એક શાળામાં ગણિતના શિક્ષક વર્ગ લઈ રહ્યા હતા.
એક વિદ્યાર્થી પાસે જઈને આ શિક્ષકે પેલા વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, ‘‘બેટા, હું તને એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું અને ફરી પાછું એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય?”
પેલા વિદ્યાર્થીએ આંગળાના વેઢા ગણીને થોડોક વિચાર કરીને જવાબ આપ્યો, ” સાહેબ, તો કુલ ચાર થાય.”
શિક્ષકને લાગ્યું કે આ વિદ્યાર્થીને બરોબર સંભળાયું નથી લાગતું એટલે એણે પ્રશ્ન રિપીટ કર્યો. ‘‘બેટા જો બરોબર ધ્યાનથી સાંભળ. હું તને એક સફરજના આપું અને પછી ફરી પાછું એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય?”
પેલા વિદ્યાર્થીએ ફટાક દઈને જવાબ આપ્યો, ‘‘સર કુલ ચાર સફરજના થાય.”
શિક્ષકને થયું આ વિદ્યાર્થીને કંઈક અલગ રીતે પૂછું એટલે એણે પેલા વિદ્યાર્થીને પૂછયું, “બેટા, તને સૌથી વધુ ક્યું ફળ ભાવે?”
છોકરાએ કહ્યું, “સાહેબ, મને કેરી બહુ જ ભાવે.”
શિક્ષકને થયું એના મનપસંદ ફળની વાત કરીશ એટલે ધ્યાનથી સાંભળશે. “બેટા, હવે સાંભળ. જો હું તને એક કેરી આપું અને પછી ફરીથી એક કેરી આપું અને ફરી એક કેરી આપું તો તારી પાસે કુલ કેટલી કેરી થાય? ”
પેલા છોકરાએ જવાબ આપ્યો, “સર, મારી પાસે કુલ ત્રણ કેરી થાય.’’
જવાબ સાંભળીને શિક્ષકે કૂદકો માર્યો. “શાબાશ બેટા તું બિલકુલ સાચો છે. બેટા હવે મને જવાબ આપ કે, હું તને એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું અને ફરી પાછું એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય?”
પેલાએ જવાબ આપ્યો, ‘‘સર, તો મારી પાસે કુલ ચાર સફરજન થાય.”
જવાબ સાંભળીને શિક્ષકને પોતાના વાળ ખેંચવાનું મન થયું ગુસ્સાથી પેલા વિદ્યાર્થીને કહ્યું, “ડફોળ ચાર સફરજન કેવી રીતે થાય?”
છોકરાએ પોતાના દફતરમાં હાથ નાખીને એક સફરજન બહાર કાઢીને કહ્યું, “સર મારી મમ્મીએ એક સફરજન આપ્યું છે!”
જીવનમાં પણ આવું જ બને છે. આપણે સામેવાળા પાસેથી જે જવાબની અપેક્ષા રાખતા હોય એ જવાબ ન મળે ત્યારે આપણી હાલત આ શિક્ષક જેવી જ થાય છે.
અરે ભાઈ ઘણીવાર એવું પણ બને કે સામે વાળી વ્યક્તિને જે દેખાતું હોય તે આપણને ન દેખાતું હોય!
– પ્રેરણાની પતવાર.
(સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ)