“બિસ્કીટનું પેકેટ” – શું ગરીબનાં બાળકને મારા બાળક જેવી જ ઇચ્છાઓ નહી થતી હોય? અચૂક વાંચજો.

0
502

અચૂક વાંચવા અને માણવા જેવું…ખુબ જ સકારાત્મક અને પ્રેરણાત્મક વાર્તા :

એક શિવભક્ત યુવાન દર સોમવારે શંકર ભગવાનનાં મંદિરે જાય. ભગવાનને પગે લાગે અને બહાર નીકળીને તે પગથીયે બેઠેલા એક-બે ગરીબ લોકોને પાંચેક રૂપીયા ભીખમાં આપે.

ખાસ કરીને તે એવી ભીખારી સ્ત્રીને પૈસા આપે જેની સાથે એનું બાળક પણ બેઠુ હોય. એ બાળકને મેલા-ઘેલા કપડામાં બેઠેલુ જોઇને તેને અનુકંપા થઇ આવે, પરંતુ તે પાંચેક રૂપીયાથી વિશેષ કાંઇ ના કરી શકે. અને આ તેનો વર્ષોનો નિત્યક્રમ.

તેનાં લગ્ન થયા. બાળક પણ થયુ. પણ તેનો નિત્યક્રમ ક્યારેય તુટ્યો નહી. તેનાં પુત્રને પણ તે બે વર્ષનો થયો ત્યારથી પોતાની સાથે શિવમંદીર લઇ જાય. બાળક તો કંઇ સમજે નહી, બોલતા પણ શિખેલુ નહી, પરંતુ પિતાને નિહાળે રાખે. એમ કરતા, બાળક ચાર વર્ષનું થયુ. હવે તે બોલતા અને ચાલતા શિખ્યુ. હવે તેને તેડવાપણું ના રહ્યુ. પિતાજીની આંગળી પકડીને પગથીયા ચડે અને ઉતરે. ઉતરતી વખતે તે તેનાં પિેતાજીને પગથીયે બેઠેલ એક-બે ભીખારણ સ્ત્રીઓને પૈસા આપતા જુએ.

એકવાર તેણે તેને સહજ ઉઠેલ પ્રશ્ન તેના પિતાને પુછ્યો, “પપ્પા, તમે એમને પૈસા કેમ આપો છો?”

“એ તો બેટા, તેની પાસે પૈસા નાં હોય ને એટલે,” પિતાએ વળતો જ જવાબ આપ્યો, પરંતુ બાળકની જિજ્ઞાસા હજી સંતોષાણી નહી. તેણે ગરીબ અને પોતાની જ ઉંમરનાં બાળક તરફ આંગળી ચીંધતા આગળ પુછ્યુ, “તેની પાસે પૈસા કેમ ના હોય? તેનાં પપ્પા પાસે તો હોય ને”.

પિતાએ થોડીક મુંઝવણ સાથે વિચારીને કહ્યુ, “તેના પપ્પા બિમાર છે એટલે કામ ના કરી શકે ને? એટલે પૈસા ક્યાથી હોય?”

“તો પછી એને બિસ્કીટ કોણ લઇ આપે?” બાળકે સાવ સહજતાથી જ પુછી નાખ્યુ, જે તેનાં પિતાને હાડોહાડ લાગી આવ્યુ. પોતે કંઇ વિશેષ જેમ કે તે ગરીબ બાળકોને ભણાવી કે રહેવા માટે ઘર આપી શકે તેવી સમર્થતા તો હતી નહી. પરંતુ, પોતાનાં પુત્રએ પુછેલ પ્રશ્નથી તેણે હવે દર સોમવારે રોકડા પૈસાને બદલે એટલી જ કિંમતનાં બિસ્કીટ આપવાનું શરૂ કર્યુ. તે બિસ્કીટ પણ તે તેનાં પુત્રનાં હાથે જ પેલા ગરીબ એક-બે બાળકોને અપાવે.

હવે, તેને થોડો સંતોષ થયો કે તે તેનાં પુત્રનાં પ્રશ્નનો પ્રેક્ટીકલ જવાબ આપી શક્યો. જાણે તેને થયુ કે પોતે એક કાર્યુ પુરૂ કર્યુ છે અને તેનાં પુત્રને હવે કોઇ સવાલ નહી રહે.

પરંતુ તેનાં પુત્ર પાસે હજી પણ એક સવાલ હતો, જે તેણે જ્યારે પુછ્યો ત્યારે તેના પિતાની આંખ સંપુર્ણ ઉઘડી ગઇ. એ પ્રશ્નથી એ વાત પણ સમજાઇ ગઇ કે ખરેખર આપવુ એટલે શું? આપવુ એટલે જે આપી શકાય તે આપવુ કે જે આપવુ જોઇએ તેમજ આપી શકાય છે તે આપવુ? તેનાં પુત્રનો પ્રશ્ન ખુબ જ સરળ હતો પણ હતો ખુબજ ઉંડાણવાળો. શું હતો એ પ્રશ્ન?

વાત એવી હતી કે, પૈસા આપવાનાં બદલે જે બિસ્કીટ આપવાનું તેણે શરૂ કરેલુ, તેનાં જ સંદર્ભે તેના પુત્રએ પ્રશ્ન કર્યો કે ’પપ્પા તમે તેને આ સાદા બિસ્કીટ આપો છો, પણ તેને જો ક્રિમવાળા બિસ્કીટ જે તમે મને લઇ આપો છો, તેવા ખાવા હોય તો તેને કોણ લઇ આપે?’

એક જ ક્ષણમાં તેને સમજાઇ ગયુ કે, તેનો પુત્ર જે માત્ર ચાર વર્ષનું ટેણીયું છે, જો તેનાં મનમાં બાળક-બાળક, જે પછી અમીર અને ગરીબ વ્યક્તિનું હોય, તેના માટે કોઇ ભેદ નથી તો, મારામાં આ ભેદ શાં કારણે?

મારી સમજણનો શું આ જ અર્થ?

શું મારે મારા બાળકને આ ભેદ શિખડાવવાનો છે?

શું હું આ બિસ્કીટ આપવાનો દંભ માત્ર જ કરી રહ્યો છુ અને તે મારા બાળકને પણ શિખવી રહ્યો છું?

શું ગરીબનાં બાળકને મારા બાળક જેવી જ ઇચ્છાઓ નહી થતી હોય? થતી જ હશે, કેમ કે તે પણ એક બાળક છે, જેના માટે અમીરી-ગરીબી જેવા સંદર્ભો હજી અજાણ છે.

પોતાનાં પુત્રનાં એક પ્રશ્નથી તેને કેટલાય પ્રશ્નો ઉઠ્યા અને તેના જવાબો પણ મળ્યા. ત્યારબાદથી તેણે ગરીબ બાળકોને એ જ બિસ્કીટ આપવાનાં શરૂ કર્યા છે જે તે પોતાનાં બાળક માટે લઇ આવે છે.

– સાભાર હિતેશ રાયચુરા (અમર કથાઓ ગ્રુપ)