એક પતિ તરફથી પત્નીને વહાલનો પત્ર જે જણાવે છે કે પત્ની તેનાથી અધિક મહત્વની કેમ છે?

0
1409

વ્હાલી, હું જાણું છું કે આ સંબોધન તને ચોંકાવનારું છે કેમ કે ક્યારેય તને આવા વહાલસોયા નામથી સંબોધી જ નથી. હું એ પણ માનું છું કે તને મારા તરફ ઘણી બધી ફરિયાદો પણ હશે પરંતુ કેટલીક વાતો એવી હોય કે જે કહી નથી શકાતી પણ એનો અહેસાસ જરૂર થતો હોય છે.

મને તારા માટે હંમેશા એવું લાગતું કે ઘરકામ એ તે કોઈ કામ થોડું છે? તારા પર કોઈ બૉસ તો નથીને? તારે કોઈને જવાબો નથી આપવાના ને? સાબિત નથી કરવાનું ને? ઘરમાં કમાઈને નથી આપવાનું ને?..તો..

તું ઘરમાં શું કરે છે…!!

હા, સાચું છે કે તારે બહાર નીકળીને સમાજનો સામનો નથી કરવો પડતો પરંતુ આજે બાળકો ને વ્યવસ્થિત એની જિંદગીમાં ગોઠવાઈ ગયેલા જોઉં છું, અત્યંત આજ્ઞાંકિત અને નમ્ર લહેજામાં વાત કરતાં જોઉં છું ત્યારે સમજાય છે કે…

તું ઘરમાં શું કરે છે…!!

આજે નાની નાની વાતમાં તારા પર અવલંબિત થઈ ગયેલા મારા વડીલોને જોઉં છું ત્યારે સમજાય છે કે…

તું ઘરમાં શું કરે છે…!!

અડોશપડોશ અને સગા સ્નેહીઓમાં તારા વખાણ સાંભળું છું, અરે સોસાયટીમાં તારા પતિથી મારી ઓળખ અપાય છે ત્યારે સમજાય છે કે…

તું ઘરમાં શું કરે છે…!!

ઓછી સુવિધાઓ અને લિમિટેડ ભૌતિક સુખો વાળા આ ઘરમાં પગ મૂકતાં જ આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થઈ મંદિરમાં પ્રવેશ્યાની અનુભૂતિ થાય છે ત્યારે સમજાય છે કે…

તું ઘરમાં શું કરતી…!!

અરે, તારા સિવાય કોઈની પણ તબિયત જરા સરખી પણ નરમ હોય તો એ વ્યગ્રતા તારા ચહેરા પર મેં હજારો વાર જોઈ છે. ઘરમાં પ્રવેશતાં જ તું મૂડ ને પારખી જાય છે ને એ જોઈને સમજાય છે કે…

તું ઘરમાં શું કરે છે…!!

હા, આજે હું નિવૃત્ત છું-દિવસનો મોટો ભાગ ઘરમાં જ વિતાવું છું અને મારા સરખી જ ઉંમરની તને- સતત પ્રવૃત્ત અને જવાબદારીઓથી ઝુકેલી જોઉં છું ત્યારે સમજાય છે કે…

તું ઘરમાં શું કરે છે…!!

જિંદગી આગળ કદાચ સમય ન પણ આપે આ સ્વીકારવાનો -તારી પાસે એકરાર કરવાનો- માટે આજે જ કહી દઉં. તું પત્ની, માતા, પુત્રવધુ, પાડોશી, અને આવા કેટલાય સંબંધો એકસાથે સુપેરે નિભાવી જાણે છે. મને ગર્વ છે તારા જેવી જીવનસંગીની મેળવ્યા નો. હા, થોડું મોડું સમજાયું છે એ માનુ છું પણ જ્યારે સમજાયું છે ત્યારે તને પણ અહેસાસ અપાવી શકવાની સ્થિતિ છે એ પણ ઘણું છે. સાચે જ, આજે સમજાય છે કે …

તું ઘરમાં શું કરે છે…!!!

તું સાચે જ ઘરમાં ઘણું બધું કરે છે સંપૂર્ણ ઘર તને આભારી છે. તું સાચે જ ઘરની લક્ષ્મી અને ગૃહિણી છે. પુરા ઘરનું ઋણ તારી ઉપર છે.

સર્વ નારી ને સમર્પિત

– અજ્ઞાત (પ્રાપ્તિ સ્થાન : વોટ્સએપ, સં. હસમુખ ગોહીલ)