ભાગવત રહસ્ય 144: આપણા જીવનમાં થનારા વ્યવહારને મિથ્યા – અસત્ય કેમ કહી શકાય, જાણો તેનો જવાબ.

0
208

ભાગવત રહસ્ય – ૧૪૪

જડભરતના વિદ્વતાભર્યાં વચન સાંભળી રાજાને આશ્ચર્ય થયું. તેને થયું ના, ના આ પાગલ નથી પણ કોઈ પરમહંસ લાગે છે, આવા સંતના જોડે મેં પાલખી ઉપડાવી છે, મારી દુર્ગતિ થશે. રાજા ગભરાયો અને ચાલતી પાલખીમાંથી નીચે કુદી પડ્યો. રાજા ભરતજીને વંદન કરે છે. પૂછે છે કે આપ કોણ છો? શુકદેવજી છો? દત્તાત્રય છો?

રહૂગણે ક્ષમા માગી છે – “તમારા જેવા સંતનું અપમાન કરનારનું કલ્યાણ થાય નહિ, માટે ક્ષમા કરો.”

તે પછી રાજા રહૂગણ પૂછે છે : આ વ્યવહારને મિથ્યા (અસત્ય) કેમ કહી શકાય? જો કોઈ પણ વસ્તુ અસત્ય હોય, મિથ્યા હોય તો કોઈ પણ ક્રિયા (કર્મ) થઇ શકે જ નહિ. જેમ કે જો ઘડો (મિથ્યા) અસત્ય હોય, તો તે ઘડાથી જળ લાવી શકાય નહિ. હકીકતમાં ઘડો હોય તો જ જળ લાવી શકાય. આંખે દેખાતી વ્યવહારની ક્રિયાઓમાં બધું હકીકતથી ભરેલું છે, તે મિથ્યા કેવી રીતે?

આપે કહ્યું કે શરીરને દુઃખ થાય છે, આત્માને થતું નથી. પરંતુ હું માનુ છું કે શરીરને કષ્ટ થાય તો તે આત્માને થાય છે. કારણ કે શરીરનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે, ઇન્દ્રિયોનો મન સાથે, મનનો બુદ્ધિ સાથે અને બુદ્ધિનો આત્મા સાથે છે.એટલે શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું જ જોઈએ ને? જેમ, ચુલા પર તપેલી હોય, તપેલીમાં દૂધ હોય, દૂધમાં ચોખા હોય તો અગ્નિના સંબંધને કારણે ચોખા પાકી જાય છે. તેમ શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું જ જોઈએ ને?

જડભરતજીએ કહ્યું : આ કથન તદ્દન ખોટું જ છે. આત્મા નિર્લેપ છે. દૂધમાં ચોખા નાખ્યા એટલે પાક્યા પણ પથ્થર નાખ્યા હોય તો? તે પથ્થર પાકતા નથી, કારણ તે નિર્લેપ છે.

સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર છે. મન જ સંસાર ઉભો કરે છે. સ્વપ્નનું જગત જેમ મન ઉભું કરે છે, તેમ જાગૃત અવસ્થાનું જગત પણ મન ઉત્પન્ન કરે છે. રાજા, મન બગડે એટલે જીવન બગડે છે, મન સુધરે તો આત્માને મુક્તિ મળે છે.

પોતાના છોકરાનું માં ને વજન નથી લાગતું, કારણ કે મનની મમતા છે, પોતાનો છોકરો માં ને હલકો ફૂલ જેવો લાગે, પછી ભલે ને કીકો અઢી મણનો હોય. બીજાનો છોકરો ભલે હલકો ફૂલ હોય તો પણ તે જ માં ને તે પહાડ જેવો ભારે લાગે છે. કારણ મન કહે છે કે એ પારકો છે. મન માને તો વજન, નહી તો કાંઇ વજન નથી.

જડભરતજી કહે છે : રાજા આ બધા મનના ધર્મો છે, મનના ખેલો છે. આના જ કારણે મારે ગયા જન્મમાં હરણ થવું પડેલું, હવે હું સાવધ થઇને ફરું છું.

રાજા તમે તો ખાલી કશ્યપ દેશના રાજા છો, હું તો ભરતખંડનો રાજા હતો, છતાં મારી આ દશા મનને કારણે જ થઇ. મન જ જીવને સંસાર-બંધનના કારણ રૂપ છે. અને તે જ મન મોક્ષના કારણરૂપ છે.

મનુષ્યનું મન જો વિષયોમાં આસક્ત થાય તો સંસારમાં દુઃખ આપનાર થાય છે, અને તે જ મન જો વિષયમાં આસક્ત ના થાય અને ઈશ્વરના ભજનમાં લીન થાય તો તે મોક્ષ આપનાર થાય છે. વિષયનું ચિંતન કરતા મન તેમાં ફસાય છે, મનની લુચ્ચાઈ ઘણી છે, માટે મનને પરમાત્મામાં સ્થિર કરો.

જડભરતજી કહે છે : રાજા તમે મને પૂછ્યું કે હું કોણ છું? પણ તમે તમારી જાતને પુછો “હું કોણ છું?” તમે શુદ્ધ આત્મા છો.

જાગ્રત, સુષુપ્તિ અને સ્વપ્ન એ ત્રણે અવસ્થાનો સાક્ષી આત્મા છે.

જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી પણ સંસારને કલ્પિત માને છે. જગત સ્વપ્ન જેવું છે, તેમ છતાં જેમ ખોટું સ્વપ્નું જીવને રડાવે છે તેમ ખોટું જગત પણ જીવને રડાવે છે.

દાખલા તરીકે એક મનુષ્ય સૂતેલો હોય અને સ્વપ્નમાં વાઘ તેના પર હુ-મ-લો કરે અને તે રડવા માંડે. પણ જો તરત જ જાગી જાય તો તેણે સમજાય છે કે ડરવાની જરૂર નહોતી.

આ સ્વપ્નું ખોટું છે, તે સમજાય ક્યારે? જયારે જાગી જઈએ ત્યારે. સર્વ વિષયોમાંથી જેનું મન ઉઠી ગયું છે તે જાગેલો છે.

રાજા, સત્સંગ વગર જ્ઞાન મળતું નથી, સ્વરૂપનું (આત્મા)નું પરિપૂર્ણ જ્ઞાન એ એક જ સત્ય છે. એક બ્રહ્મ (પરમાત્મા) જ સત્ય છે. આ બ્રહ્મ સત્યસ્વરૂપ, ભેદથી રહિત પરિપૂર્ણ, આત્મસ્વરૂપ છે.

પંડિતો તેને ભગવાન વાસુદેવ શ્રીકૃષ્ણ જેવા નામથી ઓળખે છે, બાકી જગત મિથ્યા છે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)