કાળજા કાપ્યા તા તે’દી, ને રાં ને રાખ્યાં’તા જે’દી,
કેમ રે ઉગાની માડી! આંખ્ય નો ઉભરાણી તારી!
અદભુત આહીરાણી કેમ, આંખમાં રોક્યાતા તે’દી પાણી?(૨)
આંગળી પકડી આતમને, એમ રે આવી’તી તું તો.
આઠમને મેળે લઈ ઉગાને જાણે એમ રે આવી’તી તું તો.
કેમ રે આહીરાણી માડી! છાતીય ફડકી નય તારી?
અદભૂત આહીરાણી કેમ, આંખમાં રોક્યાતા તે’દી પાણી?(૨)
ક્રૂર રે કંસ જેવાંએ તે’દી, મા કપરી કસોટી કીધી.
બાપ ને રે હાથે જે’દી, એણે ગરદન કપાવી લીધી.
નજરે જોતાં જુલ્મ જોગમાયા કેમ રે ન ક્રોધે ભરાણી?
અદભુત આહીરાણી કેમ, આંખમાં રોક્યાતા તે’દી પાણી?(૨)
આશરે આવ્યો તો ઈશ્વર, કહાનને કીધોતો સક્ષમ.
ફરી ઓ આહીરની રાણી, બન્યો તો આહીરડો રક્ષક.
લોચનીયા હશે લાલ થયા, ન તારી મા આંખ છલકાણી?
અદભુત આહીરાણી કેમ, આંખમાં રોક્યાતા તે’દી પાણી?(૨)
અશ્રુ વહેત મા તારાં, ચેતત નવઘણના મારા.
ક્ષણમાં સંહારી રાં ને કદાચ ન બક્ષત ઉગાનેય તારા.
આભ રે તુટ્યુ આહીરાણી, તોય ધર્મ કેમ રે સંભાળ્યા?
ઓ જાહલની જણનારી કેમ, આંખમાં રોક્યા તે’દી પાણી?(૨)
અદભુત આહીરાણી કેમ, આંખમાં રોક્યાતા તે’દી પાણી?(૨)
અટક્યા નહીં આતતાયીઓ, ‘દેવ’ વધું દખડાં રે દેવા!
આંખો કઢાવી ઉગાની, હાલો આયરાણી લાગ્યાં છે કહેવા!
લોચન પર લાલના, સોનલદે માડી, કેમ રે ગઈતી તું હાલી?
આહીરાણી કેમ, આંખમાં રોક્યાતા તે’દી પાણી?(૨)
કાળજા કાપ્યા તા તે’દી, ને રાં ને રાખ્યાં જે’દી,
કેમ રે ઉગાની માડી!
કેમ રે દેવાયતની રાણી!
ઓ જાહલની જણનારી!
હે રા ને રાખનારી!
એ અદભુત આહીરાણી!
કેમ આંખ્ય નો ઉભરાણી તારી!
આહીરાણી કેમ, આંખમાં રોક્યાતા તે’દી પાણી?(૨)
દેવાયત ભમ્મર
સાભાર લાભુ દેવ જોગલ (અમર કથાઓ ગ્રુપ)