પરમાત્માએ એટલું સુંદર જીવન આપણને આપ્યું છે. તેમ છતાં પણ આપણે તેમની પાસે ધન દોલત કે સંતાન મેળવવાની ઈચ્છા રાખીએ છીએ. જયારે તે બધું નશ્વર છે. જો સંસારમાં કાંઈ પણ રહેવા અને સાથે જવાનું છે તો તે ભક્તિભાવ છે. આપણે પરમાત્મા પાસે તેને પહેલા ન માંગીને સાંસારિક વસ્તુઓ માંગીએ છીએ. આવો એક કથા દ્વારા આ વાત સમજીએ.
શ્રી અયોધ્યાજીમાં એક ઉચ્ચ કોટીના સંત રહેતા હતાં, તેમના મનમાં દરેક સમયે રામાયણનું શ્રવણ કરવાની ઈચ્છા રહેતી હતી.
જ્યાં પણ કથા ચાલતી ત્યાં ખુબ પ્રેમથી કથા સાંભળતા, ક્યારેક કોઈ પ્રભુ પ્રેમી અથવા સંત પાસે કથા કહેવાની વિનંતી કરતા.
એક દિવસ રામ કથા સંભળાવવા વાળા કોઈ ન મળ્યા. એવામાં ત્યાંથી એક પંડિતજી રામાયણ પોથી લઈને જઈ રહ્યા હતા. પંડિતજીને સંતે પ્રણામ કર્યા અને પૂછ્યું કે, મહારાજ શું સેવા કરું?
સંતે કહ્યું – પંડિતજી રામાયણની કથા સંભળાવી દો. પણ અમારી પાસે દક્ષિણા આપવા માટે રૂપિયા નથી, અમે તો ફકીર સાધુ છીએ. માળા, લંગોટી અને કમંડલ સિવાય કાંઈ છે નહિ અને કથા પણ એકાંતમાં સાંભળવાની ઈચ્છા છે અમારી. પંડિતે જણાવ્યું – ઠીક છે મહારાજ.
પછી તે સંત અને કથા સંભળાવવા વાળા પંડિતજી બંને સરયુજીના કાંઠે જઈને બેસી ગયા.
પંડિતજી અને સંત રોજ નક્કી કરેલા સમયે આવીને અહિયાં બિરાજતા અને કથા ચાલતી રહેતી.
સંત ઘણા પ્રેમથી શ્રવણ કરતા હતા અને ભાવ વિભોર થઈને ક્યારેક નૃત્ય કરવા લાગતા તો ક્યારેક રડવા લાગતા.
જયારે કથા સમાપ્ત થઇ ત્યારે સંતે પંડિતજીને કહ્યું – પંડિતજી, તમે ઘણી સરસ કથા સંભળાવી. અમે ઘણા ખુશ છીએ, અમારી પાસે દક્ષિણા આપવા માટે રૂપિયા તો નથી પણ આજે તમને જે જોઈએ તે આપું માગો.
સંત સિદ્ધી કોટીના પ્રભુ પ્રેમી હતા, શ્રી સીતારામજી તેમની સાથે સંવાદ પણ કરતા રહેતા હતા. પંડિતજીએ કહ્યું – મહારાજ અમે ઘણા ગરીબ છીએ, અમને ઘણું બધું ધન મળી જાય. સંતે પ્રાર્થના કરી પ્રભુ આને કૃપા કરીને ધન આપી દો.
ભગવાન હસ્યા, સંત બોલ્યા – તથાસ્તુ.
પછી સંતે પૂછ્યું – માંગો બીજું શું જોઈએ છે?
પંડિતજી બોલ્યા – અમારા ઘરે પુત્રનો જન્મ થઇ જાય.
સંતે પુનઃ પ્રાથના કરી અને શ્રીરામજી હસ્યા. સંત બોલ્યા – તથાસ્તુ, તમને ઘણો સારો જ્ઞાની પુત્ર થશે.
પછી સંત બોલ્યા બીજું કાંઈ માંગવું છે તો માંગી લો.
પંડિતજી બોલ્યા – શ્રી સીતારામજીની અખંડ ભક્તિ અને પ્રેમ મળે.
સંત બોલ્યા – નહિ, તે નહિ મળી શકે.
પંડિતજી આશ્ચર્યમાં પડી ગયા કે મહાત્મા કેમ ના પાડી રહ્યા છે.
પંડિતજીએ પૂછ્યું – સંત ભગવાન, એ વાત ન સમજાઈ કે તમે ના કેમ કહી રહ્યા છો?
સંત બોલ્યા – તમારા મનમાં પ્રથમ પ્રાથમિકતા ધન, સન્માન, ઘરની છે. બીજી પ્રાથમિકતા પુત્રની છે અને છેલ્લી પ્રાથમિકતા ભગવાનની ભક્તિની છે. જ્યાં સુધી આપણે સંસારને, કુટુંબ, ધન, પુત્ર વગેરેને પ્રાથમિકતા આપીએ છીએ ત્યાં સુધી ભક્તિ નહિ મળે.
ભગવાને જયારે કેવટને પુછ્યુ કે, તારે શું જોઇએ? તો કેવટે કાંઈ ન માગ્યું.
પ્રભુએ પૂછ્યું – તને ઘણું બધું ધન આપીએ છીએ. તો કેવટ બોલ્યા નહિ.
પ્રભુએ કહ્યું – ધ્રુવ પદ લઇ લો. તો કેવટ બોલ્યા – નહિ. ઇન્દ્ર પદ, પૃથ્વીના રાજા, અને મોક્ષ સુધીની વાત કરી પણ કેવટે કાંઈ ન લીધું. તે માત્ર પ્રભુ ભક્તિ ઈચ્છતા હતા ત્યારે જઈને પ્રભુએ તેમને ભક્તિ પ્રદાન કરી.
હનુમાનજીને જાનકી માતાએ ઘણા વરદાન આપ્યા – બળ, બુદ્ધી, સિદ્ધી, અમરત્વ વગેરે પણ તેમણે કોઈ ખુશી ન દર્શાવી. છેવટે જાનકીએ શ્રી રામજીનો પ્રેમ અને અખંડ ભક્તિનું વરદાન આપ્યું.
પ્રહલાદજીએ પણ કહ્યું કે, અમારા મનમાં માંગવાની ક્યારે પણ કોઈ ઈચ્છા જ ઉત્પન ન થાય. ત્યારે ભગવાને અખંડ ભક્તિ પ્રદાન કરી.
આ રીતે શુદ્ધ ભક્ત એ છે જે પરમાત્મા પાસે ધન, દોલત, પુત્ર વગેરે નશ્વર વસ્તુ ન માંગીને માત્ર ભગવદ ભક્તિની જ ઈચ્છા ધરાવે છે.
જય જય શ્રીરામ જય જય શ્રીરાધેકૃષ્ણજી.
– જીત મજેવડિયાની પોસ્ટનું સંપાદન (અમર કથાઓ ગ્રુપ)
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.