જગદંબા આશાપુરાજી માતાના મઢ અને માતાજીના પરચાની આ વાતો ઘણા ઓછા લોકો જાણે છે.

0
707

માઁ જગદંબા આશાપુરાજીનું માતાના મઢ ખાતે આવેલું મંદિર લોકોની આસ્થાનું જીવંત પ્રતીક છે હાલના આ સ્થાનકનો ઉલ્લેખ હિન્દુ ધર્મના પુરાણો, શાસ્ત્રો અને તંત્રમાં આજે પણ વાંચવા મળે છે, માઁ આશાપુરાનો મઢ રામાયણ કાળમાં પણ અસ્તિત્વમાં હતો એટલું જ નહીં પરંતુ ભગવાન શ્રી રામ તેમના વનવાસકાળ દરમિયાન અહીં નવ દિવસ સુધી જગદંબા આશાપુરાની આરાધના કરી ત્યારપછી નારાયણ સરોવર અને કોટેશ્વર તરફ પ્રયાણ કર્યું હતું.

નવમી સદીમાં રાજપૂત વંશના સમા જાતિના લોકો પશ્ચિમ કચ્છમાં અગ્નિ ખૂણેથી પ્રવેશ્યા અને અહીં સ્થાયી થયા ત્યારે આ સ્થાનકનુ અસ્તિત્વ હતું. લોકવાયકા અનુસાર લાખો ફુલાણીના પિતાના રાજદરબારમાં મંત્રી તરીકે રહેલા બે કરડ વાણિયાઓ અજો અને અનાગોરે આ મંદિર બનાવ્‍યું હતું જેને કચ્‍છમાં આવેલા ૧૮૧૯ના ભૂકંપમાં ભારે નુકસાન થયું હતું એ પછી પાંચ વર્ષના ગાળામાં આ મંદિરને બ્રહ્મક્ષત્રિય સુંદરજી શિવજી અને વલ્‍લભાજીએ ફરી બંધાવ્‍યું હતું.

પ્રચલિત દંતકથા મુજબ આશરે પંદરસો વર્ષ આગાઉ દેવચંદ નામે એક કરાડ વાણિયો મારવાડથી વેપાર અર્થે ભ્રમણ કરતો આ સ્થાને આવ્યો. માઇ ભક્ત દેવચંદ નવરાત્રી દરમિયાન અહીં રોકાઈ પુત્ર પ્રાપ્તિ અર્થે માઁ ની ભક્તિ આરાધના કરવા લાગ્યો, માઁ આશાપુરાજીએ સ્વપ્નમાં મંદિર નિર્માણની આજ્ઞા કરી અને ખરાઈ માટે જાગૃત થતાં શ્રીફળ અને ચુંદડી પ્રાપ્ત થશે એવું કહ્યું, સાથે ‘મંદિરનુ બાંધકામ પૂર્ણ થયા બાદ તેના દરવાજા છ માસ સુધી ખોલવા નહિ’ એવી વિશેષ આજ્ઞા કરી.

પરંતુ મુદ્દતથી બે માસ આગાઉ રાત્રિના સમયે દેવચંદને મંદિરની અંદરથી સ્વર્ગીય સંગીતના સુરતાલ સંભળાવા લાગ્યા ને જાત પર કાબૂ ન રાખી શકવાથી દરવાજા ખોલી નાખ્યા, અને ત્યારે દેશ દેવીશ્રી ઊભા થવાની તૈયારીમાં ઘુંટણ પર ઊભા હોવાનું જોયું.!. આજે પણ માઁ આશાપુરાજી આ સ્થિતિમાં દષ્ટિ ગોચર થાય છે. આ રીતે અહીં બિરાજમાન આશાપુરા માતાજીની છ ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી ભગવા રતુંમડા રંગની મૂર્તિ સ્વયંભૂ છે. લગભગ ૫૮ ફૂટ લાંબા, ૩૨ ફૂટ પહોળા અને ૫૨ ફૂટ ઊંચા પ્રાચીન મંદિરને ૨૦૦૧ કચ્‍છમાં આવેલા મહાવિનાશક ભૂકંપમાં પણ નુકસાન થયું હતું અને તેનો ગુંબજ તૂટી ગયો હતો પણ જોતજોતામાં આ મંદિરને ફરીથી ભવ્‍યતમ બનાવી દેવાયું છે.

