આપણી આસપાસ દરેક જગ્યાએ રહેલી માણસાઈની માથાકુટની વાત કરતી આ સ્ટોરી ઘણા રહસ્યો જણાવી જાય છે.

0
425

માણસાઈની માથાકુટ :

પત્ની સુચના આપીને ગઈ હતી.. શાક લેવાનું હતું.. રોજ આવતા શાકવાળાએ ઘર પાસે ઉભીને બે ત્રણ વાર બુમો પાડી.. લેખકે ઉતાવળે ચાની તપેલી ઉતારી.. બહાર ડોકિયું કરી કહ્યું.. “એક મીનીટ..”

એ થેલી અને અડધો કપ ચા લઈને ગયો.. “લ્યો.. હું ચા પીતો હતો.. તમે બરાબર ટાણે આવ્યા.. થોડીક પીઓ..”

ચા પીયને શાકવાળાએ બીડી કાઢી.. “સાહેબ, પીતા હો તો લ્યો..”

લેખક ક્યારેક પટાવાળા પાસેથી માંગીને પીતો. એણે પણ બીડી સળગાવી.

શાકવાળાએ કહ્યું.. “હું સાંજે છાપું વાંચું છું.. તમે ‘માણસાઈની માથાકુટ’ લખો છો ને?”

લેખકને રસ પડ્યો.. “તમે ભણેલા લાગો છો.. ધંધો ઈમાનદારીથી સારી રીતે કરો છો.”

શાકવાળો હસ્યો.. “સાહેબ, ભણ્યો પણ નોકરી ના મળી એટલે આ ધંધો ચાલુ કર્યો. પહેલાં ઈમાનદાર હતો, હવે નથી. કીલોમાં નવસો ગ્રામ અને એક સડેલું તો ખરું જ. હા.. બોલવાનું મીઠું મીઠું.”

એણે વજનમાં ચાલાકી કેમ કરાય, એ સમજાવ્યું અને લારીને તળીયે કાણું પાડી, કાંટા સાથે બાંધેલ નીચે નિકળતી દોરી પણ બતાવી.

એ પાછો હસ્યો. પૈસાની પેટી પાસે રાખેલ પાટિયું બતાવ્યું. એના પર લખ્યું હતું ‘બકુલા માતા સત્ય છે’. એણે પાટિયું ઉલટાવ્યું. પાછળ એક સ્ત્રીનો ફોટો હતો.

“જુઓ સાહેબ, આ મારી ઘરવાળી બકુલા. આમ તો મારું ઘર બંધાય એમ ન હતું. પણ એક માણસે દલાલી લઈને કરાવી દીધું. ઘરવાળીએ મને ગુરુગ્નાન આપ્યું કે ‘બધુ લોલંલોલ છે. એમાં ભળી જવાનું ને મજેથી જીવવાનું. બીજા ક્યાં દુધે ધોયેલા હોય છે?’

“સાહેબ, ગમે ત્યાં જાવ. થોડી થોડી બેઈમાની તો હોય જ. ઓફીસમાં એવું. બાંધકામમાં એવું. અનાજમાં ભેળસેળ. પ્રધાનો રાતોરાત પૈસાવાળા. અધિકારીઓ કટકી કરે. પોલીસવાળા વાહનો રોકે. મને પણ કોક બાઈ ફાટેલી નોટ બેવડી વાળીને આપી જાય. એનું વિચારીને દુ:ખી થોડું થવાય?”

“સાહેબ, આમ બકુલા બહુ સારી છે. એણે ચોખવટ કરી દીધી કે હું બે વાર ભાગી ગઈતી એટલે તમને મળી.”

“સાહેબ, તમે માનશો નહીં. એણે એ પણ કહી દીધું કે એના પેટમાં બાળક છે.”

“સાહેબ, આવા ચોક્ખા દિલવાળી બાઈને તો માતાજી માનવી પડે ને? મને તો એણે જ સુખીયો કર્યો.”

લેખકે કહ્યું.. “ખુબ મજાની વાત. મારો આજનો લેખ આના પર તૈયાર થઈ જશે.”

“તો સાહેબ.. લ્યો સળગાવો બીજી.. તમેય ઘરવાળીથી છાનામાના પીઓ છો ને? આજે એ નથી તો ટેસડો કરી લ્યો.”

લેખક અને શાકવાળાએ બીજી બીડીઓ સળગાવી.

– જયંતીલાલ ચૌહાણ ૧ -૧૦ -૨૧