધું રહી જશે તો પણ તમને છેવટે અફસોસ નહીં થાય, પણ ખરેખર તો બીજું બધું આપમેળે ગોઠવાઈ જ જતું હોય છે.”

એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછવા આંગળી ઊંચી કરી, “સાહેબ, તમે પાણી શું દશવેિ છે તે તો કહ્યું જ નહીં.”

પ્રોફેસરે સ્મિત કરીને કહ્યું, “સારું થયું તમે આ પ્રશ્ન પૂછયો. હું તમને કહેવાનો જ હતો. આ પાણી તે પ્રેમ છે. આપણે ગમે તે કરીએ, આપણી ગમે તેટલી વ્યસ્ત જિંદગી હોય, જીવનને આપણે હંમેશાં પ્રેમપૂર્વક જીવી જ શકીએ છીએ. જીવન ગમે તેટલું ઠાંસોઠાંસ ભરેલું લાગે, પ્રેમ માટે હંમેશાં જગ્યા હોય છે જ. ”

– સંજીવ શાહ “જીવનની ભેટ માંથી”

(સાભાર સંજય મોરવડીયા, અમર કથાઓ ગ્રુપ)