‘આ સોરઠ કટકો સરગનો’ : વાંચો સોરઠની ભૂમિ અને ત્યાંના લોકોની અનોખી વાત.

0
498

મિત્રો…. આ કરોડો વરસનું કૌવત અને…. સૈકાઓ જુની ક્ષાત્રવટ તો જ્યાં ઠીકોઠીકની ઠાંસી ઠાંસીને ભરી છે ! અને પાણાથી વધારે તો જ્યાં પાળીયા હશે ! એવી મરદોની જનેતા મરૂ ભૂમિ કે જે, લીલાં બલીદાનો થકીર કત રંજીત ને રાતીચોળ બનેલી ! એવી અહોનિશ અણનમ – ઈ ધરામાં ઈંન્દ્રલોકની અપ્સરાઓ ને પણ આંટી દ્યે એવાં લાવણ્યો ઉગે જ,કે જેને – જોઈને ઈન્દ્ર જેવા ઈન્દ્રને પણ ખેદો ઉપડે..! ( અને ઈન્દ્ર નો ઈ સ્વભાવ છે ! ) કિંતુ બેહદ શિથિલ ચારિત્રનો દીનબંધુનો ઈ દેશ ! કે જ્યાં આ રૂપ આ સૌંદર્ય ને આ અતિ અદ્દભૂત લાવણ્ય ની હારોહાર સ્વર્ગમાં તો જેનું સપનુંય નો આવે ! એવાં અતિ મોહક, ઈ સતીત્વો ને ઈ ખાનદાની ત્થા કુળ ગૌરવ માટે એમ કહેવાય છે, કે….

આ ઉદયાપુર’રી કામણી ! ઈ જ્યાં ગોખેંથી કાઢે ગાત્ર..!

ત્યાં તો દેવાળુરાંય મન ડગે ! પછી માનવિયાં તે કુણ માત્ર.?

મતલબ…… જેનાં રૂપ જોયા પછી મહામુની અને મહાન તપસ્વી એવા…. વિશ્વામિત્ર સમા વિદ્વાનોનેય ક્ષણ વારમાં ચિત્ત ભ્રમ થઈ જાય..! અને એની સહસ્ત્ર જુગની કમાવેલ સિદ્ધિ પલ વારમાં જ નષ્ટ પામે ! એવી રૂપ રૂપના અંબાર સમી લાજાળી ને લાવણ્યવંતી ઈ ધરા ! આમ જુઓ તો આપને ભલેં સાવ સુક્કી ભઠ્ઠ જેવી જ છે.

પણ.. પણ…. નકરા સાવ નપાણીયા ઈ મલકમાં પૃથ્વીના ભાગનું પાણી તો કદાચ… આ સૃષ્ટિ ના ધણીએ શરત ચૂકથી માણસમાં મેલી દીધું હશે..!!! તે… બેહદ પરાક્રમી ને પાણીયારા પુરૂષો ત્યાં બૌ પાકે ! કદાચ મને એમ લાગે છે કે, ઈશ્વરને કંઈક ઉતાવળ હશે તે ખુદ એમણે જ કરેલી ઈ ભૂલ ! પછી આ રીતે સુધારી લીધી ! ને ઈ શરત ચૂક નું ખાતું સરભર કરી નાખ્યું ! હાહાહાહાહા -જો કે આ ઈશ્વરના હાથેં આવી શરત ચૂક ઈ કંઈ પહેલો બનાવ નથી..!!! અરે, આપણા આ સાવ કોરા ધાકોર જેવા કચ્છમાં પણ એવું જ છે ને..??

અર્થાત્ –ત્યાં પણ પાણી નથી ! કિંતુ પુરૂષ તો પાણીયારા જ પાકે..! અને આ ઈ જ, પેઢીગત પરાક્રમના પ્રતાપે આપણે ત્યાં પણ ઠેઠ હાલારથી લઈને કરમની પાટ સમી – કાઠીયાવાડ ત્થા સાવ ભલી સોરઠમાં પણ સાવ રોગા નર શાર્દૂળો મંડ્યા નિપજવા !!

નહીંતર તો… આ ગાંડી ગીરમાં એમ કહેવાય છે, કે, બસ ભોળાં ને કાળાં ભીલડાં જ રહેતાં..!!! જરા યાદ કરો હમીરજી ગોહીલને ! એટલેં એના પર ઓળઘોળ થયેલી…ઈ, ભીલ કન્યા ને ઈ, એક રાત્યનું અણમોલ દાંપત્ય યાદ આવી જ જશે ! અને આમેય આ જવાંમર્દી ને આ જૌહર ઈ બેય તો કદાચ….

