લઘુકથા – પરોણાગત :
– માણેકલાલ પટેલ.
એમના શહેરમાં જવાની છેલ્લી બસ નીકળી ગઈ હોઈ આત્મારામ અને અભિષેક ચાલતા આવતા હતા. વાતો પણ ચાલુ હતી. રસ્તો આમ જ કપાતો જતો હતો. સૂરજ આથમી ગયો હતો.
એક ગામ આવ્યું. પાદરે પીપળાના ઝાડ ફરતે બનાવેલા ઓટલે એ બેઠા. એમને જ્યાં પહોંચવું હતું એ પંથ હજુ તો બે કલાકનો હતો. રસ્તો સૂમસામ હતો. આઠ વાગવા આવ્યા હતા.
એમણે બીડી પેટાવી. ત્યાંજ થોડે દૂર બાવળની ઝાડીમાંથી પણ પ્રકાશનો ઝબકરો થયો. આત્મારામે અભિષેક સામે જોયું. અંધારામાંયે એમના ચહેરા પર બીક આવીને બેસી ગઈ.
થોડીવારે બાવળની ઝાડીમાંથી એક માણસ બહાર નીકળી એમની સામે આવી અચાનક ઊભો રહી ગયો.
પહેલાં તો એ બન્ને ગભરાઈ ગયા :- “નક્કી ભૂત આવ્યું !”
પેલાએ કહ્યું :- “હું પ્રકાશ છું. ગભરાઓ નહિ.”
હાશકારો થતાં અભિષેકે પૂછ્યું :- “અમારે તો………”
પણ, પ્રકાશે એને અટકાવીને કહ્યું :- “અત્યારે આ સૂમસામ રસ્તે જવું યોગ્ય નથી.”
“પણ, આ ગામમાં અમને કોઈ ઓળખતું નથી.”
“વાંધો ન હોય તો મારા ઘરે ચાલો. સવારે નીકળી જજો.”
ભાવતું’તું ને વૈદ્યે કીધા જેવું થયું.
બન્ને એના ઘરે ગયા.
પણ, આ શું? દસ બાય દસની એક જ નાનકડી ઓરડી જોઈ આત્મારામ અને અભિષેક વિચારમાં પડી ગયા.
પ્રકાશ બોલ્યો :- “મારી પત્ની આજે એના પિયર ગઈ છે તે……”
એ ઓરડીમાં લોખંડનો એક પલંગ હતો. ખૂણામાં પ્રાયમસ અને થોડાં વાસણો પડેલાં હતાં. બીજી જગ્યા જ નહોતી.
આત્મારામે અભિષેકને ઈશારો કર્યો – ચાલ, અહીંથી નીકળી જઈએ !
પ્રકાશ સમજી ગયો. એણે કહ્યું :- “તમે બન્ને આ પલંગમાં સૂઈ જજો.”
“અને તમે?”
“હું ગોદડું પાથરીને પલંગ નીચે સૂઈ જઈશ.”
સવારે જ્યારે પ્રકાશ એમને રોડ સુધી મૂકવા આવ્યો ત્યારે સંકોચાઈને પૂછ્યું :- “રાતે ઊંઘવામાં તકલીફ તો નહોતી પડીને?”
– માણેકલાલ પટેલ.
(ફોટા પ્રતીકાત્મક છે)