ઐતિહાસિક સાહિત્ય મુજબ કચ્છના રાવ ગોળજીના સમયમાં તેમના દિવાન પુંજા શેઠને રાવ ગોળજીએ પદભ્રષ્ટ કર્યા લોકવાયકા પ્રમાણે તેમને પદભ્રષ્ટ કરવા પાછળ રાજકીય ખટપટ અને ચડામણી કારણભૂત હતી. એ જે હોય તે પરંતુ પદભ્રષ્ટ થયેલા દિવાને બદલાની ભાવનાથી રાવ ગોળજીને સબક શીખડાવવા સિંધના મુસ્લિમ શાસક ગુલામ શાહ કલેરાને કચ્છ ઉપર આ કર મણ કરવા ઉશ્કેર્યા અને જોઈતી મદદ આપવાની તૈયારી પણ બતાવી.

રાજ ખટપટમા માહેર ગુલામશાહે કચ્છ કબ્જે કરવા પોતાની વિશાળ સેના સાથે પ્રયાણ કર્યું, આ તરફ પુંજા શેઠનો અંતર આત્મા જાગી ઉઠયો, નાની વાતને લઈ માદરે વતન સાથે ગદ્દારી કરવા બદલ તેને પસ્તાવો થયો અને પોતાના માણસો દ્વારા ગુલામ શાહના સૈન્યને અબડાસા તરફના સુથરી સાંધાણા ગામ બાજુ મોકલવાનો સંદેશો પહોંચાડયો અને રાવ ગોળજીને મળી પોતાની ભુલ અંગે માફી માગી હકિકતથી વાકેફ કરતા રાવે કચ્છનું સૈન્ય પ્રતિકાર માટે મોકલ્યું. ત્યાં જે લડાઈ થઈ તે ઈતિહાસમાં ‘ઝારાના યુદ્ધ’ તરીકે પ્રખ્યાત છે.

કચ્છી સૈન્યએ જોરદાર મુકાબલો કરી મચક નહી આપતા ગુલામશાહે પાછા વળવું હિતાવહ સમજયું અને તેણે છાવણી સંકેલી સિંધ તરફ પુનઃ પ્રયાણ કર્યું. કચ્છના મંદિરો તો શું એ સમયે ગુજરાતના તમામ મંદિરો પ્રજાની સમૃદ્ધિની ગાથા ગાતા હતા. મંદિરોમાં અઢળક દ્રવ્ય રહેતું છતા કયારેય ત્યાં પહેરા રહેતા નહીં કારણ કે જયાં ખુદ શકિત બીરાજમાન હોય ત્યાં માનવીનું શું ગજુ? ગુલામશાહ સૈન્ય સહિત પાછા વળતા માતાના મઢ તરફથી નિકળ્યા અને મંદિરની જાહોજલાલી જોઈ તેની દાઢ સળકી અને તર વારની અણીએ પ્રતિકાર વગર મંદિરનું દ્રવ્ય લુ ટી લઈ આગળ વધ્યો પણ આ તો માં જગદંબાનું સ્થાનક.

થોડીજ વારમાં રણમાં આંધી ઉડી અને સૈન્ય માર્ગ ભુલી ગયું. આખી સેના ભટકવા લાગી ત્યારે કોઈ સમજુ માણસે બાદશાહને કહ્યું કે આ મંદિર લુ ટયુ તેથી માં આશાપુરા કોપાયમાન થયા છે. ત્યારે બાદશાહ વિચારમાં પડી ગયો તો માતાએ પણ પોતાના સંતાનના હૃદયમાં પસ્તાવો ઉભો કર્યો જેથી રોશની ફેલાઈ જેથી કલેરાએ પોતાની ભુલની માફી માંગી માતાની શરણાગતિ માંગતા થોડી જ વારમાં આંધી શમી ગઈ અને બાદશાહ માતાના મઢે પરત ફર્યો, સઘળું દ્રવ્ય ત્યાં માતાના ચરણે મુકી દીધું અને માફી માંગી.!

આ ઘટનાની સાક્ષીરૂપે પોતાના તરફથી પિતળનો વિશાળકાય ઘંટ જેનું વજન આશરે ર૦૦ કિ.ગ્રા.છે તે પણ પોતે ભેટ ધર્યો છે તેવા લખાણ સાથે ત્યાં મુકાવ્યો. આજે તો આ ઘટનાને સદીઓ વિતી ગઈ છે, ભૂકંપ અગાઉ ઘંટ મંદિરમાં હતો ત્યાર બાદ હવે મંદિરના પ્રવેશદ્વાર પાસે છે.

