સાધુના આશીર્વાદ અને શિલ્પકારની ચતુરાઈને કારણે યમદુતો ખાલી હાથે યમલોકમાં ગયા, જાણો પછી શું થયું.

0
276

“ગુરુની વાત માનો”

નારાયણ દાસ કુશળ શિલ્પકાર હતા. તેમની મૂર્તિઓ દૂર દૂર સુધી પ્રખ્યાત હતી. નારાયણ દાસને એક જ દુ:ખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું. તેમના દુનિયા છોડ્યા પછી તેમની કળાનો વારસો કોણ સંભાળશે તેની તેમને હંમેશા ચિંતા રહેતી હતી.

એક દિવસ ચૌદ વર્ષનો એક છોકરો તેમના દરવાજે આવ્યો. તે સમયે નારાયણ દાસ ભોજન કરી રહ્યા હતા. છોકરાની નજરથી તેઓ સમજી ગયા કે તે બિચારો ભૂખ્યો છે. તેઓએ તેને ભોજન આપ્યું. પછી તેનો પરિચય પૂછ્યો.

છોકરાએ કહ્યું કે, ગામમાં રોગ ફાટી નીકળવાના કારણે તેના માતા-પિતા અને નાની બહેનનું મ-રૂ-ત્યુ થઈ ગયું. તે અનાથ છે. નારાયણ દાસને તેના પર દયા આવી. તેણે તેને પોતાની સાથે રાખ્યો. છોકરાનું નામ કલાધર હતું. તે ખંતપૂર્વક તેમની સેવા કરતો. તે તેમના પગ પણ દબાવતો.

નારાયણ દાસ દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓને તે ધ્યાનથી જોતો. ક્યારેક બહારથી પથ્થર લાવીને છીણી અને હથોડી વડે તેને કોતરવા માટે પ્રયત્ન કરતો.

એક દિવસ જ્યારે નારાયણ દાસે તેને આમ કરતા જોયો ત્યારે તેઓ સમજી ગયા કે બાળકમાં જુસ્સો છે. આ જોઈ તેમની ચિંતા દૂર થઈ ગઈ. તેમણે નક્કી કર્યું કે તે પોતાની કળા આ બાળકને આપશે. તેમણે કલાધરને કહ્યું, દીકરા, તારે મૂર્તિ બનાવતા શીખવું છે? હું તને શીખવીશ.

આ સાંભળી આનંદથી કલાધરનું ગળું ભરાઈ આવ્યું. તે કંઈ બોલી ન શક્યો, બસ એમને જોઈ રહ્યો.

નારાયણ દાસે કલાધરાને ખૂબ જ નિષ્ઠાથી શિલ્પકળા શીખવી. ધીમે ધીમે એ દિવસ પણ આવ્યો જ્યારે કલાધર પણ મૂર્તિ બનાવવામાં નિષ્ણાંત બની ગયો.

સમય કોઈ કલાકારને અમર થવાનું વરદાન આપતો નથી. અને નારાયણ દાસ બહુ બીમાર પડ્યા. કલાધરે ગુરુની પૂરા દિલથી સેવા કરી, પરંતુ તેમની બીમારી વધતી જ રહી. એક દિવસ તેમનો તાવ વધી ગયો. કલાધર તેમના કપાળ પર ભીના પોતા મૂકી રહ્યો હતો.

ગુરુના મુખમાંથી અટકી અટકીને કેટલાક અસ્પષ્ટ સ્વર નીકળી રહ્યા હતા, ‘દીકરા કલાધર આ કલાની ઊંચાઈનો અંત નથી. કોઈ કારીગરીમાં ખામીઓ કાઢે તો તેનું ખોટું ન લગાડતો, કળાનું અભિમાન ન કરતો.’ છેલ્લા શબ્દો બોલતા તેમણે દુનિયા છોડી.

કલાધર પોતાના માતા-પિતાના મ-રૂ-ત્યુ પર એટલું રડ્યો ન હતો જેટલું તે ગુરુના મ-રૂ-ત્યુ સમયે રડ્યો હતો. ધીમે ધીમે તે તેના જૂના જીવનમાં પાછો ફર્યો. તેણે મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું.