એકબીજાને આંકડીયા ભીડીને અડોઅડ જ ઉગતાં હશે..! અને આ…સારા ને માઠા સંસ્કાર પણ કૈંક આવી જ રૂડી આબોહવા પર નિર્ભર હશે ! તે આપણે ત્યાં આવી એક નવી આઈડેન્ટીટી ઉભી થઈ ! અને એટલેં જ તો આ હજુ આજે પણ એમ કહેવાય છે કે……

આ મચ્છુ કાંઠો ને મોરબી ને વળી વચમાં વાંકાનેર..!

તે નર પટ્ટાધર નિપજે, ઈ, તો બધો પાણી હંદો ફેર..!

અને ખરેખર……આ સાવ સોઝી બાકરી જેવી સોરઠનાં ઈ એકદમ સાવ… હલકાં ફુલ ને પારદર્શક પાણી બસ ઈ જ સાવઝના બોટ્યા પછી,.. એમાં બહુ લોંઠકો ને મરદના ફાડીયાં જેવો મબલખ ફાલ મંડ્યો ઉતરવા ! ને…ઈ પછી સાવ અબોટ એવી ઈ સોરઠનાંય રૂપ તો એવાં ઉઘડ્યાં એવાં ઉઘડ્યાં કે, ઠેઠ પાટણ જેવા નપાણીયા મુલકથી સધરો જેસંગ અહીં આ અમારા જ,ગામ જુનાગઢના કુંભારવાડે પૂગ્યો..!! ( હડમતીયા ! ) અને સતી રાણક નાં…. ઈ, જ, રંગ રૂપ ને રૂડપ નો સાક્ષી ઈ, દુહો પણ આ રહ્યો..! કે…..

ધર સોરઠ જગ જુની ધરા ને વળી ગઢ જુનો ગિરનાર..!

કે, જ્યાં સાવઝડાં સેં જળ પીએ ને નમણાં નર ને નાર..!

જો, કે, અગાઉ ના ઈતિહાસકારો લખે છે, ઈ, મુજબ તો…

એક સમે ફળદ્રુપતાથી ફાટ ફાટ થતી આ ધરામાં….

વાંઝાં ઠાકર અંબવન ને વળી ઘર ઘર રંભા ઘેર..!

કે જ્યાં રેંટ ખટુકે વાડીએ ને ભોંય લીલી નાઘેર…!

મતલબ…… જ્યાં વાંઝા, ઠાકોર ( ઠાકરડાં ) વસવાયાં ને ભીલોની જ ભરમાર હતી..! કિંતુ ઈ બધાંયથી અલાયદો અમારા મેરનો મલક ! ઈ તો કૈંક એવા આત્મસંમ્માનથી જીવતો’તો ! કે વીર ભૂમિ ચિત્તોડનું જ એક ચોસલું..!! એનું કારણ કદાચ… ઈ પણ હોઈ શકે કે, એમનાય પૂર્વજો રાજસ્થાનથી જ અહીં આવ્યા હશે! તે બસ ઈ જ વીરત્વનો વળોટ ને ઈની ઈ જ ક્ષાત્રવટ ત્થા ઈ જ ભલપણ ને ઈ જ, ખમીર ત્થા ખાનદાની ને લાખેણા સંસ્કારથી લથબથ શૌર્યવંતો આ સમાજ પણ – કો રૂડા રાજવંશી શોણિતનું જ સંયોજન છે ! હશે ! અને રહેશે જ, તદ્દઉપરાંત બીલકુલ સાવ ખારા ઝેર જેવા જ દરિયા નો પેઢીગત પાડોશ..!!

તે… જેમ કાળીયા કને ધોળીયો બાંધો તો …… ભલેં વાન તો આવતો આવે પણ થોડીક ‘સાન’ તો આવે, આવે, ને આવે, જ, અને ઈ અર્થમાં અમારા આ સાવઝ જેવા જ સમાજમાં પણ… જેમ દરિયો મોજાં મારી મારી ને ઉમળકાથી ઉભરાય છે ! બસ એમ જ, ઝાંપે ઝાલકુ મારવાનું ! ને પોરહથી ફાટી પડવાનું ! ત્થા ગમે તેવી…. વિકટમાં વિકટ પરિસ્થિતિ યા વહમાણ કે વિપતના ટાણેય એક એક ભાલોડું, અધ્ધર ઉછળવાનું ત્થા છાશવારે છીકોટા કરવાનું ને ગાંડો થઈને ગર્જના કરવાનું – ઈ તો ભૈ આફરડું આફરડું જ, ઉગે ઉગે ને ઉગે ! એમાં તે શી નવાઈ..?

