અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું, મેં યુધિષ્ઠિર જેટલો દાનવીર બીજો કોઈ જોયો નથી, પછી શ્રીકૃષ્ણએ આ રીતે તોડ્યો તેનો ભ્રમ

0
1420

સાચો દાનવીર :

એકવાર અર્જુને ભગવાન કૃષ્ણને કહ્યું, ‘મેં વિશ્વમાં મોટા ભાઈ યુધિષ્ઠિર જેટલો દાનવીર બીજો કોઈ વ્યક્તિ જોયો નથી.’ શ્રી કૃષ્ણ બોલ્યા, ‘પાર્થ, આ તારો ભ્રમ છે. આ દુનિયામાં ઘણા એવા દાનવીર છે, જે વિચાર્યા વગર સૌથી મૂલ્યવાન વસ્તુનું દાન કરતા અચકાતા નથી. અર્જુને શ્રી કૃષ્ણની આ વાત સામે વાંધો ઉઠાવ્યો કે, ‘વ્યક્તિએ શા માટે પોતાની જાતને નુકસાન પહોંચાડીને દાનમાં કોઈને મૂલ્યવાન વસ્તુઓ આપે?’

આના પર શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા, ‘પાર્થ ચિંતા ન કર, તારી આ મૂંઝવણ થોડા સમય પછી દૂર થઈ જશે. મારી નજરમાં એક એવી વ્યક્તિ છે, જે બહુમૂલ્ય ચીજવસ્તુઓનું પણ દાન કરવામાં બિલકુલ અચકાતી નથી. જ્યારે સમય આવશે ત્યારે ‘તું પોતે જ આ વિશે જાણી શકીશ અને તું તારી ધારણા બદલી શકીશ.’

ઘણા દિવસો વીતી ગયા અને અર્જુન એ ઘટના ભૂલી ગયો. જ્યારે વર્ષાઋતુ આવી ત્યારે એક દિવસ શ્રીકૃષ્ણ અને અર્જુન ભિખારીઓના વેશમાં યુધિષ્ઠિરના દ્વારે પહોંચ્યા. યુધિષ્ઠિરે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું. તેઓ ભિખારીના વેશમાં શ્રીકૃષ્ણ અને અર્જુનને ઓળખી શક્યા નહીં. થોડા સમય પછી સાધુઓએ યુધિષ્ઠિર પાસેથી સૂકું ચંદન માંગ્યું. યુધિષ્ઠિરે તેમની માંગ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સૂકું ચંદન ક્યાંય મળ્યું નહીં. આના પર યુધિષ્ઠિરે પોતાની અસમર્થતા વ્યક્ત કરી અને કહ્યું, ‘વરસાદની ઋતુમાં સૂકું ચંદન મેળવવું અશક્ય છે.’

યુધિષ્ઠિરથી નિરાશ થઈને શ્રી કૃષ્ણ અને અર્જુન બંને કર્ણના દ્વારે પહોંચ્યા અને એ જ માંગણીનું પુનરાવર્તન કર્યું. કર્ણએ બંનેનું ઉષ્માભેર સ્વાગત કર્યું અને કહ્યું કે, ‘હે વિપ્ર દેવ! તમે બેસો, હું કોઈને કોઈ વ્યવસ્થા કરું છું.’ જ્યારે કર્ણને તનતોડ પ્રયત્ન કરવા છતાં પણ સૂકું ચંદન ન મળ્યું ત્યારે તેણે એક ક્ષણ પણ બગાડ્યા વિના પોતાના મહેલના અમૂલ્ય ચંદનનાં દરવાજા ઉખાડી નાખ્યાં અને આપી દીધા. કર્ણની ઉદારતા જોઈ અર્જુન સ્તબ્ધ થઈ ગયો.