(આ સ્ટોરી બીજા દેશની, પણ સારો મેસેજ આપે છે એટલે રજુ કરી છે.)
એક વ્યક્તિ હતો. એના ઘરમાં ઉંદર આવી ગયો હતો. તે વ્યક્તિ ઉંદર પકડવા માટેનું પાંજરું લાવ્યો, પણ પાંજરું જોઈને ઉંદર ગભરાઈ ગયો. એને થયું કે વ્યક્તિ મને પાંજરામાં પુરી નાખશે. એટલે ઉંદરે તે ઘરની અંદર રહેલા કુકડાની મદદ માંગી કે હે કુકડા, આ વ્યક્તિ મારા માટે પાંજરું લાવ્યો છે એટલે તું મને બચવા માટે કંઈક મદદ કર. પરંતુ કુકડાએ કહ્યું કે, આ તારો પ્રશ્ન છે. હું તને મદદ ના કરી શકું.
ત્યારબાદ ઉંદરે તે વ્યક્તિના વાડામાં રહેલા બકરાને કહ્યું કે, આ વ્યક્તિ ઉંદર પકડવાનું પાંજરું લાવ્યો છે. એટલે તું મને મદદ કર અને બચાવ. બકરાએ કહ્યું કે, આ તો તારો પ્રશ્ન છે. હું તને કશી મદદ ના કરી શકું. ઉંદર પાછો નિરાશ થઈ ગયો.
ત્યારબાદ ઉંદર ગામની બહાર આવેલા તળાવ પાસે ગયો. તળાવમાં ઘણી માછલીઓ હતી. ઉંદરે માછલીઓને કહ્યું કે, તે વ્યક્તિ ઉંદર પકડવાનું પાંજરુ લાવ્યો છે અને મને પકડી લેશે. તમે મને મદદ કરો. પરંતુ માછલીઓએ કહ્યું કે, આ તો તારો પ્રશ્ન છે. અમે શું કરીએ?
બધી જગ્યાએ નકારાત્મક જવાબ સાંભળીને ઉંદર નિરાશ થઈ ગયો અને આખરે ઘરે પાછો આવ્યો. હવે બન્યું એવું કે તે દિવસે રાત્રે જ્યારે પાંજરું ઘરમાં મૂકવામાં આવ્યું ત્યારે ઉંદરને ખબર હતી કે પાંજરું મૂકેલું છે એટલે ઉંદર દૂર રહ્યો. પરંતુ તે વખતે એક સાપ ખોરાકની શોધમાં ઘરમાં આવી ચડ્યો અને ભૂલથી સાપની પૂંછડી પાંજરામાં ફસાઈ ગઈ એટલે સાપ તરફડીયા મા રવા માંડ્યો.
આ અવાજ સાંભળીને વ્યક્તિની પત્ની ત્યાં દોડીને આવી પરંતુ અંધારામાં તેને કાંઈ દેખાયું નહીં એટલે સાપ પર તેનો પગ આવી ગયો, એટલે સાપે વ્યક્તિની પત્નીને ડંખ માર્યો એટલે તે વ્યક્તિની પત્ની બેભાન થઈ ગઈ. અવાજ સાંભળી તે વ્યક્તિ દોડી આવ્યો અને તાત્કાલિક એની પત્નીની સારવાર કરવા લાગ્યો. પરંતુ સ્થિતિ ગંભીર હતી એટલે વ્યક્તિ તેને ડોક્ટર પાસે લઈ ગયો.
ડોક્ટરે વ્યક્તિની પત્નીની સારવાર કરી અને કહ્યું કે, તમારી પત્નીને કુ કડાનો સૂપ બનાવીને પીવડાવવાની જરૂર છે, એટલે ઘેર જઈને કુ કડાનો સુપ પીવડાવજો. ઘેર જઈને વ્યક્તિએ પોતાના ઘરમાં રહેલા કુ કડાનો સૂપ બનાવીને પોતાની પત્નીને પીવડાવ્યું. સૂપ પીવાથી વ્યક્તિની પત્ની સાજી થઈ ગઈ.
પત્ની સાજી થઈ ગઈ એટલે વ્યક્તિ અત્યંત ખુશ થઈ ગયો એટલે એણે પોતાના ઘરની અંદર મિજબાની કરવાનું નક્કી કર્યું. અને એ માટે તેણે પોતાના વાડામાં રહેલા બ કરાની પસંદગી કરી. બ કરાની વાનગી બનાવીને ઘરની અંદર મિજબાની કરી. આ સમાચાર ચારેબાજુ વાયુવેગે ફેલાઈ ગયા અને સંબંધીઓને ખબર પડી કે, તેની પત્નીને સાપ કરડ્યો હતો અને હવે તે સાજી થઈ ગઈ છે એટલે સગા સંબંધીઓ વ્યક્તિના ઘરે મળવા આવ્યા.
પરંતુ આટલા બધા સગાની સરભરા કેવી રીતે કરવી? એટલે વ્યક્તિ ગામની બહાર આવેલા તળાવ પાસે ગયો અને ત્યાં જઈ તળાવમાં જાળ નાખીને તળાવમાં રહેતી માછલીઓને પકડીને ઘેર લઈ આવ્યો અને મોટી મિજબાની કરી અને બધા સગા સંબંધીઓને ખુશ કરી રવાના કર્યા. ઉંદર આ બધો જ તમાશો જોઈ રહ્યો હતો.
મૂળ વાત એ છે કે, ઉંદરે બધાની પાસે મદદ માંગી. પરંતુ બધાએ એવું જ કહ્યું કે, આ તારો પ્રશ્ન છે. અમારે શું લેવાદેવા? પરંતુ જ્યારે કોઈ એક માણસના જીવનમાં પ્રશ્ન થાય છે ત્યારે બીજા માણસો માટે પણ એ પ્રશ્ન જ હોય છે. પરંતુ તેમને સમજાતું નથી. આથી આપણી આસપાસ કોઈ દુઃખી ન રહે તે જોવું અને માણસ તરીકે મદદ કરવા તત્પર રહેવું.
– કર્દમ ર. મોદી, પાટણ. (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતીકાત્મક છે, સ્ટોરીના શબ્દોમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે.)