આ મંદિરમાં પત્ની સાથે સ્થપાયેલી છે હનુમાનજીની મૂર્તિ, તેમના દર્શનથી લગ્નજીવન રહે છે સુખી.

0
281

પરાશર સંહિતામાં જણાવવામાં આવી છે હનુમાનજીના લગ્ન સાથે જોડાયેલી કથા, જાણો કોની સાથે થયા હતા તેમના લગ્ન.

આપણા દેશમાં હનુમાનજીના ઘણા પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો છે. આ બધાની પોતાની આગવી વિશેષતાઓ છે. તેલંગાણાના ખમ્મામ જિલ્લામાં હનુમાનજી એક એવું જ મંદિર આવેલું છે (Hanuman Temple, Khammam). આ મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાનજીની સ્થાપના તેમની પત્ની સુવર્ચલા સાથે કરવામાં આવી છે.

સમગ્ર ભારતમાં આ એકમાત્ર મંદિર છે, જ્યાં હનુમાનના ગૃહસ્થ રૂપમાં દર્શન થાય છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરના દર્શન કરવાથી લગ્નજીવન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે. જેઠ માસના સુદ પક્ષની દશમના દિવસે આ મંદિરમાં હનુમાનજીનો લગ્ન ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ઘણા ધાર્મિક ગ્રંથોમાં હનુમાનજીને કુંવારા ગણાવવામાં આવ્યા છે, પરંતુ તેમના લગ્નનું વર્ણન પરાશર સંહિતામાં જોવા મળે છે. તેના આધારે આ મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર સો વર્ષ જૂનું છે. આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો.

હનુમાનજીના લગ્ન સાથે જોડાયેલી કથા :

પરાશર સંહિતા અનુસાર, હનુમાનજીએ સૂર્યદેવને પોતાના ગુરુ બનાવ્યા અને તેમની પાસેથી શિક્ષા લેવાનું શરૂ કર્યું. હનુમાનજીને જ્ઞાન આપતા સમયે એક દિવસ સૂર્ય દેવની સામે ધર્મસંકટ ઊભું થયું. કુલ 9 પ્રકારની વિદ્યામાંથી, હનુમાનજીને તેમના ગુરુ દ્વારા 5 વિદ્યાઓનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, પરંતુ બાકીની ચાર પ્રકારની વિદ્યા અને જ્ઞાન એવા હતા કે જે ફક્ત પરિણીત વ્યક્તિને જ શીખવી શકાય.

પરંતુ હનુમાનજી કુંવારા હતા અને તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવાનો સંકલ્પ લીધો હતો, તેથી સૂર્યદેવ માટે તેમને તે વિદ્યા શીખવવી મુશ્કેલ હતી. પરંતુ હનુમાનજી પણ સમગ્ર 9 વિદ્યાઓનું જ્ઞાન મેળવવા માંગતા હતા. આ માટે તે મક્કમ હતા.

આ ધર્મસંકટની પરિસ્થિતિનો સામનો કરવા માટે સૂર્યદેવે હનુમાનજીને લગ્ન કરવાની સલાહ આપી. હવે હનુમાનજીની સામે ધર્મસંકટની સ્થિતિ આવી ગઈ. ત્યારબાદ સૂર્યદેવે હનુમાનજીના લગ્ન તેમની પરમ તપસ્વી પુત્રી સુવર્ચલા સાથે કરાવ્યા. આ પછી હનુમાનજીએ તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું અને સુવર્ચલા હંમેશા તપસ્યામાં મગ્ન થઈ ગઈ.

પરાશર સંહિતામાં લખ્યું છે કે, આ લગ્ન પર સૂર્યદેવે પોતે કહ્યું હતું કે આ લગ્ન સૃષ્ટિના કલ્યાણ માટે કરવામાં આવ્યા હતા અને તેનાથી હનુમાનજીના બ્રહ્મચર્ય પર કોઈ અસર નથી થઈ. આ રીતે હનુમાનજીના પણ લગ્ન થયા અને તેમણે બ્રહ્મચર્યનું વ્રત પણ તૂટ્યું નહિ

આ મંદિરે કેવી રીતે પહોંચવું? હૈદરાબાદથી ખમ્મામ લગભગ 22 કિમી દૂર છે. અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ હૈદરાબાદમાં જ છે. ત્યાંથી ખમ્મામ પહોંચવા માટે ઘણા રસ્તાઓ છે. આ શહેર રાજ્ય અને દેશના અન્ય ભાગો સાથે રોડ અને રેલ માર્ગ દ્વારા સારી રીતે જોડાયેલું છે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.