આ રુડુ મારું ગામડું, આજની નવી પેઢી આવી વાતોથી અજાણ છે.

0
580

ચોમાસાની શરુઆત થાય એટલે જગતનો તાત હરખાય કેટલાય સપનાનું વાવેતર કરવાનું હોય છે, લગભગ ભીમ અગીયારસ એટલે જગતાત હરખાય ને વાવણી વાવવાની તૈયારી કરે.

પોતાના જીવ કરતા વહાલા એવા બળદોને શીંગડે માખણ ચોપડે. પરોઢિયે ઉઠી ને નિરણ (ચારો) બરાબર ધરાવે અને દિ ઉગે એટલે જગતાત સાંતીડુ ઓરણીને ડાંડવા લઈ બળદગાડા જોડે, એટલે ઘરવાળા સ્ત્રી સભ્ય હોય એ બન્ને બળદો તથા ખેડુતને અક્ષત કંકુથી અબીલ ગુલાલ સહ ચાંદલા કરે.

ગોળધાણાથી મોં મીઠું કરાવે બળદને પણ ગોળ ખવડાવે ને વધામણા કરે શ્રીફળ વધેરી ને ઘેરથી નીકળે, એટલે નીકળતા જ ગામની કોઈ કુંવારીકા કે બેડું ભરીને આવતી પનિહારી કે પછી ગામના જ રખેહર (ભંગી)ના પુરુષને ગણેશિયો કહેતા એવું હતું. (દરેક નાના માણસોને પણ આ ભાવનાત્મક ભાવના સાથે સાંકળતા) એ સામે મળે એટલે યથાશક્તિ કંઈક દાન આપી રાજી કરે.

ઘેરથી ગાડું નીકળે આવું કોઈ પણ સામું મળે તો બહુ સારુ વાવણીનું મૂહુર્ત થયું એવું કહેવાય છે.

પછી ખેતરે વાવવાની શરુઆત કરે એટલે એક રાશવા એટલે કે અંદાજે ૧૫ ફુટ જેટલું પ્રથમ મગથી વાવેતર કરે એટલું શુભ શરુઆત કરી કહેવાય.

બપોર ટાણું થાય એટલે છુટુ સુરમું કે પછી ઘી થી પચપચતા લાડુઓ ને અડદની દાળ ને બાજરાના રોટલાથી અનુકુળતા હોય એમ વાડીએ કે ઘેર બપોરા થાય આવી ભવ્ય અમારી ગ્રામ્ય સંસ્કૃતિ છે.

નિજાનંદ જગતાત સંસ્કૃતિ

– સાભાર ગોરધનભાઈ સેંજાલીયા.