“દિયરવટું” : વિધવા બનેલી મહિલાના મનની વ્યથા વર્ણવતી સ્ટોરી, સમય કાઢીને અચૂક વાંચજો.

0
1583

જેઠો ગુજરી ગયો એને સવા મહિનો થઈ ગયો.. ‘હવે રુખીનું શું કરવું..’ એની વાત કરવા પિયરિયા આવ્યા હતા..

રુખીને પાંચ વરસની દિકરી અને બે વરસનો દિકરો હતો.. રુખી અને જેઠાનો સંબંધ સાટેથી થયો હતો.. રુખીની મોટી નણંદ એના કાકાને આપી હતી.. ને સાટામાં રુખી ને જેઠો પરણ્યો હતો..

પહેલાં તો નાતના રિવાજ પ્રમાણે દિયરવટાની વાત થઈ.. પુંજો જુવાન થઈ ગયો હતો , પણ રુખીથી ઘણો નાનો હતો.. તોય એને પુછી જોયું .. પુંજાએ શરમાતા શરમાતા ના પાડી.. બીજાને પણ લાગ્યું કે પુંજો રુખી માટે નાનો ગણાય..

વાતચીત આગળ ચાલી.. અંતે રુખીને છુટી કરવાનું નક્કી થયું.. અને વેલની રકમની સમજુતિ થઈ.. રુખી પિયરમાં પાછી જાય.. છોકરાં સાસુ સસરા રાખે.. રુખીને જે ઘરઘે, તે પચાસ હજાર આપે.. એ રકમ પુંજાના લગ્ન માટે વપરાય..

રુખી સાસરે આવી ત્યારે પુંજો દશેક વરસનો હતો.. એ બાપ અને મોટાભાઈ ભેગો ઢોર ચરાવવા જાય.. સીમમાંથી ચણિયાબોર , કટગુંદી .. ભાભી માટે વીણી આવે.. રુખીને પુડલા ઉથલાવવાનું સારું ફાવતું.. ઘરમાં અવાર નવાર તીખા પુડલા બનાવતી.. પુંજાને એ બહુ ભાવતા..

બે દિવસ પછી રુખીના બાપા એક જણને લઈ આવ્યા.. એની ઘરવાળી બ ળીનેમ રીગઈ હતી.. બે દશ બાર વરસના છોકરા હતા.. એ પૈસાવાળો હતો.. રુખીને જોઈને એણે તરત જ પચાસ હજાર વેલની હા પાડી દીધી.. આઠ દશ દિવસ પછી રુખીને પિયરિયા તેડી જશે.. અને ત્યાંથી ઘરઘરણું કરશે.. આ બાબતમાં રુખીને તો કંઈ બોલવાનું હતું જ નહીં..

રુખી મુંઝવણમાં રહેવા લાગી.. ” પોતાના બેય છોકરાંને મુકીને જવું પડશે.. ત્યાં બીજીના છોકરાં સાંચવવા પડશે.. અને નવો વર તો આધેડ થવા આવ્યો છે.. એની આગલી બ ળીમરી હતી.. આણે મા રીતો નહીં નાખી હોયને? મારું શું થશે?”

” દિયર જરાક નાનો છે.. પણ એમાં શું વાંધો? જુવાન તો થઈ ગયો છે.. મારા છોકરાં સચવાઈ જાય.. લાવ.. હું જ એને સમજાવી જોઉં..”

સવારે ઉઠી એણે સસરાના રોટલા ઘડી દીધા.. પુંજાને કહ્યું.. ” હમણાં તમે ઘણા દિવસથી પુડલા નથી ખાધા.. તમે બપોરે ઢોર લઈને નદીના પુલ નીચે આવજો.. હું પુડલા લઈને આવીશ..”

પ્રતીકાત્મક ફોટા

રુખીએ નાહી ધોઈને સારા લુગડા પહેર્યા.. બેય છોકરાંને નવડાવ્યા.. બપોરે પુડલા કર્યા.. ભાતું બાંધીને નદીએ ગઈ.. પુંજાને આગ્રહ કરીને દહીં પુડલા ખવડાવ્યા.. સાથે પોતે પણ ખાધા.. પછી પુછ્યું..

” તમે દિયરવટાની ના કેમ પાડી? હું તમને ગમું તેવી નથી? ”

” ગમો તો છો.. પણ , તમે મારાથી મોટા છો.. અને બે છોકરાં ય છે.. બીજા મને ખીજવે ને મેણાં ટોણાં કરેતો? એટલે મેં ના પાડી.”

” ઓલો મને જોવા આવ્યો હતો , એને તમે જોયો? કેવડો મોટો છે? ને .. એણે બાયડીને મા રીના ખી છે.. એ મને મા રીના ખે તો તમને ગમે? તમારી વહુ આવે તે મારાં છોકરાંને સાંચવશે? અને તમે જુવાન તો થઈ ગયા છો ને..”

પુંજો થોડીવાર વિચારતો રહ્યો.. પછી બોલ્યો.. ” તો.. ઘરમાં મારી હા કહી દેજો.. પણ.. હું તો પછીય.. તમને ભાભી જ કહીશ..”

રુખીએ કહ્યું.. ” ભલે .. જે કહેવું હોય , તે કહેજો.. ને તમને મારા મનની વાત કહું? આજે તમે માન્યા ન હોત તો , હું અહીંથી પાછી ઘરે ના જાત.. કુવો પુરી લેત. ”

– જયંતીલાલ ચૌહાણ ૬-૮-૨૧ (પ્રતીકાત્મક ફોટા)