કચ્‍છના જમાદાર ફતેહમામદે પણ આ મંદિરને ૪૧ વાટવાળી બે કિલો વજનની ચાંદીની ‘દીપમાળાʼ ભેટ આપી છે. માતાના મઢમાં દેશ દેવી માઁ આશાપુરાજીના મુખ્ય મંદિર ઉપરાંત હિંગલાજ માતાજી, ચાચરા ભવાની, ખટલા ભવાની, જાગોરા ભવાની, ઔરણ માતાજી, ભગવાન શિવજી, લક્ષ્મીનારાયણ, શ્રી રામ મંદિર અને અન્ય મંદિરો આવેલા છે.

માતાજીના સ્થાનકના મુખ્ય સંત ‘મહંત’ તરીકે ઓળખાય છે જેને કાપડી રાજા કહેવાય છે જે બહ્મચારી સાધુ હોય છે. રાજપૂત ચવાણ-ચૌહાણ વંશના બે ભાઇઓ મારવાડથી આ સ્થાનકે આવ્યા જેમાથી એકે બહ્મચારી રહેવાનું વ્રત સ્વીકાર્યું જેને ધાર્મિક વિધિ વિધાન કરવા નિયુક્ત કરવામાં આવ્યા જયારે બીજા ભાઈને પૂજાની તૈયારી, મંદિર સુરક્ષા સજાવટ વગેરેનું કામ સોંપવામાં આવ્યું, જેના ઉતરાધિકારી ‘ભુવા’ આજે પણ ફરજ બજાવે છે તેઓ માઁ ની ચડતર સ્વીકારવાના હકદાર થાય છે. મંદિરમાં ઉમરાની આવકનો હક પૂજારીને મળે છે તો રોકડ દાન તથા દાનપેટીમાં આવેલ રકમ જાગીરમાં જમા થાય છે.

માતાના મઢે પ્રતિવર્ષ ચૈત્રી અને અશ્વિની નવરાત્રીનું વિશેષ મહત્વ છે. રાજા બાવા નવ દિવસ ઉપવાસ રાખી સાતમની મધ્યરાત્રીએ હવન કરાવે છે અને આઠમની મુખ્ય પૂજા કચ્છનાં મહારાવશ્રી અથવા તો માજી રાજવીના કોઈ પરીવારજન દ્વારા કરાવવામા આવે છે.

સોળમી સદીની શરૂઆતમાં જામ રાવલ તે પછી કચ્છ પર કબજો જમાવનાર હમીરજીના પુત્ર ખેંગારજી(પહેલા) માઁ આશાપુરાજીના અનન્ય ભક્ત હતા. રાવશ્રી ખેંગારજીએ ભુજની સ્થાપના કરી ત્યારથી અશ્વિની નવરાત્રી દરમિયાન આ તીર્થ સ્થાને વાર્ષિક ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી. મહારાવશ્રી સ્વયં કે રાજ પરીવારના કોઈ પુરુષ ચામર લઇ સાતમાં નોરતે માતાના મઢ પધારે છે.

બીજા દિવસે પ્રાત: ચાચરા કુંડમાં સ્નાન કરી ચાચરા ભવાનીજીની પૂજા કરી ખુદ ચામર લઇને ઉપસ્થિત થઇ ભાયાત અને લોક સમૂહ સાથે જાગીરીયાઓ દ્વારા રેલાતા ઢોલ, ત્રાંસા, ડાક, શરણાઈના સુરો અને સુમધુર સ્વરે માઁ આશાપુરાજીના પ્રશસ્તિગાનની સાથે મનોહર ભક્તિમય વાતાવરણમાં મુખ્ય મંદિરે પહોંચે છે. અહીં ભુવા મહારાવશ્રીને દેવીની બન્ને બાજુએ લટકતી ચામરની વિધિ કરાવે છે. ગત ૪૫૦ વર્ષથી પણ વધારે સમયથી અષ્ટમીની પૂજા કચ્છરાજ તરફથી થાય છે.