જો, કે આવી આફતમાંય ક’દિ કાંઠા ત્રોડીને મર્યાદા મેલવાનું તો… આ હજુ પણ અમને આવડે જ નહીં..! અને બીજું જે દરીયો… પોતાના જ પેટાળમાં અનેક રૂપાળાં ને અણમોલ રત્નો અને મોંઘા દાટ જેવાં અમુલખ મોતી સંઘરીને બેઠો છે ! બસ એવા જ અતિ મોંઘા આભરણ સમા સેંકડો સદ્દગુણો ( શીલ ગુણ ને ચારિત્ર ! ) સંઘરીને આ અમારો સમાજ પણ આ હજુ આજે પણ જગતના ચોકમાં અડીખમ ઉભો છે ! અને આ જગતનું એકપણ દુષણ કે કોઈ પણ કલંક અમોને કદિ અડ્યું જ નહીં ! ઈ, પણ કદાચ અમારા આ પ્રતાપી ને પુણ્યશાળી પૂર્વજોનું જ, પ્રમાણ..! પણ હા, એક અતિ ઝેરીલો અવગુણ અમારા DNA માં આજ પણ મોજુદ છે..!

અને તે ઈ, કે, આ અફાટ સાગરમાં સમાયેલો સેંકડો હજારો ટન ‘ક્ષાર..! કે, જે, અમારાલો હીમાં ભળતો જ જાય છે, બસ ભળતો જ જાય છે..! તે ઈ, તો તમે સો મણ સાકર નાખો ને તોય… મેર તો માત્ર અને માત્ર ખારો ‘બલાલ’ જ, અને ઈ અપલખણ અમારામાંથી જાતુંય નથી. અને જાવાનુંય નથી ! કારણ કે, અમુક તમુક સદ્દગુણ કે દુર્ગુણ DNA માં જ દાખલ થ્યા પછી… ઈ તો જીવ જાય ત્યાં લગી જામોકામી રહે, રહે, અને રહે જ, અને એટલેં જ, બસ આ ઈ, જ, દુર્ગુણ વશાત્ આ હજુ આજ પણ તમે જ્યાં જૂઓ ત્યાં –

કજીયા ઉછીના કાયમી ને ઘુરીયલ લ્યાવે ઘેર..!

એમ વેચાતું દ:ખ વ્હોરતા ! મરદ અમારા મેર..!

જો કે, આ છેક છેલ્લો દુર્ગુણ તો…. અત્યારના જુગમાં અજુગતો જ, ગણાય..!! કિંતુ કરવું શું..? કારણ કે આ ત્યાગવા જોગું દુષણ હવે ત્યાગી નથી શકાતું..! કારણ કે હવે તો ઈ અમારી આઈડેન્ટીટી બની ગ્યું છે..!! અને મિત્રો, કોઈ પણ સમાજને એની ‘ઓળખ’ ગુમાવવાનું તો કિં પાલવે..? મતલબ અમારા સમાજમાંથી જો આ એક જ, દુષણ દૂર થાય તો તો પછી…. પેલા નાથા મોઢવાડીયાની વીસીના અગીયારમા દુહા જેવું જ થાય..! યા ને કે, બાધવાનું બંધ કરે તો તો મેર ‘લોકુમાં’ લેખાય..!!!! હાહાહાહાહા

અને ખરેખર મિત્રો… ઘણી વાર તો ખુદ મને પોતાને પણ એમ થાય છે, કે, આવનારા દિવસોમાં કોઈ આપણને લોકુમાં લેખે એના કરતાં તો…. આપણું ઈ અતિ મૂલ્યવાન ‘અપલખણ’ છે, ઈ, જ, બરોબર છે..!! મતલબ… મને તમને કે આપણ ને સહુને આપણી ઈ ખારી ઝેર જેવી ‘ખારપનું ગૌરવ તો આ આજે પણ અનહદ છે ! હતું ! અને રહેવાનું જ, ઈ, નક્કી જ, કારણ કે,

તો આ સોરઠ કટકો સરગનો ! ને એમાં ઘણમુલો એક જ ઘેડ..!

કે જ્યાં કામન ટોળાં કિલ્લોલતાં ! ને એનાં નકરાં હેત નિર્ભેળ..!

મતલબ આ અમારી સોરઠ તો સરગના કટકા જેવી જ છે..! પણ એમાંય… અમારૂં આ પોરબંદર ને ઘણા મુલ્યવાન ઘેડની વાત જ શું કરવી..? અરે જેના આદર સત્કારને આતિથ્ય જોઈને દિ’ ઉગે ! એવું ભારે ઠાવકું ઈ ભલપણ ! કે, જ્યાં –

આ નરથી વધે નારીયું ! ને જાણે કે પરિયું દળ પરમાણ..!

તે ઉગે ઈ આદર જોઈને જ, ઓલ્યો કાયમ કાશ્યપરાણ..!

આભાર….. ધન્યવાદ….. &….. જય માતાજી…..

જય જગત જનની. जननी जन्म भूमि श्च: स्वर्गादपि गरीयसी

– સાભાર રામભાઈ વદાર (કાઠિયાવાડી સાહિત્ય અને વાર્તા ગ્રુપ)