સ્વામી વિવેકાનંદના જીવનની એક યાદગાર ઘટના, જે પોતાના પ્રવચનમાં આ ઘટનાનો વારંવાર ઉલ્લેખ કર્યો છે.

0
432

વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપવા પોતે અમેરિકા જવાના હતા ત્યારની આ વાત છે.

એ સમયે રાજસ્થાનમાં ‘ખેતરી’ નામનું એક રજવાડું હતું. પ્રસંગવશાત્ વિવેકાનંદ આ રજવાડાના મહેમાન બન્યા. મહારાજાએ એમના સ્વાગતમાં એક સમારંભનું આયોજન કર્યું. ભારતમાંથી વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપવા જનાર એ પ્રથમ પ્રતિનિધિ હતા.

મહારાજાને થયું કે અમેરિકા જતા આ મહાન સંન્યાસીનો શાનદાર રીતે વિદાય સમારંભ થવો જોઈએ. એમને એ ખ્યાલ જ ન આવ્યો કે એક સંન્યાસીનું સ્વાગત શી રીતે થાય!

રાજા તો રાજાનાં ઢંગથી જ વિચારે ને !

એના મનમાં નાચગાન, જલસો એ જ સ્વાગતનું સર્વોત્તમ માધ્યમ હતું. આથી દેશની એક ખ્યાતનામ નર્તકીને નિમંત્રણ આપી એમણે આ જલસામાં બોલાવી.

જલસો શરૃ થયો. આખો દરબાર ખિચોખીચ ભર્યો છે. એક બાજુ વાદ્યવૃંદ બેઠું છે. નર્તકી પૂરી તૈયારી સાથે ઊભી છે. આવી છેલ્લી ક્ષણોમાં જ બાજુમાં જ્યાં વિવેકાનંદનો ઊતારો હતો, ત્યાં કોઈ એમને લેવા માટે ગયું. વિવેકાનંદને ખ્યાલ આવ્યો કે સમારંભમાં એક વેશ્યા નાચવાની છે. એમને જરા આશ્ચર્ય થયું અને અપમાનજનક પણ લાગ્યું કે આ તે કેવી રીત! માનને બદલે આ સ્થિતિ એમને અપમાનજનક લાગી. એટલે જવા માટે એમણે ઇનકાર કરી દીધો.

નર્તકી તો ખૂબ તૈયારી કરીને આવેલી. જિંદગીમાં પહેલીવાર એક સંન્યાસીના સ્વાગત માટે પોતે નાચવાનું હતું. અને સાંભળવા મળ્યું કે સંન્યાસી આ સ્થિતિથી નારાજ છે અને એટલે હાજર રહેવા નથી માગતા.

વેશ્યાના મનમાં અતિશય દુઃખ થયું કેમકે એ તો કબીર, મીરા અને નરસિંહ મહેતાના અનેક પદ કંઠસ્થ કરીને આવેલી. નર્તકીનું હૃદય આ સ્થિતિ જોઈને રડી ઊઠયું. અને એકાએક એણે એક ભજન શરૃ કર્યું. ગાતી જાય છે અને આંખોમાંથી ઝરઝર આંસુ વહી રહ્યા છે.

ભાવાવેશમાં આવીને એણે આ ભજન ગાયું. બાજુમાં જ વિવેકાનંદનો ઊતારો હતો. એટલે ગીતના શબ્દો સીધા વિવેકાનંદના કાન સુધી અથડાવા લાગ્યા. કંઠમાં જેટલું માધુર્ય એટલું જ દર્દ પણ હતું. વિવેકાનંદના હૃદય સુધી આ શબ્દો ચોટ કરવા લાગ્યા. સાગરની લહેરો કિનારા પર પછડાતી હોય એ રીતે શબ્દો સીદા વિવેકાનંદના વ્યક્તિત્વ પર ટકરાવા લાગ્યા.

ભજનનો ભાવાર્થ કંઈક આવો હતો.

‘લોઢાનો એક ટૂહકો કસાઈને ત્યાં પશુઓનો વધ કરવા માટે વપરાય છે અને બીજો ટૂકડો દેવ મંદિરમાં પૂજન-અર્ચનના કામમાં આવે છે પણ પારસમણિ માટે આ બન્ને વચ્ચે કશો ભેદ નથી હોતો. એ તો બન્નેને સ્પર્શીને સોનું બનાવી દે છે.’

વિવેકાનંદના અંતરમાં આ વાત ઊંડે સુધી ઊતરી ગઈ. એમને થયું કે આ તો ખોટું થયું અને અંદર જાણે કે એક ક્રાન્તિ થઈ હોય એમ પરંપરાગત ખ્યાલોનું ધુમ્મસ હટી ગયું. એમને લાગ્યું કે વાત તો સાચી છે.

સંતતો પારસમણિ જેવા હોય છે. સામી વ્યક્તિ વેશ્યા છે કે સતિ, એમને મન એવો કોઈ ભેદ હોતો નથી. એમની અમી વર્ષા, એમની કરૃણા, બન્ને પ્રત્યે સરખી અને ભેદભાવ રહિત હોય છે.

વિવેકાનંદનું હૃદય ભરાઈ આવ્યું અને આંખો પણ છલકાવા લાગી. રોકી ન શક્યા પોતાની જાતને અને સીધા જ દરબારમાં પહોંચી ગયા. રાજા પણ આ સ્થિતિ જોઈને ચમકી ગયાં. સમારંભમાં બેઠેલા લોકો પણ ચોંકી ઊઠયા. પહેલા ના પાડી અને હવે અચાનક સામેથી આવી ગયા? અને આવ્યા તો ખરા પણ આંખોમાં ઝર ઝર આંસુ સાથે?

આવતા જ એમણે ક્ષમા માગી. ખાસ તો પેલી નર્તકી સામે જોઈને કહ્યું કે,

“બહેન, મને માફ કરજે. હું રસ્તો ચૂકી રહ્યો હતો. અને તેં મને સીધો રાહ બતાવ્યો છે. સંન્યાસીના મનમાં આવો ભેદ શા માટે? સર્વત્ર પરમાત્માને જોવાની યાત્રા પર નીકળેલો હું તારામાં શા માટે બીજું કશુંક જોવા લાગ્યો, એનો મને અચંબો અને અફસોસ છે.”

વિવેકાનંદે આ સંસ્મરણને તાજું કરતાં કહ્યું છે કે એક વેશ્યાએ પણ મને સાચા ધર્મની દિશામાં જવા માટે પ્રેરણા આપી છે.

સાચા સંત સતત સજાગ હોય છે. પોતાની કોઈ ક્ષતિ હોય તો પણ એનો સ્વીકાર કરે છે અને જ્યાં ક્યાંકથી પણ પરમાત્માની દિશા તરફનો ઇશારો મળે, ત્યાં એમનું અંતર આભારવશ થઈ ઝૂકી જાય છે.