જવાબ ના આપવો એ જ જવાબ છે.
આપણે ઘણા સમયે એવી પરિસ્થિતિમાં મુકાઈ જતા હોય છે, જયારે આપણે મૌન સાધીને જવાબ ના આપવો એ જ બરાબર હોય છે. અમુક લોકો તેને નબળાઈ સમજી લેતા હોય છે, પણ ખરેખરમાં જવાબ ના આપવો એ જ સાચો જવાબ હોય છે.
આજે અમે તમને આ વાતને સંદર્ભમાં એક નાનકડી કહાની કહીશું. જેના પછી તમને સમજાઈ જશે કે અમુક વખત જવાબ ના માં આપવો એ જ સાચો જવાબ હોય છે.
એક સંન્યાસી હતા. જે ખૂબ જ સાદું જીવન વિતાવતા હતા. એક સમયે એક નાસ્તિક માણસ તેમને કહેવા લાગ્યો, “ચાલો આજે મારી સાથે વાદ-વિવાદમાં ઉતરો, હું જે પૂછું તેનો તમારે જવાબ અપાવો પડશે. જો હું પ્રશ્ન પૂછતાં થાકી જાવ તો હું હાર્યો અને જો તમે જવાબ આપતા થાકી જાવ તો તમે હાર્યા એમ સમજવું.
મહાત્મા એ કહ્યું કે, “હું આવી રીતે વાદ-વિવાદમાં ઉતરતો નથી”. પરંતુ ગામના લોકો સંન્યાસી બાબાને આગ્રહ કરવા લાગ્યા, આથી સહુના આગ્રહને કારણે સાધુ બાબા એ કહ્યું, “પૂછો પ્રશ્ન”
નાસ્તિકે પહેલો પ્રશ્ન પૂછ્યો ,’બોલો ઈશ્વર શું ચીજ છે? એ કંઈ વાડીનો મૂળો છે?’
સાધુ એ શાસ્ત્રોના વચન જણાવી ઈશ્વર વિશે વાત કરી. તો નાસ્તિક કહે, ‘એ શાસ્ત્રોના લખનારાને હાજર કરો!’
સાધુ કહે, “એ તો હજારો વર્ષો પહેલા થઈ ગયા. આજે કેવી રીતે હોય?” તો નાસ્તિક કહે, ‘ભગવાનની સાક્ષી પૂરતા બીજા પુરાવા રજૂ કરો’
પછી સાધુ મહાત્મા એ મીરા બાઈ જેવા ભક્તો અને નરસિંહ મહેતા જેવા કવિઓના નામ આપ્યા. પણ નાસ્તિકે કહ્યું, “એ બધા મરેલા માણસો છે. મરેલાના પુરાવા ના ચાલે”
આમ નાસ્તિક માણસ બરાડા પાડી પાડીને ઈશ્વર અને સાધુ સંતોની તેમજ ભક્તોની નિંદા કરવા લાગ્યો. હવે સાધુ કંઈ જ બોલ્યા નહિ, એટલે નાસ્તિક માણસ જોર જોરમાં બરાડવા માંડ્યો અને પોતાને જીતેલો જાહેર કરવા માંડ્યો.
સાધુ સાવ મૌન રહ્યા. નાસ્તિક માણસ જયારે બોલી બોલીને થાક્યો એટલે એ ગાળો દેતો ત્યાંથી જતો રહ્યો. ગામ લોકોએ મહાત્માને કહ્યું, “તમે તો વિદ્વાન છો. શ્લોકો બોલીને તેને જવાબ આપી શકતા હતા, તો કેમ જવાબ ના આપ્યો?”
સાધુ કહે, “મેં જવાબ આપ્યો એટલે તો એ ભાગ્યો”.
ગામ લોકો કહે, “અમે તો કોઈ જવાબ સાંભળ્યો નહિ”
ત્યારે સાધુ એ શાંતિથી કહ્યું, “મેં જવાબ ના આપ્યો એ જ એનો જવાબ હતો!”
હા મિત્રો, કેટલીક વખત અમુક માણસોને જવાબ ના આપવો એ જ શ્રેષ્ઠ જવાબ હોય છે. ભલે આપણે જવાબ આપી શકવા સક્ષમ હોઈએ પણ અમુક સમયે મૌન સાધીને જવાબ ના આપવો એ જ સામે વાળા માટે જવાબ હોય છે.