જે બંગલામાં માઁ-બાપ ખુશ ના હોય તે બંગલો ધૂળ બરાબર છે, આ સ્ટોરી દ્વારા સમજો આ વાત.
સવારે મોહનભાઈના મોબાઈલની રીંગ વાગી ત્યારે જોયું તો ડિસ્પ્લે પર દીપકનું નામ આવી રહ્યું હતું. દીપક એટલે તેમના ગામના મિત્ર અશોકભાઈનો પુત્ર. જેની સાથે વર્ષોથી સંપર્ક તૂટી ગયો હતો, આજે અચાનક તેના પુત્રનો ફોન આવ્યો એટલે ગામમાં વીતેલા દિવસો ક્ષણભરમાં યાદ આવી ગયા અને હૃદય આનંદથી ભરાઈ આવ્યું.
હેલો…
નમસ્તે કાકા…. આજે સાંજે તમારે તમારા પરિવાર સાથે અમારા ઘરે આવવાનું છે.
નમસ્કાર દીકરા, અમે ચોક્કસ આવીશું, પણ આજે એવો કયો ખાસ પ્રસંગ છે.
કાકા, તમારા આશીર્વાદથી એક નાનું ઘર બનાવ્યું છે, તે જ પ્રસંગે સાંજે પૂજા છે. મમ્મી-પપ્પા પણ તમને યાદ કરે છે. સુમિતભાઈ અને નેહાભાભીને પણ લઈ આવજો. મેં એડ્રેસ તમને વોટ્સએપ કર્યું છે.
ઠીક છે, અમે ચોક્કસ આવીશું દીકરા… આટલું કહીને મોહનભાઈએ ફોન મુક્યો અને પછી પોતાની પત્ની સુધા અને પુત્ર સુમિત અને વહુ નેહાને આ સમાચાર આપી સમયસર તૈયાર થઈ જવા કહ્યું.
લગભગ બે કલાકની મુસાફરી પછી સાંજે તેઓ અને તેમનો પરિવાર ત્યાં પહોંચ્યા. તેમના આલીશાન બંગલાની ભવ્યતા જોવા જેવી હતી. મોહનભાઈ આ જોઈને ખૂબ જ ખુશ થયા. અશોકભાઈએ તેમની જેમ જ ગામમાં ખેતી કરતા-કરતા દીપકને ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં ભણાવ્યો હતો.
તેમનું આ આલીશાન ઘર જોઈને બધા ખુબ ખુશ થયા. અંદર પહોંચતા જ દીપક અને તેની પત્ની મેઘાએ તેમનું સ્વાગત કર્યું. મોહનભાઈ અને તેમના પત્ની જોઈ રહ્યા હતા કે કેવી રીતે દીપક અને મેઘા મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા. પણ તેમની નજર અશોકભાઈને શોધતી હતી, પણ દીપક અને મેઘાને વ્યસ્ત જોઈને તેમને પૂછ્યું નહીં, અને પોતે જ આખા ઘરનું નિરીક્ષણ કરવા નીકળ્યા.
બંગલામાં બધું બરાબર ગોઠવેલું હતું, દરેક ખૂણામાં વૈભવ દેખાતો હતો. એવામાં અચાનક તેમની નજર વિશાળ બંગલાના એક ખૂણાના રૂમમાં ગઈ, જ્યાં તેમના મિત્ર અશોકભાઈ પોતાની પત્ની સાથે બેઠા હતા. મોહનભાઈ દોડીને અશોકભાઈને ભેટી પડ્યા. અશોકભાઈ પોતાની ઉદાસી છુપાવી શકવામાં અસમર્થ હતા, છતાં તેમણે ખોટું હસીને કહ્યું, મોહનભાઈ, તમને ભત્રીજાનું ઘર કેવું લાગ્યું… બરાબર જમ્યાને.
અશોકભાઈ, ઘર બહુ આલીશાન છે, પણ તમે અને ભાભી અહીં કેમ બેઠા છો? શું દીપક અને મેઘા તમારા વગર જ જમી લે છે.
અશોકભાઈ અને તેમના પત્ની બંને એકબીજાના ચહેરા તરફ જોઈ ચૂપ રહ્યા.
મોહનભાઈએ જોયું કે સીતાભાભી આંખો લૂછી રહ્યા હતા.
ત્યારે દીપકે આવીને કહ્યું, અરે કાકા-કાકી, તમે બંને અહીં છો, ચાલો જમવા જઈએ. સુમિતભાઈ અને નેહાભાભી કહે છે કે તેઓ તમારી સાથે જ જમશે.

મોહનભાઈ હળવેથી બોલ્યા, દીપક દીકરા… અમે ચોક્કસ જમીશું, પણ તમે લોકોએ ગૃહપ્રવેશની પૂજામાં ભગવાનને ભોગ નહીં ધરાવ્યો?
એટલે પાછળથી મેઘા બોલી, કાકા, લાગે છે તમે અમારું પૂજા ઘર જોયું નથી, પહેલી થાળી ભગવાનની સામે જ રાખેલી છે.
મોહનભાઈનો ચહેરો લાલ થઈ ગયો હતો, પણ પોતાની જાતને સંયમિત કરતાં તેમણે હળવાશથી કહ્યું, હા, દીકરા, મેં જોયું છે, પણ એ શણગારેલા પૂજાઘરમાં પેલી મૂર્તિઓ આગળ સજાવેલી થાળીનો શું ફાયદો, તમારા માતા-પિતા તો ભૂખ્યા બેઠા છે.
દીપક અને મેઘા બંને શરમથી આંખો નીચી કરીને ઉભા હતા, ત્યારે પાછળથી સુમિત અને નેહા આવ્યા અને બોલ્યા, ભાઈ-ભાભી… આપણા ભગવાન અમારા માતા-પિતા છે. જો તમે તેમને ભૂખ્યા રાખશો અને પૂજામાં છપ્પન ભોગ ધરાવશો તો ભગવાન તેને સ્વીકારશે નહીં.
અને મારા ભાઈ, સૌથી મોટી પૂજા તો માતા-પિતાની સેવા કરવી, તેમને પ્રેમ અને સન્માન આપવો, તેમની સાથે બેસીને ભોજન કરવું, વાતચીત કરવી એ બધું છે. મારા મિત્ર, આ પૂજાથી જ મંદિરમાં રહેલા ભગવાન પ્રસન્ન થાય છે. જે ઘરમાં માઁ-બાપ ખુશ ન હોય તે ઘરમાં ભગવાન કદી વાસ કરતા નથી.
દીપક અને મેઘા બંને શર્મસાર થઈ ગયા. તેમને પોતાની ભૂલનો અનુભવ થઈ ગયો અને પછી તેઓ અશોકભાઈ અને સીતાબહેનના ચરણોમાં પડીને માફી માંગવા લાગ્યા.