હે….. હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં,
હે…..મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં;
પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી,
હે…….જગમાં જ્યાં મહેમાનગતિની વાત જ સૌથી ન્યારી.
આપણા મલકના માયાળુ માનવી
માયા મેલીને મ રીજાશું મારા મેરબાન
હાલોને આપણા મલકમાં
આપણા મલકમાં ઉતારા ઓરડા
ઉતારા કરી ઘોડે ચડજો મારા મેરબાન
હાલોને આપણા મલકમાં
આપણા મલકમાં નાવણ કુંડીયું
નાવણિયા કરી ઘોડે ચડજો મારા મેરબાન
હાલોને આપણા મલકમાં
આપણા મલકમાં ભોજન લાપસી
ભોજનિયા કરી ઘોડે ચડજો મારા મેરબાન
હાલોને આપણા મલકમાં
આપણા મલકમાં મુખવાસ એલચી
મુખવાસિયા કરી ઘોડે ચડજો મારા મેરબાન
હાલોને આપણા મલકમાં
આપણા મલકમાં પોઢણ ઢોલિયા
પોઢણિયા કરી ઘોડે ચડજો મારા મેરબાન
હાલોને આપણા મલકમાં
આપણા મલકના માયાળુ માનવી
માયા મેલીને મ રીજાશું મારા મેરબાન
હાલોને આપણા મલકમાં.