એક દિવસ એક સાધુ મહારાજ તેને ત્યાં આવ્યા. સાધુએ કલાધરને ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની સુંદર મૂર્તિ બનાવવા કહ્યું. કલાધરે તેમને એક મહિના પછી મૂર્તિ લેવા માટે આવવા કહ્યું. આટલો લાંબો સમય લેવા પર સાધુને નવાઈ લાગી પણ તે ચૂપ રહ્યા.

એક મહિના પછી જ્યારે તે આવ્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ જોઈને તે દંગ રહી ગયા. માખણ ચોરતા કૃષ્ણની મૂર્તિ જોઈને સાધુના મુખમાંથી પ્રશંસાના શબ્દો નીકળ્યા, ‘વાહ, શું સુંદર મૂર્તિ છે! કલાકાર કહો તમને શું મહેનતાણું જોઈએ છે?’

કલાધરે કહ્યું, ‘સાધુ પાસેથી મહેનતાણું! આ તો મોટું પાપ કહેવાય! તમે બસ આશીર્વાદ આપો.’

‘દીકરા, તું દેવલોકના લોકોની વાણી સમજી શકશે એવા મારા આશીર્વાદ છે.’ અને પછી સાધુ મહારાજ મૂર્તિ લઈને ચાલ્યા ગયા.

એક દિવસ કલાધર પોતાની કાર્યશાળામાં મૂર્તિઓ બનાવવામાં મગ્ન હતો ત્યારે તેણે બે વ્યક્તિઓનો એકબીજા સાથે વાત કરવાનો અવાજ સાંભળ્યો. સાધુના આશીર્વાદથી તે તેમની વાતચીત સમજી શકતો હતો.

‘બિચારા શિલ્પી! પાંચ દિવસનો મહેમાન છે. છઠ્ઠા દિવસે તો એણો પ્રાણ લેવા આવવું જ પડશે. આપણું કામ પણ કેટલું ક્રૂર છે.’ કલાધર સમજી ગયો કે આ યમદૂત છે. હવે મ-રૂ-ત્યુ-નો ડર તો દરેકને લાગે છે, તો કલાધરને પણ લાગ્યો. તે મ-રૂ-ત્યુ-થી બચવાના ઉપાયો વિચારવા લાગ્યો. તેણે પોતાના જેવી જ પાંચ મૂર્તિઓ બનાવી. અને છઠ્ઠા દિવસે તે મૂર્તિઓની વચ્ચે શ્વાસ રોકીને બેસી ગયો.

યમદૂત આવ્યા. તેઓ ઊંડી મૂંઝવણમાં પડી ગયા કે આમાંથી સાચો શિલ્પકાર કોણ છે? તેઓ તેને ઓળખી શક્યા નહીં અને ખાલી હાથે પાછા ગયા.

યમદુતોને ખાલી હાથે પાછા ફરતા જોઈને યમરાજના ગુસ્સાની કોઈ સીમા ન રહી. તેમણે કહ્યું, ‘આજ સુધી મારા કોઈ દૂત પ્રાણ લીધા વિના પાછા ફર્યા નથી. તમે કેવી રીતે પાછા આવ્યા. જાઓ, કોઈ પણ રીતે તે શિલ્પકારના પ્રાણ લઈને આવો.’

યમદુતો પાછા આવ્યા. આ વખતે પણ તેઓ તેને ઓળખી શક્યા નહીં. એવામાં અચાનક એક યમદૂતણે એક યુક્તિ સુઝી, તેણે તેના સાથીદારને કહ્યું, ‘વાહ શું મૂર્તિ બનાવી છે, છતાં પણ શિલ્પકાર મૂર્ખ છે. આ મૂર્તિની એક આંખ મોટી અને બીજી નાની બનાવી છે. બીજી મૂર્તિમાં અંગૂઠો જ નથી.

કલાધર પોતાની કળામાં દોષ સહન કરી શક્યો નહીં. તે ગુરુએ આપેલી છેલ્લી શીખ ભૂલી ગયો. તેણે બૂમ પાડી, ‘તમે જૂઠું બોલો છો! બંને આંખો સરખી જ છે.’ તે આટલું બોલ્યો ત્યાં તેનો અવાજ રૂંધાવા લાગ્યો. તેની ગરદન એક તરફ નમી ગઈ. યમદુતો તેનો પ્રાણ લઈને જતા રહ્યા.