“આસ્થાના કોડીયે તેલ” – સત્ય ઘટનાની આ સ્ટોરી વાંચીને તમારી આંખો વહેવા લાગશે.

0
1389

“આસ્થાના કોડીયે તેલ” – સત્ય ઘટનાની આ સ્ટોરી વાંચીને તમારી આંખો વહેવા લાગશે.

અમદાવાદમાં એક પરિવાર રહે. પતિ-પત્ની બંને ડોક્ટર. સુધાબેન ગાયનેકોલોજીસ્ટ. શહેરમાં બંન્નેની ખ્યાતિ સેવાભાવી ને સફળ સર્જન તરીકેની હતી. એમના નર્સિંગ હોમમાં હંમેશા ભરતી જ રહેતી.

એક રાતના ડૉ. સુધા ઘેર આવ્યા ને કામકાજ આટોપી સુતા. દિવસભરની મહેનતે એમને ઘસઘસાટ ઊંઘ આપી.

રાત્રે 12:00 વાગે મોબાઇલ રણકયો ને એ જાગ્યા. આંખ ઊઘડતી નો’તી તો’ય નંબર જોયો, તો પોતાના નર્સિંગ હોમનો હતો. “ડૉ. મેડમ આપ જલ્દી આવો. એક દર્દીને પેટમાં ભયાનક દુઃખાવો ઉપડ્યો છે. મોડું ના કરતા.”

સુધાબેન ઊઠ્યા. ઘરમાં આજે પતિ પણ ન હતા. ઘોડીયામાં સૂતેલી દિકરીને જોઈ એકવાર થયું કે હું જઈશ ને આ જાગશે તો એને દૂધ કોણ પીવડાવશે? ન જવું તો શું બગડી જવાનું છે? પણ…. પાછો તુરંત પીડાતી સ્ત્રીનો વિચાર આવ્યોને ડૉક્ટરે તુરંત એક બોટલ દૂઘ ભરીને ઘોડીયામાં મૂકી દીધી. પણ.. માતૃત્વ પગને ઉપડવા નો’તા દેતા ત્યાં જ ફરી ફોન આવ્યો, ‘જલ્દી આવો. દર્દીની સ્થિતિ ગંભીર છે મેડમ.’

સુધાબેને એકવાર દિકરીને માથે હાથ ફેરવીને ફટાફટ નીચે ઉતરી ગાડી દોડાવી.

નર્સિંગ હોમમાં આવીને જોયું તો બાઈ જીવનમ રણવચ્ચે ઝોલા ખાઈ રહી છે. બીજી જ મિનિટે સુધાબેનનો જાદુઈ હાથ કામે લાગી ગયો ને.. ત્રણેક કલાકના સફળ ઓપરેશને બાઈને બચાવી લીધી.

બાઈનો પીડામાંથી છૂટકારો થયો ને સ્વજનોએ ઉભરાતી આંખે ગળગળા સાદે સુધાબેનનો ખૂબખૂબ આભાર માન્યો, “અમારી પુત્રવધૂને પૌત્રીના જીવનદાતા ડોક્ટર મેડમ! ભગવાન તમારું ભલું કરશે.”

ડૉક્ટરે સ્મિત કરીને નર્સને બોલાવીને આપી જરુરી સૂચના આપી, ગાડી ઝડપ થી ઘર તરફ દોડાવી. ગાડી કરતાં પહેલા એમનું દિલ દિકરી પાસે દોડી ગયું હતું.

સુધાબેન બંગલે આવી સીધા જ ઘોડીયા પાસે દોડી ગયા. ઘોડીયામાં બાળકી નિરાંતે પોઢી હતી. સુધાબેનનો જીવ હેઠો બેઠો.

પણ ત્યાં જ જોયું તો બાજુમાં ખુલ્લી બેગ પડી હતી, કપડા વેરાયેલા હતા, તિજોરી તૂટેલી હતી. એક પોટલું બાંધેલુ પડ્યું હતું. ડૉક્ટરે તુરંત પોટલું ખોલ્યું, તો એ દાગીનાની પોટલી હતી.

સુધાબેન હેબતાઈ ગયા. ગભરાતા પગલે એ સૂતેલી દિકરી પાસે દોડ્યા. એને હેમખેમ જોઈ જીવમાં જીવ આવ્યો.

ત્યાં જ સુધાબેનની નજર દૂધની બોટલ પર પડી. દૂધ ઘણુંખરું ખાલી હતું. સુધાબેનને થયું, “આ શું? ચોર ચોરી કરવા આવ્યો ને કશું જ લીધા વગર ચાલ્યો ગયો!!” ત્યાં જ દિકરીની બાજુમાં એક ચિઠ્ઠી જોઈ.

ડૉક્ટરે ચિઠ્ઠી ખોલી. એમાં બે-પાંચ વાક્યો લખેલા હતા, “હું આવ્યો’તો ચોરી કરવા પણ.. ઘોડીયામાં સૂતેલી ઢીંગલી રડતી હતી એટલે મેં બોટલમાંથી દૂધ પીવડાવ્યું. દાગીના ને સામાન બાંધ્યા પછી મને અચાનક મારી દુનિયા છોડી ગયેલી દિકરીની યાદ આવી ને મારા મને કહ્યું, અરે અભાગ્યા જીવ, આ જીવતી દિકરીને દૂધ પીવડાવ્યું પછી હવે દિકરીને ઘેર ચોરી કરાય? ને મારું મગજ સુન્ન થઈ ગયું ને હું ચોરી ના કરી શક્યો. બસ! દિકરીને મારા વતી વહાલ કરજો.”

ને.. આટલું વાંચતા તો સુધાબેનની આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા. થોડીકવાર સુધી શહેરના પ્રખ્યાત સ્ત્રી-તજજ્ઞ ડોક્ટર સુધાબેન સ્તબ્ધ થઇ ગયા ને પોતાની જગ્યાએથી હલી જ ન શક્યા. એમણે ઉભરાતી આંખે, બે હાથે, ઘોડીયા પાસે જઈ દિકરીને ઊંચકી ને બોલ્યા, “પ્રભુ! કો’કની દિકરીને મેં અડધી રાતે બચાવી, તો તમે ચડતી સવારે મારી દિકરીને બચાવી લીધી!

પ્રભુ! એકવાર તો મારા મનમાં નર્સિંગ હોમ જવાની રાત્રે તડજોડ થઈ છતાં અડધી રાતે દોડીને ઓપરેશન કર્યું ને મા-દિકરીને બચાવ્યા. ને એ જ સમયે મારા ઘરમાં ચોરી? પણ.. God is Great! પ્રભુ! તમે મહાન છો. મેં તો કોઈકની દિકરીને બચાવી પણ પ્રભુ! તમે તો મારું ધન ને દિકરીનું જીવન ને આખું ઘર બચાવ્યું. પ્રભુ! તમે તો વ્યાજ સાથે બદલો આપો છો!”

ને.. સુધાબેન ભાવાવેશમાં ઇશ્વરના ફોટા સામે, કર જોડી ઘૂંટણીયે પડી ગયા, “તારી દયાનો નહિ પાર, તે તો વિસાર્યા મારા દોષને!!”

કોઈ ભલાઈનું કામ આવે ત્યારે પાછા ના પડીએ, યાદ રહે, ભલું કરનારનું ભલું થાય જ!*

– અજ્ઞાત (પ્રાપ્તિસ્થાન વોટ્સએપ)

(સાભાર હસમુખ ગોહિલ, અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે)