80 વર્ષના વિધુર અને નિરોગી દાદાની આ સ્ટોરી આપણને સુખી જીવનનું રહસ્ય સમજાવી જાય છે.

0
927

“વ્હાલી વસંત”

લેખક : ફાલ્ગુની વસાવડા – ભાવનગર.

સોનાક્ષી અને દામિની બંને કોલેજ ફ્રેન્ડ હતાં, અને બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. સોનાક્ષીના પિતાનું 1 વર્ષ પહેલાં નિ-ધ-નથ-યું હતું, અને તેની પ્રોપર્ટી વેચવાની હતી, એટલે તે પરદેશથી અહિં થોડો વખત આવી હતી. જ્યારે દામિની તો આ શહેરમાં જ રહેતી હતી, અને બંને જણાએ આ દિવસોમાં પોતાના સંસ્મરણો વાગોળી શકે, એટલે મળવાનું નક્કી કર્યું, અને નિયત દિવસ ને નિયત સમયે સોનાક્ષી દામિનીની સોસાયટીમાં આવી પહોંચી.

સોનાક્ષી એ જોયું કે દામિની થોડીક ઉદાસ છે. પરંતુ એમ સીધું કેમ પુછાય! એટલે આડી અવળી થોડી વાતો કરી, થોડી કોલેજકાળની પણ વાતો કરીને, પોતાની વાત કરતા કહ્યું કે ભાઈનો ઓચિંતાનો ફોન આવ્યો, અને પ્રોપર્ટીનાં સારા એવા રૂપિયા મળતાં હોવાથી, તાત્કાલિક આવવું પડ્યું. હવે કાયદાઓ ઘણા સુધરી ગયા છે, અને દીકરીઓને સરખો ભાગ આપવાની વાત પર સમાજ સંમત થતો જાય છે, એ બહુ સારી વાત છે.

દામિની એ કહ્યું કે હા છે તો સારી વાત, પરંતુ પણ હજી આપણે અમુક વાતમાં પાછળ છીએ, એટલે કે અત્યારે સંયુક્ત કુટુંબો તૂટતા જાય છે, અને વિભક્ત કુટુંબ થતાં જાય છે. જ્યારે સંયુક્ત કુટુંબની પુત્રવધૂઓને જો કાયદાકીય રીતે વારસો મળે, ત્યારે ખરેખર જમાનો બદલાયો કે સાચો ન્યાય થયો એવું કહી શકાય, કારણ કે ઉંમર વધતાં સ્વભાવમાં ખૂબ જ ફેરફાર થાય, અને કેટલોય ત્યાગ ને બલિદાન આપ્યાં હોય! ખેર આપણે તો એ બધું થોડા નક્કી કરી શકીએ! કોઈ પણ કાયદો બનાવવો એ બહુ લાંબી પ્રક્રિયા છે,પણ તેવો કાયદો પણ જરૂર બનશે.

અંતે સોનાક્ષીથી રહેવાયું નહીં એટલે પૂછ્યું કે શું? તમારા ઘરમાં એવો કોઈ પ્રશ્ન છે! દામિની એ કહ્યું ના ના એવું કંઈ જ નથી. તો પછી શું વાત છે! આજે ઉદાસ કેમ છે? દામિની કહ્યું છે અમારી સોસાયટીમાં અમારી સામે રહેતાં 80 વર્ષનાં વિનય દાદા આજે સવારે જ ગુ-જ-રીગયાં, એટલે મન થોડું ઉદાસ છે.

પ્રકૃતિ પ્રેમી અને સાલસ સ્વભાવના વિનય કાકા લગભગ 40 વર્ષથી આ સોસાયટીમાં રહે છે, 10 વર્ષથી તો હું પણ એની સાક્ષી છું, તને તો આ બધું ક્યાંથી ખબર હોય! પણ સાચે વિધુર થયા બાદ આમ 80 વર્ષ સુધી જીવવું, અને એ પણ નીરોગી! એ કંઈ સહેલું નથી, એકવાર હાંડવો બનાવ્યો હતો, ત્યારે મમ્મી એ કહ્યું વિનયભાઈ ને બહુ ભાવે છે, એટલે પહેલા એને આપી આવજે, પાછા વહેલાં જમી લે છે! પછી હું હાંડવો દઈ આવી.

મારે એના વિશે થોડું જાણવું હતું, એટલે બીજે દિવસે હું બપોરે વાસણ લેવા માટે ગઇ, ત્યારે મારાથી રહેવાયું નહિ, અને મેં એમને આવા નીરોગી જીવનનું રહસ્ય પુછ્યું, અને એમણે મને પોતાની વાત સવિસ્તાર કરી. આમ તો અમારી સોસાયટીમાં બધા ઘર આ રીતે એમને સાચવી લેતા, અને એ પણ મહિને બે મહિને આખી સોસાયટીને કેટરીંગ વાળાને ઓર્ડર આપી પાર્ટી આપતા.

મમ્મી કહેતાં કે લગભગ ત્રીસ વર્ષ પહેલાં વિધુર થયાં હતાં, એટલે કે એમને ત્યારે પચાસ વર્ષ થયાં હશે. પરંતુ એની પત્નીને બહુ પ્રેમ કરતા એટલે બીજા લગ્ન ન કર્યા. ચાલ હું તને આજે એની વાત કહું તને પણ ગમશે, આશ્ચર્ય થાય છે ને? કે કોઈ સાથી વગર જીવનમાં આટલાં સકારાત્મક કંઈ રીતે થઈ શકાય!

હું એમણે કહેલી શબ્દશઃ વાત તને કરું છું, અને મેં જ્યારે તેમને પુછ્યું, ત્યારે વિનય કાકા એ એક વાક્યમાં જવાબ આપતા કહ્યું, કે મારા નીરોગી જીવનનું રહસ્ય છે વ્હાલી વસંત! આશ્ચર્ય થાય છે ને મને પણ થયું કારણ વસંત ઋતુ તો વધીને બે મહિના રહે એનો આટલો મોહ કે એમાં કંઈ પાગલ થઈ જવાય એવું કંઈ થઇ શકે! તો પછી આ વસંત છે કોણ?

વિનય કાકાએ મને કહ્યું કે તારી કાકી એટલે કે મારી વહાલી વસંતને ગુ-જ-રીગયે આજે ત્રીસ વર્ષ પુરા થયાં, અને સાચું કહું જ્યારે મને ખબર પડી કે વસંતને કેન્સર છે, ત્યારે હું પાગલ થઇ ગયો હતો. કારણ કે તેના વગરનું જીવન મારી માટે અકલ્પનીય હતું. નામ વસંત હતું, પણ મારી માટે તો એ હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, અને શરદ, એમ છ એ ઋતુનો સરવાળો હતો. એટલે કે મારી તો જિંદગી હતી, તને એમ થશે કે એવા તે વળી કેવા હતા કાકી, પણ સાવ સીધીસાદી અને સામાન્ય ભણતર વાળી.

હું તો કોલેજમાં પ્રિન્સિપાલ હતો, એટલે કાયમ કહેતી પ્રોફેસર સાહેબ, તમને આ બધું ન સમજાય. આ તો અમારા જેવા અભણનો ધર્મ છે, તમે તો વાતવાતમાં દલીલ અને તર્ક મૂકી વાતને સાચી ખોટી કરી શકો છો. અમે તો અમારા વડવાઓ જે કહી ગયાં, અને જે કરી ગયાં, એ મુજબ જીવનારા! ન શંકા, ન સમાધાન! બસ આમ એટલે આમ જ! અને જ્યારે વસંતનું કેન્સર અંતિમ સ્ટેજમાં હતું, કોઈ હિસાબે હવે તેનું બચવું શક્ય ન હતું.

