આશરાધર્મ : આ લઘુકથા દ્વારા સમજો કોઈને આશરો આપવાનું સુખ.

0
419

આશરાધર્મ

– માણેકલાલ પટેલ

ગામના પાદરમાં વડલા નીચે પરબ હતી.

ત્રણ માટલાં પર સફેદ કપડાં બાંધીને ચોખ્ખાઈ પણ સરસ રાખવામાં આવતી હતી.

આ પરબે બેસતાં એ કાશીમા સેવાભાવી તો હતાં જ પણ નિ:સ્વાર્થી પણ હતાં. એ ગામ તરફથી મળતા મહેનતાણા ઉપરાંત કોઈની પાસેથી પાણીનો એક પૈસો પણ ન લેતાં.

આજે છેલ્લી બસમાંથી ઉતરીને કોઈ અજાણ્યું યુવાન દંપતિ પાણી પીવા આવ્યું ત્યારે એમણે બે ગ્લાસ ભરીને આપ્યા એટલે જ્યારે એ બન્ને પાણી પીતાં હતાં ત્યારે કાશીમા એમના બોઘા મોંઢાને સહેજ ઉંચું કરી જોઈ રહ્યાં.

પાણી પીધા પછી પેલા યુવાને પૂછ્યું : ” માજી ! ગીતાપુર અહીંથી કેટલું થાય?”

“એતો દૂર છે અને હવે તો એકે બસેય નથી.”

આ સાંભળી બન્નેના ચહેરા પર ગભરાટ વ્યાપી ગયો. સાંજ પડવાની તૈયારી હતી. સાવ અજાણ્યું ગામ. યુવતીએ હિંમત એકઠી કરી હકીકત જણાવતાં કહ્યું : ” માજી ! અમે ભાગીને લગ્ન કરી લીધાં છે. અમને શોધવા ઘણા લોકો પાછળ પડ્યા છે. ગીતાપુર મોટું શહેર છે. ત્યાં પહોંચી જઈએ તો કોઈ હોટલમાં આશરો લઈ શકીએ.”

કાશીમા તો એમની વાત સાંભળી વિચારમાં પડી ગયાં. આમેય સાંજના છ તો વાગવા આવ્યા હતા. એ ઉભાં થયાં અને બોલ્યાં:- ” આ ગામમાં તમે જશો ક્યાં? વાંધો ન હોય તો મારા ઘરે ચાલો. ઝૂંપડી જેવું નાનું ઘર છે. ત્યાં રાત રોકાઈ સવારે નીકળી જજો.”

અજાણ્યાને ત્યાં રહેવું જોખમ તો હતું પણ બીજો કોઈ રસ્તો ન હોઈ એમણે નછૂટકે હા પાડી.

નાના ઘરમાં કાશીમા એકલાં રહેતાં હતાં. ત્રીસેક વર્ષ પહેલાં આ ગામના લાલજી સાથે એ ભાગીને આવી ગયાં હતાં. બે વર્ષ પહેલાં લાલજી પાછો થયો એ પછી ગામના કહેવાથી એ આ પરબ સંભાળતાં હતાં અને વટેમાર્ગુઓની તરસ છીપાવતાં હતાં.

સવારે પેલાં બન્ને નીકળ્યાં ત્યારે કાશીમાના કરચલીયોવાળા બોખા ચહેરા પર આશરાધર્મ નિભાવ્યાનો સંતોષ તરવરી રહ્યો હતો.

– માણેકલાલ પટેલ