માઁ ના જમણા ખભા પર મુકવામાં આવેલ પત્રી નામની વનસ્પતિની જુડી પ્રસાદ તરીકે સ્વીકારવા મહારાવશ્રી સેલા પછેડીને બન્ને હાથે ફેલાવીને પ્રાથના કરે છે અને આ પછેડીમાં માતાજી તરફથી પત્રી પ્રસાદ પ્રદાન થાય છે. વાજીંત્રોના નાદે લોક સમૂહ સાથે ઉજવાતો આ પ્રસંગ દૈવીય હોય છે. પૂજા-પત્રી બાદ મહારાવશ્રી ભૈરવના દર્શન કરી મુખ્ય મહંત રાજાબાવાના દર્શન મુલાકાતે પધારે છે અહીં ઊંચાં સિંહાસને રાજાબાવા મહંત બિરાજે છે અને મહારાવશ્રી નીચા આસને બેસી ભેટ-સોગાદ નજરાણા પેશ કરે છે. આ પ્રણાલી પૂર્ણ કર્યા પછી મહારાવશ્રી પોતાનાં ઉતારે પધારે છે.

વિવિધ જ્ઞાતિ-સંપ્રદાયના લોકો દેશ દેવી માઁ આશાપુરાજીની શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે અને આખા વર્ષ દરમિયાન દર્શનાર્થે આવતા જ રહે છે. અહીં યાત્રીઓ માટે શ્રી માતાના મઢ જાગીર ટ્રસ્ટ તરફથી ભોજન પ્રસાદ તેમજ રહેવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે. શ્રી આશાપુરા ભંડાર અને અતિથિગૃહ ટ્રસ્ટને મળતા અનુદાનમાંથી મંદિર સંકુલના વિશેષ વિકાસનાં કાર્યો થતાં રહે છે.

ચૈત્ર અને આસો નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો માઁ આશાપુરાજીના દર્શનાર્થે પગપાળા માતાના મઢ આવે છે. કચ્‍છ આવતા પદયાત્રીઓની આગતા-સ્‍વાગતામાં કોઈ પણ કચાશ ન રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે કચ્છી લોકો પદયાત્રા માર્ગમાં ઠેર ઠેર ઉત્‍સાહથી ‘રાહત છાવણીʼ ઊભી કરે છે. જ્યાં ચા-પાણી, નાસ્‍તા, જમણ, ઠંડા પીણાં, દવાઓ, ફળફળાદિ ઉપરાંત તબીબ અને ફિઝયોથેરાપિસ્‍ટ સુધ્ધાંની વ્‍યવસ્‍થા કરાય છે. આ કેમ્‍પો નિરંતર ચાલતા રહે છે.

આસો નવરાત્રી દરમિયાન માતાના મઢ ખાતે લાખો શ્રદ્ધાળુઓ ઊમટે છે. ગામના વથાણમાંથી છેક માતાજીના મંદિર સુધીના રસ્‍તા પર નાળિયેરનાં છોતરાં એવાં પથરાઈ જાય છે કે જાણે નાળિયેરનાં છોતરાંની જાજમ બનાવી દેવાઈ હોય.!. શ્રદ્ધાળુઓ કલાકો સુધી કતારમાં ઊભી સ્‍વયં શિસ્‍તથી ‘આશાપુરામાઁʼના દર્શન કરી ધન્‍ય બને છે.

માઁ આશાપુરાજીની મુર્તિ સન્મુખ ઉભતા જ માઁ ના અલૌકિક તેજ અને દિવ્ય સુવાસની અનુભૂતિ થવાની સાથે માઁ ની મુખાકૃતિને ઘેરતા પ્રકાશ વર્તુળના પણ દરેક શ્રદ્ધાળુ ભક્તને દર્શન થાય છે. દેશ દેવી માઁ આશાપુરાજીની અનુભૂતિ વ્યાપક અને વિવિધ સ્વરુપે ભક્તજનોને થાય છે. કયારેક રિદ્ધિ-સિદ્ધિ આપનાર શક્તિ સ્વરુપે કયાંક સમૃદ્ધિ આપનાર લક્ષ્મીજી સ્વરુપે તો કયારેક પાક અન્ન અને ધન ધાન્ય આપનાર અન્નપૂર્ણા સ્વરુપે થાય છે. આમ માઁ આશાપુરાજી સર્વે ભક્તોની આશા પૂર્ણ કરે છે.

– સાભાર સોનગરા દીપુ (અમર કથાઓ ગ્રુપ)