મેં રૂપિયા પૈસા ખર્ચવામાં કોઈ કમી રાખી નહીં, પણ એક મુકામે આવ્યા પછી તેણે મારી પાસેથી વચન લઇ લીધું, અને કહ્યું કે પ્રોફેસર સાહેબ હવે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી. કારણકે બચાવની આ પ્રક્રિયામાં મને અત્યંત વેદના થાય છે, જે હવે મારાથી સહન થતી નથી, અને બચ્યાકુચ્યા દિવસો હું તમારી સાથે આનંદથી જીવવા માગું છું.

એટલે મેં કહ્યું વસંત પણ મારું શું! હું તો તારી વગર જેવી જ નહીં શકું! અને તે ખડખડાટ હસવા લાગી, જાણે આમ્ર કુંજમાં કોયલ એ કલશોર કર્યો, એને મીઠા અવાજે કહ્યું, મ-ર-ના-ર-ની પાછળ કોઇ મ-ર-તું નથી, જન્મ મ-રુ-ત્યુ એ તો સનાતન સત્ય છે.

પણ વસંત હું કદાચ જીવું તો, પણ મારા જીવનમાં કોઈ જ ઉત્સાહ નહીં રહે, અને એવું જીવન શું કામ? એટલે તું જાય એને બીજે દિવસે, હું પણ આ-ત્મ-હ-ત્યા કરી લઈશ. અમે નિઃસંતાન હતા, અને મારી જવાબદારી રુપે કોઈ, કે કોઈની જવાબદારી રૂપે હું, એવું કંઈ હતું નહીં. બેટા દામિની તું નહિ માને, પણ એ ઓછું ભણેલી વસંતનો બતાવેલો ઉપાય આજ સુધી મને નીરોગી રાખવામાં કારગત નીવડ્યો છે.

વસંતે કહ્યું પ્રોફેસર સાહેબ એટલે શું તમે મારા શરીરને જ પ્રેમ કરો છો? અને એની ગેરહાજરી તમને કલ્પાંત કરાવશે? તમે કહો છો એનો મતલબ તો એ જ થયો. મારી રૂહ તો આ ઘર ફળિયા અને આસપાસના તમામ વાતાવરણમાં, આજે જેમ વસે છે, તેમજ આવતીકાલે વસવાની છે, એ અહીંથી ક્યાંય જવાની નથી. સામેના આંબામાં વસંતે કોયલ આવીને ગાય ત્યારે સમજજો કે મે ગીત ગાયું, આંબામાં કેરી આવે ત્યારે ગ્રીષ્મની એ તપ્ત ધરતીમાં નિઃસહાય એવા સામે રહેતા ગંગા ડોસી ના ઘરે જઈને, એક ટોપલો કેરી આપી આવાની.

અને કાનજી ભરવાડની ગાય ભેંસને માટે દર મહિને 500 રૂપિયા દેવાના, તો સ્ટ્રીટ લાઈટના ઓટલે સૂતો રહેતો પેલો નાનું છે, એને સવારે ગરમ ચા હું રોજ આપું છું, પણ તમને કદાચ એ અનુકૂળ ન આવે તો ટોસ બિસ્કીટ, ચેવડો વગેરે નાસ્તો અમુક અમુક સમયે આપવાનાં, અને હા આપણા ઘરે કામ કરવા આવતી કુંજુના ઘરે નાનું થવાનું છે, એટલે એનું ધ્યાન રાખજો, અને એની ડીલીવરી માટે મેં રુપિયા બચાવ્યા છે, એ એને આપી દેજો, બિચારી જરુરિયાત વાળી છે.

બેટા તું નહિ માને પણ તારી કાકીનો આજ ધર્મ હતો, અને એણે મને કોઈ દિવસ આવું કરવું જોઈએ એવું દબાણ કર્યું નથી, કે મેં પણ એને ક્યારેય આવું ના કર! એમ રોકી નથી. પરંતુ એણે મને કહ્યું હતું કે પ્રોફેસર સાહેબ જો તમને મારી ખૂબ જ યાદ આવે તો, રોજ એક કામ કરજો. સવારના ઉઠીને આખો દિવસ કેમ વિતાવ્યો એ આખી દિનચર્યા રાત્રે દસ વાગે એક કાગળમાં મને સંબોધીને રોજ લખજો, એનાથી હું જવા છતાં તમારા જીવનનો હિસ્સો બની રહીશ. અને બસ એના ગયા પછી, એ જે ધર્મ નિભાવતી એ મુજબ હું પણ શોધી શોધીને આવું બધું કરું છું.

