આપણો અશાંતિનો રોગ મટતો નથી તેનું કારણ અને ઉપાય જાણવા શેષનાગની સ્ટોરી વાંચો.

0
498

એકવાર શેષનાગ બિમાર પડ્યા. ધીમે ધીમે બિમારી વધવા લાગી.

ઘરગથ્થુ સામાન્ય દવાઓની કોઇ અસર ના થઇ એટલે દેવોના વૈદ્ય અશ્વિનીકુમારને બોલાવવામાં આવ્યા. અશ્વિની કુમારે દવા તૈયાર કરીને શેષનાગને આપી.

અશ્વિનીકુમાર જેવા વૈદ્યની દવા લીધા પછી પણ રોગ કાબુમાં આવ્યો નહી. અશ્વિનીકુમાર એકથી એક ચડીયાતી દવા આપતા જાય તો પણ રોગ તો વધતો જ ચાલ્યો. બધા દેવોને લાગ્યુ કે કદાચ શેષનાગનો અંત સમય આવી ગયો છે.

અશ્વિનીકુમાર પણ મુંઝાયા. એમણે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આપ કંઇક મદદ કરો. હું તો મારા તમામ પ્રામાણિક પ્રયાસો કરું છુ, પણ મારી દવા કોઇ જ કામ કરતી નથી મને પણ નથી સમજાતું કે આવું કેમ થાય છે?

આજ દિન સુધી આવું ક્યારેય બન્યુ નથી !

એક સંત અશ્વિનીકુમાર પાસે આવ્યા અને કહ્યુ બોલો શું મદદ કરું આપને?

અશ્વિનીકુમારે પેલા સંતને પોતાની બધી વાત સંભળાવી.

સંતે એટલું જ કહ્યુ કે તમારી ઔષધી તો બરોબર જ છે ને? જે રોગ છે તેનો ના શ કરવા માટે આ જ પ્રકારની ઔષધિ ઉપયોગમાં લેવાય છે ને?

અશ્વિનીકુમારે કહ્યુ કે હા રોગના લક્ષણો પ્રમાણે જ મે ઉતમ પ્રકારની દવા બનાવી છે અને એ દવા પાવા છતા નાગરાજ ને કોઇ જ અસર થતી નથી.

પેલા સંતે હસતા હસતા કહ્યુ , ” એક કામ કરો દવા પાતી વખતે શેષનાગની આંખ પર પાટો બાંધો અને પછી દવા આપો.

બધા વિચારવા લાગ્યા કે આંખ પરના પાટાને અને દવાની અસરને શું લેવાદેવા?

પણ અશ્વિનીકુમારે પેલા સંતની આજ્ઞા મુજબ કર્યુ અને બધાના આશ્વર્ય વચ્ચે નાગરાજની તબિયત સુધરવા લાગી અને થોડા સમયમાં તો રોગ સાવ જતો રહ્યો.

દેવો અને અશ્વિનીકુમારને આંખ પરના પાટાનું રહસ્ય ન સમજાયું એટલે સંતને તે જણાવવા વિનંતી કરી. ત્યારે સંતે કહ્યુ કે, ઔષધી તો બરાબર જ હતી પણ જ્યારે એને પાવા માટે એના મુખ પાસે લાવતા હતા ત્યારે શેષનાગની આંખમાં ઝેર હોવાથી અમૃત જેવી ઔષધી પણ ઝેર બની જતી હતી.

પાટો બાંધીને મેં એની આંખના ઝેરને ઔષધીમાં ભળતા અટકાવ્યુ એટલે ઔષધીની અસર થઇ.

આપણા જીવનને આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહથી તરબતર કરી દે તેવી અમૃતમય ઔષધીઓ આપણી પાસે જ છે. પરંતું આપણી આંખમાં રહેલું ઇર્ષાનું ઝેર આપણી આ ઔષધીને પણ ઝેર બનાવી દે છે. અને પેલા શેષનાગની જેમ દવા પીવા છતા પણ આપણો અશાંતિનો રોગ મટતો જ નથી.

– સાભાર હિતેશ રાયચુરા (અમર કથાઓ ગ્રુપ)