“આજ રે સપનામાં મેં તો” – આ રસપ્રદ ગુજરાતી લોકગીત દ્વારા જાણો પરિણીતાના સપનાની વાત.

0
1893

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો

ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો

દહીં દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો

ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો

સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો પારસપીપળો દીઠો જો

તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો

ફૂલડિયાંની ફોરમ રે, સાહેલી, મારા સપનામાં રે

ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો

ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે

ઘમ્મર વલોણું ઈ તો અમારો જેઠ જો

દહીં દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે

લવિંગ લાકડી ઈ તો અમારો દેર જો

ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે

જટાળો જોગી ઈ તો અમારો નણદોઇ જો

સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે

પારસ પીપળો ઈ તો અમારો ગોર જો

તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે

ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો

ફૂલડિયાંની ફોરમ, સાહેલી, મારી ચૂંદડીમાં રે

– મોરબીની વાણિયણ

સંકલન/ સંપાદન: હસમુખ ગોહીલ