પોતાના અઢી વર્ષના બાળકને ગુમાવનાર દંપતીની આ સ્ટોરી તમારું હૈયું કંપાવી દેશે, ખાસ વાંચવા જેવી સ્ટોરી છે

0
8966

“અર્ધાંગિની”

ફરવાનો શોખ કોને નથી હોતો, અને એ ત્યારે વધુ સુખદ બની જાય છે જ્યારે એક યુવાન યુગલના લગ્ન થયા હોય અને તેઓ સાથે ફરવા જાય. બસ એજ રીતે મોહન અને સુધાના લગ્નને એક મહિનો જ થયો હતો અને તેઓ ફરવા માટે શિમલા મનાલી જવા નીકળ્યા. મોહને તેના માટે કંપની માંથી 15 દિવસની રજા લીધી હતી.

બસમાં શિમલા પહોંચ્યા બાદ બંને ત્યાંના સુંદર સ્થળોની મુલાકાત લેવા ટેક્સી શોધવા લાગ્યા. પણ ટેક્સી ડ્રાઈવરો ઓછા હોવાને કારણે ત્યાં હાજર ટેક્સી ડ્રાઈવરો વધુ પૈસા માગતા હતા. મોહનના કેટલાક મિત્રો જેઓ પહેલા અહીં આવી ગયા હતા, તેમણે તેને કહ્યું હતું કે, અજાણ્યા શહેરમાં વધુ પડતો ખર્ચ ક્યાંક મુશ્કેલીમાં ન મૂકી દે, તેથી દરેક વ્યક્તિ કાળજીપૂર્વક ખર્ચ કરે છે.

એવામાં મોહનની નજર બીજા એક કપલ પર ગઈ. કદાચ વધુ ભાડાને કારણે તે પણ બીજા ટેક્સી ડ્રાઈવર સાથે વારંવાર વાત કરી રહ્યા હતા. મોહન થોડો વિચાર કરીને તેની પાસે ગયો અને કહ્યું, જો આપણે અલગ અલગ જઈશું તો વધુ ખર્ચ થશે, અને સાથે એક જ ટેક્સીમાં જઈશું તો અડધો ખર્ચ વહેંચાઈ જશે અને આપણા બંનેના ટેન્શનને ઘણી હદ સુધી દૂર કરી શકાશે.

આ સાંભળીને તે યુવકના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેણે કહ્યું, હા ભાઈ, આ સારો વિકલ્પ છે. પછી ચારેય જણ ટેક્સીમાં બેસીને શિમલાના રમણીય દૃશ્યો જોવા નીકળી પડ્યા. પણ થોડી વારમાં મોહન અને સુધાને લાગ્યું કે, તેમણે આવું કરીને ભૂલ કરી છે. સુધાને ફિલ્મી ગીતોનો શોખ છે, પરંતુ ટેક્સીમાં ગીત વાગતાની સાથે જ બીજી યુવતીએ પોતાના કાન પર હાથ મૂક્યો. તે જોઈને તેના પતિએ ટેક્સી ડ્રાઈવરને ગીત બંધ કરવા વિનંતી કરી.

મોહન અને સુધાને થોડું ખરાબ લાગ્યું પણ તેઓ એમ વિચારીને ચૂપ રહ્યા કે ભાડું બચાવવા માટે થોડું એડજસ્ટ કરવું પડશે. પણ પછી બંનેએ જોયું કે તે કપલ વિચિત્ર વાત કરી રહ્યું હતું. ખાસ કરીને યુવતી. તે યુવતીને રસ્તામાં જે કંઈ દેખાયું તેના વિષે પોતાના પતિને પૂછતી કે, આ શું છે? પેલું શું છે? આ આવું કેમ છે? તે એવું કેમ છે? મોહન અને સુધા તે બંનેની વાતો સાંભળી રહ્યા હતા. તેઓ વિચારવા લાગ્યા કે, આ યુવતી કેવા નાદાન જેવા સવાલો પૂછે છે અને આ યુવક પણ કોઈપણ હેરાનગતિ વિના અને ગુસ્સે થયા વિના તેના દરેક સવાલના જવાબ હસીને કેવી રીતે આપે છે?

