એક શિક્ષકે વિદ્યાર્થીને કરેલી મદદ અને વિદ્યાર્થીએ ચૂકવેલા ઋણની આ સ્ટોરી તમારી આંખો ભીની કરી દેશે.

0
1319

૦૪/૧૦/૨૦૨૦

“મારે તમારો આભાર માનવો છે”

– ડો.આશિષ ચોક્સી.

હમણાં થોડા દિવસ પહેલા છાપામાં વાંચ્યું કે અમદાવાદની એક પ્રાયવેટ હોસ્પિટલમાં કો-રો-ના સંક્રમિત એક શિક્ષકને દાખલ કર્યા હતા. તેમના બે વિધાર્થીઓ જ ડોક્ટર હતા. તેઓએ ખુબ સુંદર રીતે તેમના પ્રિય શિક્ષકનું ધ્યાન રાખ્યું અને સારવાર આપી. તે શિક્ષકના જ અન્ય બે સ્ટુડન્ટ જેઓ વિદેશમાં ડોક્ટર હતા તેમની સાથે વિડીઓ કોન્ફરન્સ કોલથી શિક્ષકની સ્થિતિ વિશે રોજ ચર્ચા કરતા અને ચારેય ડોક્ટર વિધાર્થીઓએ પોતાના શિક્ષકને હેમખેમ સારા કરી ઘરે પહોંચાડ્યા.

લગભગ ચાર વર્ષ પહેલાના કોઈ દિવાળી અંકમાં વાંચેલ એક પ્રસંગ લખું છું. વિરમગામ પાસેના એક ગામની સરકારી શાળાના એક શિક્ષકને તેમનો જ એક ભૂતપૂર્વ વિધાર્થી જે અમેરિકામાં સ્થાયી હતો, તે ઘણા વખતથી તેમને આગ્રહ કરતો કે તમે અમેરિકા આવો, મારા ઘરે રહો અને આપણે જોવાલાયક સ્થળોએ સાથે ફરીએ. શિક્ષક અને તેમના પત્ની તેમના વિધાર્થીના વાંરવાર અને વિનંતિભર્યા આગ્રહને માન આપી ૨૦૧૪ માં અમેરિકા ગયા.

વિધાર્થી અને તેની પત્નીએ શિક્ષકને કહ્યું હતું એમ ૨૦ દિવસ સુધી અમેરિકામાં ફેરવ્યા. ખુબ આનંદ કરાવ્યો. શિક્ષકની આંખમાં તો પાણી આવી જતા. છેલ્લે જવાના દિવસે તેમના વિધાર્થીએ તેમને વાત કરી, ‘આજે મારે તમારો આભાર માનવો છે.’

શિક્ષક અને તેમના પત્નીને આશ્ચર્ય થયું કે આભાર તો અમારે તારો માનવાનો હતો કે એક દીકરો પોતાના માતાપિતાને રાખે અને ફેરવે તેવાજ પ્રેમાળ ભાવથી તે અમને અહી રાખ્યા અને ફેરવ્યા. અમે તો આ જન્મમાં આ બધું જોઈ જ ના શક્યા હોત. તારો ક્યા શબ્દોમાં અમે આભાર માનીએ.

વિધાર્થીએ કહ્યું, ‘ઋણ તો હું ચૂકવી શકું તેમ નથી. ૧૯૯૨ માં હું ૧૧ વર્ષ નો હતો. પાંચમાં ધોરણમાં સરકારી શાળામાં ભણતો હતો. તમે અમારા વર્ગ શિક્ષક હતા. આપણી શાળામાંથી નળસરોવરનો એક દિવસનો પ્રવાસ યોજાયો હતો. તેની ફી ૫૦ રૂપિયા હતી. મારા કે મારા પિતાની ૫૦ રૂપિયા ભરવાની સ્થિતિ પણ ન હતી. મારો કુદરત સાથેનો, પશુ, પંખી સાથેનો પ્રેમ તમારા ધ્યાનમાં હતો. તમે મારા ૫૦ રૂપિયા ભર્યા અને હું નળસરોવર ફરી શક્યો.’

આટલું વાંચીને આપણને બધાને લાગે કે શિક્ષકે વર્ષો પહેલા વિધાર્થીના પ્રવાસના પૈસા ભર્યા અને તેનું ઋણ વિધાર્થીએ ઉતાર્યું. ઘણું સારું કહેવાય. પણ ખરી વાત હજુ હવે શરૂ થાય છે. પ્રવાસનો ખર્ચો ૪૫ રૂપિયા આવ્યો હતો. શિક્ષક નામ બોલી ક્લાસના દરેક વિધાર્થીને પાંચ રૂપિયા પાછા આપતા હતા. આ વિધાર્થીનું પણ નામ બોલી તેને પાંચ રૂપિયા આપ્યા. વિધાર્થીને બહુ આશ્ચર્ય થયું કે જ્યારે પૈસા મેં આપ્યા જ નથી ત્યાં પાંચ પાછા આપવાનો તો પ્રશ્ન જ નથી.

