લઘુકથા- સ્રોત :
– માણેકલાલ પટેલ.
બાઈક લઈને દૂધ આપવા આવતા કરમશીને ગ્રાહકો સાથે એવો નાતો જોડાઈ ગયેલો કે જાણે એ ઘરનો જ સભ્ય હોય.
કેનમાંથી કાઢીને દૂધ આપે ત્યાં સુધીનો જ આમ તો એનો ગ્રાહકો સાથેનો સંબંધ. પણ, એ પાંચ- દસ મિનિટ દરેક માટે યાદગાર બની રહેતી.
હા, ક્યારેક કોઈ એની પાસે ઘી કે એના ખેતરમાં પાકતું અનાજ, શાકભાજી કે કઠોળ મંગાવે તો એ લેતો આવતો.
એને આવવામાં જે દિવસે મોડું થતું ત્યારે તો ગ્રાહકોની અધિરાઈ વધી જતી. પણ, કોઈ બીજે દૂધ લેવા ન જતું. આ જ તો એની લોકપ્રિયતા હતી.
એક દિવસ સમય થયો તોયે એ આવ્યો નહિ. બીજા દિવસે પણ એ આવ્યો નહિ.
એ બે દિવસ લોકોએ ન છૂટકે બીજેથી દૂધ લીધું.
ત્રીજા દિવસે એ બાઈક આવ્યું. પણ, એ કરમશીને બદલે એનો દિકરો લઈને આવ્યો હતો.
બધાં રાજી થયાં :- “હાશ ! દૂધ તો આવ્યું.”
(હડકાયું કૂતરૂં કરડતાં ગાયને હડકવા થયેલો. એણે કરમશીને ભેટું મારતાં એ ઘવાયો હતો અને બીજા દિવસે એ ગાય પણ મ-રી-ગ-ઈ હતી.)
પેલો યુવાન ખેતરે પહોંચ્યો ત્યારે કરમશીએ પૂછ્યું :- “બે દિવસથી હું જતો નહોતો એટલે બધાં દુઃખી થતાં હશે નહિ, બેટા?”
દિકરો કંઈ બોલ્યા વિના મશીન ચાલુ કરી કેન ધોવા લાગ્યો.
કરમશી ઝૂંડામાં પડતા બંબા સામે જોઈ પાણીના ઘટતા સ્રોતને ચિંતિત નજરે નિહાળી રહ્યો.
– માણેકલાલ પટેલ.
દીકરો મનમાં વિચારતો હશે – દુઃખી શેના થાય, લોકોને તો દૂધ આયુ એટલે કામ તો થઈ ગયુ. આપવા આવનારનુ જે થયુ હોય, પૂછવાનીય તસદી ના લીધી.