“આવું બધું એને પચે નહિ” – ભોજનમાં ભેદભાવની આ લઘુકથા આપણને ઘણું શીખવાડી જાય છે.

0
793

લઘુકથા – પડઘો :

– માણેકલાલ પટેલ.

દેવીલા દરરોજ એના પૌત્રની આંગળી પકડી મંગાને ખાવાનું આપવા જતી હતી.

મંગો એમનો સાથી હતો. એ બાજુના ઘરની ખાલી ઓસરીમાં બેસીને ખાતો હતો.

આજે મંગાને ખાવાનું આપી દેવીલાએ ઘરમાં બધાંને પીરસ્યું ત્યારે પૌત્ર કરણે બાલ સહજ સ્વભાવથી પૂછ્યું :-

“દાદી ! તમે મંગાકાકાને તો રોટલો, શાક અને છાશ જ આપી અને અમને બે શાક, અથાણું, પૂરી અને શિરો?”

“આવું બધું એને પચે નહિ, દિકરા !” દેવીલાએ દીવેલ પીધા જેવું મોંઢું કરીને કહ્યું.

રોજ આવું જ બનતું.

મંગા માટે અલગ અને ઘરના સભ્યો માટે અલગ જમવાનું બનતું.

નાનો કરણ આ જોતો અને દાદીની વાત સાચી માની લેતો.

વરસો વીતી ગયાં.

દાદીએ હવે ચાલી શકતાં નહોતાં.

બાજુના ઘરની ખાલી ઓસરીમાં જ એમનો ખાટલો રાખવામાં આવેલો.

એક દિવસ કરણ બહારથી આવ્યો ત્યારે એની પત્ની દાદીને ખાવાનું આપવા જતી હતી.

થાળીમાં પૂરીઓ, દૂધપાક, ભજીયાં અને અથાણું જોઈને એ ખીજાઈ ગયો :-“આવું બધું દાદીને પચે ખરું?”

– માણેકલાલ પટેલ.

(ફોટા પ્રતીકાત્મક છે)