તે સ્કુલ છુટ્યા પછી તેના શિક્ષકને મળ્યો. શિક્ષકે કહ્યું, ‘હું તને પાંચ રૂપિયા ના આપું એટલે ક્લાસના અન્ય વિધાર્થીઓ તને પૂછે અને મેં તારા પૈસા આપ્યા તેવી સ્પષ્ટતા તારે કરવી પડે એ સ્થિતિમાં મારે તને નહોતો મુકવો.’

વિધાર્થીએ શિક્ષકને કહ્યું, ‘મારા પ્રવાસના પૈસા ભરવા, પ્રવાસનો આનંદ અને છેલ્લે ક્લાસ વચ્ચે મને પાંચ રૂપિયા પાછા આપી મારું ગૌરવ સાચવ્યું, આ ઘટનાઓએ મને જીવન જીવવાની કેટલી બધી શીખ આપી દીધી. ત્યાર બાદ આગળનું શિક્ષણ અમદાવાદમાં થયું ૨૦૦૧ માં હું અમેરિકા આવ્યો અને દસકા માં જ અહીં ઘણો સરસ રીતે સ્થાયી થઈ ગયો છું પણ તમે જે પ્રેમાળ રીતે મારો સમય સાચવ્યો તે મારા હ્રદયમાં હંમેશને માટે કોતરાઈ ગયો છે.’

૨૮ વર્ષ પહેલા વિરમગામ નજીકના નાના ગામની સરકારી શાળામાં બનેલ આ પરીકથા જેવો પ્રસંગ કેટલું બધું શીખવી જાય છે. શિક્ષક અને વિધાર્થીના સબંધો પણ કેવા જન્મોજન્મના હોય છે.

હજુ પણ નાના નાના ગામની શિક્ષણ પદ્ધતિ વૈદિક કાળમાં હતી તે પરંપરાથી જ ચાલે છે. ત્યાં પેરેન્ટ્સ મિટિંગ નથી થતી હોતી. શિક્ષકો જ પેરેન્ટ્સની ભૂમિકા અને જવાબદારી નિભાવતા હોય છે. જુના વિધાર્થીઓ શાળાને તેમજ જરૂરિયાતમંદ વિધાર્થીઓને ખુબ મદદ કરતા હોય છે.

કોઈ તકલીફવાળા કે નબળા વિધાર્થીના તારણો વર્ગશિક્ષક શાળાના આચાર્યને કહે અને તેઓ જ ભેગા થઈ વિધાર્થી માટે શું શ્રેષ્ઠ કરી શકાય તે વિચારી અમલમાં મુકતા હોય છે. ના છુટકે જ માતાપિતાને શાળામાં બોલાવવામાં આવે છે.

ઘણી શાળાઓ જુના વિધાર્થીઓથી, જુના વિધાર્થીઓ દ્વારા હાલ ભણતા વિધાર્થીઓ માટે ચાલતી હોય છે. જે જુના વિધાર્થીઓ પોતાની માતૃશાળાના શિક્ષકો અને શાળાને ભૂલતા નથી તેનો શ્રેય શાળાના શિક્ષકોને જાય કે તેમનું આપેલું શિક્ષણ વિધાર્થીઓને જીવનપર્યંત શાળા સુધી ખેંચી લાવે છે.

જ્યાં શિક્ષકો, શાળા અને સંચાલકોનો માનવતાપૂર્ણ વ્યવહાર અને અભિગમ હોય ત્યાં વિધાર્થીઓ આપોઆપ માનવીય વ્યવહાર શીખે છે. માનવીય અભિગમ બાળકને સારો માનવી બનાવે છે. જેનાથી કોઈ પણ ડિગ્રીમાં તેની સફળતાની ખાતરી હોય છે.

જ્યાં શાળા અને શિક્ષકોનો ફક્ત વ્યવસાયિક જ અભિગમ હોય ત્યાં બાળકોને સારી ડીગ્રી ચોક્કસ મળે છે. પણ માનવતા સભર ગુણોની ખાતરી નથી હોતી. તેને લીધે ગમે તેવી મોટી ડીગ્રી મળી હોય તો પણ સફળતાની ગેરંટી નથી હોતી.

છેલ્લો બોલ : જ્યારે શિક્ષણ સાથે બાળકને સ્વવિકાસ, માનવીય અભિગમ, નવું શીખવું અને બીજાને શીખવવું તેવી ભાવનાના બીજ રોપવામાં આવે તો તેની આડપેદાશ (બાય પ્રોડક્ટ) પૈસો હોય જ છે.

– ડો.આશિષ ચોક્સી.