કર્મનું ફળ : એક વ્યક્તિ એક વૃદ્ધ મહિલાને પોતાના સ્કૂટર પર બેસાડી તેમને ઘર સુધી મુકવા ગયો, પછી….

0
1536

એક વખત એક વ્યક્તિ પોતાના સ્કુટર પર ક્યાંક જઈ રહ્યો હતો. થોડે દુર સુધી ગયા પછી તેને એક વૃદ્ધ મહિલા દેખાયા. તે ઘણી થાકેલી હોય એવું લાગી રહ્યું હતું. અને તેમનો ચહેરો જોઇને એવું લાગી રહ્યું હતું કે, તે એ સ્થળ ઉપર ઘણા સમયથી બસ કે રિક્ષાની રાહ જોઈ રહી હતી. તે વ્યક્તિએ પોતાનું સ્કુટર તે મહિલા પાસે જઈને ઉભું રાખ્યું અને તે વૃદ્ધ મહિલાને પૂછ્યું તમારે ક્યાં જવું છે? તમે ક્યાં જવા માગો છો? હું તમને ત્યાં છોડી દઈશ.

અજાણ્યા વ્યક્તિને જોઈને તે વૃદ્ધ મહિલા થોડી અચંબિત થઇ ગઈ. તે વ્યક્તિ વૃદ્ધાનું અચંબિત થવાનું કારણ સમજી ગયો અને તેણે હસતા હસતા કહ્યું, માતાજી મારું નામ સુનીલ છે. તમે ગભરાશો નહિ. હું તમને ક્ષેમકુશળ તમારા ઘરે પહોંચાડી દઈશ. તમે નિશ્ચિંત થઈને સ્કુટર ઉપર બેસી જાવ. પછી તે વૃદ્ધ મહીલાએ તેની વાતથી સહમત થતા પૂછ્યું કે, તું મને ઘરે છોડવાના કેટલા પૈસા લઈશ?

સુનીલે હસતા હસતા કહ્યું, માતાજી આમ તો મારે તમારી પાસેથી કાંઈ ન જોઈએ. પણ જો તમે કાંઈક આપવા માંગો જ છો, તો બસ તમે ભવિષ્યમાં તમારા તરફથી કોઈ જરૂરિયાતમંદને કોઈ પણ પ્રકારની મદદ કરી દેજો. અને એવું કહીને તેણે એ વૃદ્ધાને પોતાના સ્કુટર પર બેસાડ્યા તેના તેમના ઘર સુધી મૂકી ત્યાંથી નીકળી ગયો.

બે દિવસ પછી તે વૃદ્ધ મહિલા કોઈ વસ્તુ લેવા એક દુકાન ઉપર ગઈ. વસ્તુ ખરીદીને દુકાન માંથી બહાર આવીને તેણે જોયું કે, તે દુકાનની બહાર એક ગર્ભવતી મહિલા ખાવાની વસ્તુ વેચી રહી હતી. તે વૃદ્ધ મહિલાને એવો અનુભવ થયો કે આ છોકરીની જરૂર કોઈ મજબુરી રહી હશે જેથી તેણે ગર્ભવતી હોવા છતાપણ કામ કરવું પડે છે. પછી વૃદ્ધાએ તેની પાસેથી થોડી ખાવાની વસ્તુ લીધી અને તે વસ્તુના જેટલા પૈસા થતા હતા એટલા આપી દીધા. અને સાથે જ છાનામાના વધારાના પૈસા તેના ગલ્લા પાસે મૂકી દીધા, અને તે વૃદ્ધ મહિલા ત્યાંથી નીકળી ગઈ.

સાંજે જયારે તે ગર્ભવતી મહિલાનો ઘરે જવાનો સમય થયો તો તેણે જોયું કે, તેના પાસે બે હજારની નોટ મુકેલી હતી. બે હજાર રૂપિયા જોઈને તે ઘણી ખુશ થઇ ગઈ. તેણે ઘરે જઈને પોતાના પતિને કહ્યું કે, સુનીલ મને ખબર છે કે મારા ગર્ભવતી થવાથી ઘરનો ખર્ચ ઘણો વધી ગયો છે. પણ આજે તમારે મારી દવાના પૈસા માટે ચિંતા કરવાની જરૂર નથી. હું આજે વધુ પૈસા કમાઈ છું. એમ કહીને તેણે ભગવાનનો આભાર માન્યો અને પોતાના પતિને ગળે વળગી ગઈ.

એ સાચું છે કે, જ્યારે પણ આપણે કોઈની નિસ્વાર્થ ભાવથી સેવા કરીએ છીએ, તો આપણા દ્વારા કરવામાં આવેલા તે સારા કામ જીવનમાં ક્યારેકને ક્યારેક પાછા આવે જ છે. અને તે પણ બમણી તાકાતથી. હવે પછી જયારે પણ કોઈની સેવા કરવી હોય કે કોઈની મદદ કરવી હોય તો સાચા દિલથી કરજો. અને ક્યારેય મનમાં એવું ન આવવા દેતા કે તેનું ફળ કેવું મળશે. ફળની ઈચ્છા ન રાખો બસ પોતાના કર્મ કરો. તમારું ભલું આપોઆપ થઇ જશે.