‘આ કાયામાંથી હંસલો રે’ વાંચો જીવનનું સત્ય વર્ણવતું અદ્દભુત ભજન.

0
5844

આ કાયામાંથી હંસલો રે, ઓચિંતાનો ઉડી જાશે,

કોણ જાણી શકે કાળને રે, વાણું કાલે કેવું વા’શે…

તારા મોટા મોટા બંગલા રે, મોટરને વાડી, ગાડી,

તારી માયા મૂડી મેલીને રે, ખાલી હાથે ચાલ્યો જાશે… ૧

તારો દેહ આ રૂપાળો રે, નહીં રાખે ઘરમા ઘડી,

તારો પંખીડાનો માળો રે, પળમા પીંખાઈ જાશે… ૨

તારી સાચી ખોટી વાણી રે, રહેવાની આ દુનિયા માંહી,

તારા સગાં વહાલાં સૌએ રે, થોડા દિ’મા ભૂલી જાશે… ૩

તને મળ્યો રૂડો મનખો રે, બાંધી લે ને ભવનું ભાથું,

તને બિંદુ કહે હરિનામથી, ફેરો તારો સુધરી જાશે… ૪

આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે,

કોણ જાણી શકે કાળને રે વાણું કાલે કેવું વા’શે…