એ હંમેશા કહેતી કે સૌના સમય સરખા ન હોય, એટલે કોઈનો સમય ખરાબ હોય, અને આપણી થોડી ઘણી હેસિયત હોય છતાં મદદ ન કરીએ ને એના જેવું પાપ બીજું એકેય નથી, અને આમ એક ઓછું ભણેલી ગામડામાં જન્મેલી સ્ત્રી મને જીવનનો સાચો ધર્મ શીખવી ગઈ, અને હું રોજ રાત્રે દસ વાગ્યે એટલે જ બધાં કામ મુકી મારી ડાયરી લઇને લખવા બેસી જાઉં છું.

બેટા તું નહીં માને! પણ મને એ રુબરુ સાંભળતી હોય, અને વાહ પ્રોફેસર સાહેબ! એમ શાબાશી આપતી હોય, એવો અનુભવ રોજ થાય છે, અને એનો રાજીપો એ જ હવે મારું જીવન છે. રોજ કોઈ ને કોઈ કાર્ય મારી પ્રતીક્ષા કરતું ઉભું છે, એ જ મારા આગલા શ્વાસનું ઈંધણ બની મને ચલાવે છે. તો આ છે મારા નીરોગી જીવનની સચ્ચાઈ કે જેમાં તારી કાકી વસંતની મનમોહક મોગરા જેવી સુગંધ, પારિજાત જેવી પવિત્રતા, અને કમળ જેવી કોમળતા, ગુલાબ જેવી સહનશીલતા, અને સરિતા જેવી સરળતા આજે પણ અકબંધ છે, અને મારા અસ્તિત્વના, અંત સુધી કાયમ રહેશે.

સાચું કહું, હવે મને લાગે છે કે એ જીવતી હતી ત્યાં સુધી, હું એના મનમોહક ને સાદગી ભર્યા રુપ ને જ પ્રેમ કરતો હતો, પણ એના ગયા પછી જ એનું સાચું સ્વરૂપ મને સમજાયું.

તો સોનાક્ષી આ હતાં વિનય કાકા, મને તો અફસોસ એ થાય છે કે, હું વસંત કાકીને મળી શકી નહીં. સોનાક્ષીએ કહ્યું પણ દામિની મને એક પ્રશ્ન થાય છે કે, આટલાં પરોપકારી હોવા છતાં વસંત કાકીને કેન્સર નામનો આટલો કષ્ટદાયક રોગ શુ કામ થયો? ભગવાને તો આવા લોકોને વધુ જીવાડવા જોઈએ, કારણ કે બીજા દસ વીસને મદદ થાય!

દામિની એ કહ્યું સાચી વાત છે તારી, અને મેં પણ વિનય કાકાને એ જ પ્રશ્ન કર્યો હતો, ત્યારે વિનય કાકાએ પણ એવું જ કહ્યું કે દામિની વસંત ને જ્યારે કેન્સરનું નિદાન થયું, ત્યારે મેં પણ વસંતને આ જ પ્રશ્ન પૂછ્યો હતો! અને કહ્યું હતું કે તારા ભગવાનને પૂછજે, કે તને આ વ્યાધિ શું કામ આપી? એટલે વસંત એ પહેલાતો મોઢું ફેરવી લીધું, અને મૌન રહી, પછી કહ્યું કે પ્રોફેસર સાહેબ એ તો હોય, કોઈ કોઈ જન્મના કર્મના ફળનું પણ કદાચ કારણ હોય!

