સમુદ્ર કિનારે 58 ફૂટ ઊંચી શિવજીની આ પ્રતિમા છે ઘણી અદ્દભુત, જાણો આ મંદિરની ખાસિયત.

0
332

શિવજીની સામાન્ય મૂર્તિઓ કરતા અલગ છે આ મંદિરમાં બનાવેલી 58 ફૂટ ઊંચી મૂર્તિ, જાણો ક્યાં આવેલું છે આ મંદિર?

કેરળનું આઝીમલા શિવ મંદિર (Aazhimala Siva Temple) સમુદ્રના કિનારે આવેલું છે. આ મંદિરમાં ભગવાન શિવની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જે 58 ફૂટ ઊંચી છે. સમુદ્ર કિનારે હોવાને કારણે ભગવાન શિવની આ મૂર્તિને બનાવવા માટે સિમેન્ટ અને વિશેષ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી ખારા પાણીને કારણે તેને કોઈ નુકસાન ન પહોંચે. આ મંદિર શ્રદ્ધાળુઓને ઘણું આકર્ષિત કરે છે, એટલા માટે લોકો દૂર-દૂરથી ભગવાન શિવની વિશાળ પ્રતિમાને જોવા માટે આવે છે.

ખાસ વાત એ છે કે, શિવજીની આ મૂર્તિ અન્ય મૂર્તિઓથી ઘણી અલગ છે. આઝીમલા શિવ મંદિર તિરુવનંતપુરમ જિલ્લામાં વિજિનજમ પૂર્વ માર્ગ પર આવેલું છે. થંપનૂરથી 20 કિલોમીટર અને કોવલમથી 7 કિલોમીટર દૂર આવેલું છે. મંદિરમાં આવ્યા પછી લોકો શિવજીની વિશાળ પ્રતિમાને પોતાના મોબાઈલ ફોનમાં કેપ્ચર કરવાનું નથી ભૂલતા. એટલું જ નહિ આસપાસ રહેલા પ્રાકૃતિક નજારા લોકોનું દિલ જીતી લે છે.

ભગવાન શિવની આ વિશાળ મૂર્તિનું નિર્માણ :

આઝીમલા શિવ મંદિરમાં ભગવાન શિવની મૂર્તિનું નિર્માણ કરવાવાળા દેવદાથન 29 વર્ષના છે. જોકે તેમણે આ મૂર્તિનું નિર્માણ 22 વર્ષની ઉંમરમાં કરાવવાનું શરૂ કરી દીધું હતું. મીડિયાને આપવામાં આવેલી જાણકારી અનુસાર તેને બનાવતા પહેલા તેમણે ઘણું રિસર્ચ કર્યું હતું, ત્યારે જઈને તે બનીને તૈયાર થઈ છે.

તેને બનાવવામાં લગભગ 6 વર્ષ લાગી ગયા હતા, ત્યારબાદ ભક્તો માટે તેના દર્શન ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા. તેમજ જે મંદિરમાં શિવજીની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે તે 3500 સ્કેવર ફૂટમાં ફેલાયેલું છે. ભગવાન શિવની આ મૂર્તિને ગંગાધરેશ્વર નામ આપવામાં આવ્યું છે. તેની નજીક જ મેડિટેશન હોલ પણ બનાવવામાં આવ્યો છે. આ મૃતિની મુદ્રા પારંપરિક શિવ મૂર્તિઓ કરતા અલગ છે.

આ મંદિર સુધી પહોંચવા માટે ઘણા સાધન છે :

આઝીમલા શિવ મંદિર સુધી પહોંચવા માટે ટેક્સી અને બસ બંને જ ઉપલબ્ધ છે. જો તમે તિરુવનંતપુરમમાં રાજાઓ ગાળવા જઈ રહ્યા છો, તો આઝીમલા શિવ મંદિરના દર્શન કરવાનું ભૂલશો નહિ. શિવ મંદિર શિવાય અહીં ઘણા એવા મંદિર છે જે પ્રાચીન હોવાની સાથે સાથે પોતાની અનોખી સુંદરતા માટે પ્રખ્યાત છે. આ મંદિર પોતાની જટિલ અને સુંદર ડિઝાઇનને કારણે વધારે પ્રસિદ્ધ છે.

સમુદ્ર કિનારે આવેલું હોવાને કારણે આ મંદિરની આસપાસ ઘણા બધી ટેકરીઓ છે. આ કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અહીં લોકોની મોટી ભીડ જોવા મળે છે. આ મંદિર સવારે 5:30 થી 9:00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને સાંજે 4:30 થી 8:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

મંદિરમાં થાય છે વાર્ષિક ઉત્સવ :

આ મંદિરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીના સમયે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં હજારો ભક્તો ‘નારંગા વિલાકકુ’ ની રજુઆત કરે છે. નારંગા વિલાકકુમાં લોકો લીંબુ પર તેલનો દીવો પ્રગટાવે છે. સમુદ્રના કિનારે સેંકડો શ્રદ્ધાળુઓ તેલનો દીવો પ્રગટાવે છે. તે સમયે આખી રાત ઝળહળતા દીવાનો અદ્દભુત અને રમણીય નજારો જોવા મળે છે. સમુદ્ર કિનારે હોવાને કારણે આ ઉત્સવની રોનક બમણી થઈ જાય છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.