એક બાળક અજાણી ભિખારણ માટે જે કરતો તે જાણીને તમે તેને સલામી આપશો, વાંચો અસલ જીવનનો પ્રસંગ.

0
476

“પુત્રનાં લક્ષણ પારણામાં”

એક બંગાળી છોકરો, નાનકડો નમણો છોકરો, દેખાવે જ વહાલો લાગે તેવો છોકરો. પોતાના શહેરની એક પ્રાથમિક શાળામાં તે ભણવા જાય. આ પ્રાથમિક શાળા પ્રસિદ્ધ હતી. શહેરનાં સારાં સારાં ઘરના છોકરાઓ ‘વિદ્યાલય’ નામે ઓળખાતી એ શાળામાં ભણવા જતા હતા. કેટલાક છોકરાઓ દૂર દૂરથી આ વિદ્યાલયમાં આવતા હતા. દૂર દૂરથી આવતાં બાળકો પોતાની સાથે ખાવાનું ભાથું પણ લેતા આવતા, કેમકે નાનાં બાળકો તો ઝટ ભૂખ્યાં થઈ જતાં, ને તેમનું ઘર એટલું દૂર કે રીસેસમાં જમીને શાળાએ પાછા ન આવી શકાય.

તો, દરરોજ સુખી અને સારા ઘરના છોકરાઓ બનીઠનીને વિદ્યાલયમાં આવે, સાથે ઘેરથી ભાથું પણ લાવ્યા હોય. બપોરે મોટી રીસેસ પડે એટલે છોકરાઓ ‘વિદ્યાલય’ના મકાનની લૉનમાં બેસીને પોતપોતાનું ભાથું છોડે ને ગમ્મત કરતાં જાય ભાથું ખાતા જાય.

હવે એક ભિખારણ ડોસી આ વિદ્યાલયને ઝાંપે હમણાં હમણાં આવતી થઈ હતી. ઝાંપાની એક બાજુ તે બેસી રહેતી, નિશાળિયાને પ્રસન્ન મને વિદ્યાલયમાં જતા જોઈ રહેતી, વળી બપોરની રીસેસમાં નિશાળિયા પોતપોતાનાં ભાથાં છોડીને ટેસથી ને ગમ્મત કરતાં કરતાં ખાતા એ પણ તે જોઈ રહેતી ને ઊંડો નિસાસો નાંખતી.

એક દિવસની વાત. પેલો નમણો ને નાનો બંગાળી છોકરો વિદ્યાલય જતો હતો. વિદ્યાલયના ઝાંપા પર જ ભિખારણ ડોસી બેઠી હતી. આજે આ ભિખારણ ડોસી આ છોકરાને ટગર ટગર જોઈ રહી. ઓશિયાળી નજરે જોઈ રહી. એ જોઈ પેલા છોકરાને ડોસીની દયા આવી, ને તેણે સ્વાભાવિક પૂછયું : ‘કેમ માજી, કેમ આવું ઓશિયાળું મોં કરી નાખ્યું છે? તમારે શું જોઈએ છે?’

ભિખારણ ડોસી મૂક સ્વરે કહે : ‘બેટા! બે દિવસની ભૂખી છું. હવે ભૂખે નથી રહેવાતું. દીકરા દયા કરીને મને બે રોટલી આપ, ભગવાન તને સાજોનરવો રાખે!’

છોકરો સ્વભાવથી જ ખૂબ દયાળુ હતો. તેને ડોસીની દયા આવી. તરત જ તેણે પોતાના ભાથાનો ડબ્બો ખોલ્યો ને તેમાંથી બે રોટલી ને થોડુંક શાક ડોસીને આપતાં કહ્યું : ‘ડોસીમા, આવું ગરીબડું મોં નહિ કરવાનું હોં! તમતમારે ખુશીથી આ રોટલી ખાવ અને હવે હું દરરોજ તમારા સારુ બે રોટલી વધારાની ઘેરથી લાવીશ હોં!’