પણ લાંબા પ્રવાસમાં તેમની અર્થહીન બકબકથી મોહન અને સુધા કંટાળી ગયા. જ્યારે રસ્તામાં એક લીલું ખેતર આવ્યું તો તેને જોઈને યુવતીએ તર્કવિહીન પ્રશ્ન પૂછ્યો કે, અરે તે શું છે…. ખેતર છે… જુઓ તો કેટલું લીલું લીલું છે, અહીં કઈ વસ્તુની ખેતી કરવામાં આવે છે?

તેના પતિએ તેને પાણી પીવડાવ્યું અને કહ્યું… અરે આ… હા એ ખૂબ જ સુંદર છે ને… પણ આ સાંભળીને હવે મોહનની રહેવાયું નહિ અને તેણે અકળાઈને પેલા યુવકને પૂછ્યું, આ આવું વર્તન કેમ કરી રહી છે. મોહનની વાત સાંભળીને યુવકની આંખો ભીની થઈ ગઈ, તેણે પોતાની પત્નીનું માથું પોતાના ખભા પર મુક્યું પછી કહ્યું, ભાઈ, અમારે અઢી વર્ષનું એક બાળક હતું, જે સાત મહિના પહેલા દુનિયા છોડીને જતું રહ્યું છે. ત્યારથી આની હાલત આવી થઈ ગઈ છે.

તેણે આગળ કહ્યું, ડોક્ટરે કહ્યું છે કે, તમારી પત્નીને બીજા શહેરમાં ફરવા લઈ જાઓ. જગ્યા બદલાશે તો તે ખુશ રહેશે. આ માં છે અને તેણે તેને નવ મહિના પેટમાં રાખ્યો હતો, તો હૃદયનો ઘા આટલો જલ્દી નહિ ભરાય ને! હું તો બાપ છું, અને દુઃખ તો મને પણ થયું છે, પણ હું નબળો પડીશ તો આને કોણ સંભાળશે? ડોક્ટર કહે છે કે સમય દરેક ઘા સારા કરી દે છે, આ ઘા પણ જલ્દી જ સારો થઈ જશે. અને ભાઈ, મેં આની સાથે લગ્ન કર્યા છે, આ મારી જીવનસાથી છે, મારી અર્ધાંગિની છે. અને કહેવાય છે ને કે અર્ધાંગિની એટલે અડધું શરીર.

અને શરીરનું કોઈ અંગ બીમાર પડે તો તેને પોતાનાથી અલગ નથી કરવામાં આવતું. તેની સારી સંભાળ રાખવામાં આવે તો જલ્દી ફાયદો થાય છે. એટલામાં એક બજારની વચ્ચેથી કાર પસાર થઈ રહી હતી. બજારમાં મકાઈ જોઈને યુવતી મકાઈ લેવાની જીદ કરવા લાગી. તેના પતિએ અચકાયને ડ્રાઈવરને કહ્યું, ભાઈ જરા ગાડી ઉભી રાખો ને, હું બહાર જઈને ફટાફટ….

તે વાત પુરી એ પહેલા જ મોહને તેની વાત કાપતા ડ્રાઈવરને કહ્યું, ભાઈ કાર ઉભી રાખો. અને તે બહાર જઈને પાંચ ગરમા ગરમ મકાઈ લઈને કારમાં પાછો આવ્યો. ડ્રાઈવર સહિત બધા મકાઈની મજા લેતા આગળ વધ્યા.

તે યુવતી મકાઈ ખાતા ખાતા પણ તેના પતિના ખભા પર માથું ટેકવીને અર્થવિહીન પ્રશ્નો પૂછી રહી હતી અને તેનો પતિ પણ એ જ રીતે હસીને તેના જવાબ આપી રહ્યો હતો. મોહને તેની પત્ની સુધા તરફ જોયું તો સુધાની આંખો પણ તેની આંખોની જેમ ભીની થઈ ગઈ હતી. મોહને પોતાની ભરેલી આંખો આકાશ તરફ ફેરવી અને ભગવાનનો આભાર માન્યો કે, તેમણે આ યુવતીને આટલો સુંદર જીવનસાથી આપ્યો.

આ જોડી ઉપરવાળાએ ખૂબ વિચાર્યા પછી બનાવી છે. ભગવાન દરેક વ્યક્તિને એવો જીવનસાથી આપે જે ખરેખર અર્ધાંગિનીનો અર્થ સમજે.