પણ મેં મક્કમતાથી કહ્યું કે, તું આ જન્મે તો શું! કોઈ પણ જન્મે તારો ધર્મ ચૂકી જાય તેવી છો જ નહીં! તું તો સાક્ષાત ધર્મ સ્વરૂપ જ છો! એટલે મારા મોઢા પર હાથ મુકીને બોલી હતી, ના પ્રોફેસર સાહેબ એવું નથી, હું પણ ક્યારેક ધર્મ ચૂકી ગઇ હોવ તેવું બને, અને સ્ત્રીને તો એની મમતા ઘણીવાર ધર્મ ચૂકાવે પણ ખરી!

યાદ કરો આપણા લગ્ન થયાં, અને દરેક સ્ત્રીને જેમ માં બનવાની ઇચ્છા હોય, તેમ મને પણ હતી. પરંતુ ઈશ્વર એ બાબતે હે રાજી નહી હોય, એટલે લગ્નના દસ વર્ષ થયાં, પણ મારો ખોળો ખાલી જ રહ્યો, અને મેં એ માટે આપણા ઘરના વડીલોનાં ખૂબ મહેણાં સાંભળ્યા, અને હું પણ મારી જાતને દોષી માનતી હતી.

એક દિવસ તમે એક ફાઈલ કબાટમાં મુકી, અને ખબર નહીં, પણ એ દિવસે એ ફાઈલ તમારાં ગયાં પછી મેં કાઢી, અને એ રિપોર્ટ વાંચી હું સ્તબ્ધ થઇ ગઈ. એ રિપોર્ટમાં ચોખ્ખું લખ્યું હતું, કે તમે પિતા બની નહીં શકો, એટલે બીજું કંઈ નહીં, પણ મને થયું કે મારો કોઈ દોષ ન હોવા છતાં મારે આ સાંભળવાનું, અને તમે નથી મારો બચાવ કરતાં, કે નથી કોઈ ખુલાસો કરતાં! સાચું કહું છું, માં એ કહ્યું હતું કે પતિ પરમેશ્વર કહેવાય, પણ પહેલીને છેલ્લીવાર એ સમયે મારા મનમાં ત્યારે પરમેશ્વર વાળો ભાવ નહોતો, અને આ બિમારી એનું કારણ છે, જે થાય તે સારા માટે જ થાય!

આ જીન્દગીમાં જ એ કર્મનું ફળ ભોગવી લીધું, એટલે આવતે જન્મ ફરી પાછી તમારી જ પત્ની. બનીને આવી શકીશ. બેટા હું તો એ સ્ત્રીની નિખાલસતા જોઈ જ રહ્યો! આવી હતી, તારી કાકી ને મારી વહાલી વસંત!

મિત્રો પ્રેમ એ કોઈ સમય નક્કી કરીને થતો નથી કે ચાલો વસંત આવી હવે પ્રેમ થવો જ જોઈએ, અને વેલેન્ટાઈન ડે પર પ્રપોઝ પ્રોમીસ વગેરે ન જાણે કેટલુંય! આપણી સંસ્કૃતિમાં તો સપ્તપદીના સાત સાત વચન એટલે કે પ્રોમીસ છે જ!, જેને પ્રેમ કરીએ એ જાય પછી પણ એનું સાનિધ્ય અનુભવવું ગમે એ જ સાચો પ્રેમ છે, અને કોણે કહ્યું, સ્ત્રી પુરુષ કે પતિ પત્ની વચ્ચે જે હોય એને જ પ્રેમ કહેવાય, એ તો હદથી વધે ત્યારે વા સનાનું રુપ લે, અને નિર્લજ્જ બનાવે, ક્યારેક શો-ષ-ણ પણ કરે.

પ્રેમ તો પોષણ કરે અને શાલીન બનાવે, તેમજ નમ્ર પણ બનાવે, અને સતત સાત જન્મ સુધી તન મનથી તેની સાથે રહેવાની ઝંખના રહે છે તેને જ પ્રેમ કહેવાય.

લેખક : ફાલ્ગુની વસાવડા – ભાવનગર.

(જયેશ કોઠારીએ શેર કરેલી પોસ્ટ.)