છોકરાના દેખતાં જ ભૂખી ડોસી તો રોટલી ને શાક ખાવા માંડી. ને આંખમાં હર્ષાશ્રુ સાથે તે દયાળુ છોકરાને દુવા દેવા લાગી. હવે તો છોકરો દરરોજ ડોસીમા માટે બે રોટલી ને શાક પોતાના ડબ્બામાં વધારાનાં ભરી લાવવા લાગ્યો ને ડોસીને આપવા માંડ્યો. ડોસી પણ દરરોજ આ છોકરાની રાહ જોતી સમયસર વિદ્યાલયના ઝાંપે બેસી રહેતી. પછી તો આ ક્રમ ઘણા દિવસો ચાલ્યો.

પરંતુ એક દિવસ શું બન્યું? આ દયાળુ છોકરો તો પોતાના નિયમ મુજબ ડોસીમાં સારુ બે રોટલી અને વધારાનું શાક લઈ આવ્યો હતો ને વિદ્યાલયને ઝાંપે એ રોટલી શાક આપવા માટે ડોસીને શોધતો હતો, પરંતુ કોણ જાણે કેમ આજે ડોસી બેઠી નહોતી. છોકરાનો જીવ તો અકળાયો. તેને થતું હતું, ‘આજે માજી કેમ દેખાતા નથી? કંઈ થયું હશે કે શું?’

આજુબાજુ વિદ્યાલયના ઝાંપે બીજી ફાલતું વસ્તી હતી. એ લોકોને છોકરાએ ડોસીમા વિશે પૂછયું. એ લોકોમાંથી કોઈએ છોકરાને કહ્યું. ‘ભાઈ, કાલ રાતે તો એ ડોસી મ-રી-ગ-ઈ! અમે બધા ભેગા થઈ સ્મશાનમાં તેને બાળી આવ્યાં પણ!’

આ વાત જાણી પેલા ભાવનાશાળી છોકરાને જાણે પોતાનું કોઈ સ્વજન મ રીગયુંહો ય તેવું દુ:ખ થયું. એ આખો દિવસ તેના દિલમાં ઉદાસીનતા છવાયેલી રહી. આજે તેને પોતાને પણ ખાવાનું ભાવ્યું નહિ. તેનું ભાતું એમનું એમ પડ્યું રહ્યું. ઘેર જઈ તેણે પોતાનું દફતર એમ ને એમ મૂકી દીધું. બીજા દિવસે છોકરાની માં જુએ છે તો છોકરાના ભાતાના ડબ્બામાં કીડીઓ ચડી હતી!

માં એ પૂછયું : ‘કેમ બેટા, કાલે તારું ભાતું તે ખાધું નહોતું? કેમ ભાતું એમ ને એમ પાછું લાવ્યો છે?’ જવાબમાં છોકરાની આંખમાં આંસુ આવી ગયાં. છોકરાની આંખમાંનાં આંસુ માં એ પોતાના પાલવથી લૂછી નાખ્યાં, તે પછી પ્રેમથી પૂછયું : ‘બેટા, શી વાત છે, એ તો કહે!’ છોકરાએ પેલી ભિખારણ ડોશીની વાત અથથી ઈતિ માને કહી.

આ બંગાળી છોકરાની માં પણ પુત્રની જેમ જ દયાળુ ને પરગજુ હતી. તે પોતાના આ દયાળુ દીકરાને વહાલથી છાતીસરસો ચાંપતા કહેવા લાગી : ‘દીનદુ:ખિયા પ્રત્યે તારામાં આટલો દયાભાવ છે, એ જાણી મારી છાતી ગજ ગજ ફૂલે છે!’

આ પરગજુ ને દયાળુ બંગાળી છોકરાનું નામ જાણો છો? એનું નામ સુભાષ. સુભાષના જમાનામાં આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો અને ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે આ સુભાષ કમર કસી પોતે નેતા બન્યો ‘આઝાદ હિંદ ફોજ’ સ્થાપી. આ સુભાષ એટલે જ નેતાજી સુભાષચંદ્રજી બોઝ. કહ્યું છેને પુત્રનાં લક્ષણ પારણામાં!

– શિવમ સુંદરમ.