સાવ નવું લાગે એવું એક જૂનું શહેર “ધોળાવીરા”, જાણો ભારતની પ્રાચીન સંસ્કૃતિની અજાણી વાતો.

0
1270

જૂના શહેરો અને સભ્યતાઓ પાસે જાઓ એટલે આપણા મૂળિયાં પાસે ગયા હોય એવું લાગે. હમણાં ધોળાવીરાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી ત્યારે ધોળાવીરા જવાની તક મળી. હડપ્પન સભ્યતાનું મહાનગર. કદાચ આજે મુંબઈ કે ચેન્નઈનું જેવું મહત્ત્વ હશે એવું મહત્ત્વ ધોળાવીરાનું એ સમયમાં હડપ્પન લોકો માટે હશે. આની પહેલા લોથલ ઘણી વખત ગયેલો. આશરે 3-4 હજાર વર્ષો પહેલા ત્યાં વહાણો આવતા હશે એ વિચારીને રોમાંચિત થઇ જવાતું.

ધોળાવીરા પણ દરિયા કાંઠે હતું. રણ તો પછી બન્યું. એમનો વેપાર મેસોપોટેમિયા (આધુનિક ઈરાક) અને દિલમુન (આધુનિક બહેરીન) સાથે ચાલતો. સંયોગવશાત બહેરીન જવાનો પણ અવસર મળ્યો છે. બહેરીનના દરિયા કિનારે ઊભા ઊભા લોથલ બંદરેથી આવતા વહાણો કેવા લાગતા હશે તેની કલ્પના કરેલી. ઇતિહાસ બહુ રોમાંચક વિષય છે, ટપકાં જોડીને ચિત્ર બનાવવા જેવો કે જીગ સો પઝલ સોલ્વ કરવા જેવો.

ધોલાવીરાની વાત કરીએ. કચ્છના ખડીર બેટ પર આ શહેર વસ્યું હતું. આજે પણ નાનું ગામ છે. કોટડા ટીમ્બા તરીકે ઓળખાતું. ગુગલ મેપના સેટેલાઈટ મોડમાં ધોળાવીરાનું લોકેશન નાખશો એટલે રાપર થઈને રસ્તો નીકળશે. લગભગ 9 કિલોમીટર જેટલો રસ્તો તો રણની વચ્ચેથી નીકળે છે. બંને બાજુ ક્ષિતિજ. વચ્ચે ધમની જેવો રસ્તો. આપણા આધુનિક શહેરો અને જૂની સંસ્કૃતિ વચ્ચેના ખાલીપા જેવો. અંદર જીવાયેલા અમદાવાદ-મુંબઈ-દિલ્હી ક્યાંક છુટતા જાય અને પેલું જૂનું નગર ખારી હવાઓમાં થઈને નસોમાં ઘૂસવા લાગે.

રસ્તામાં વિચાર તો આવે કે આટલે દૂર એ વખતના લોકોએ શહેર બનાવવાનું કેમ વિચાર્યું હશે? ધોળાવીરામાં પહેલો પથ્થર કોણે નાખ્યો હશે? કળશિયો મૂકીને કોણે આ વેરાન જગ્યામાં નગર પ્રવેશ કર્યો હશે?

હડપ્પા સભ્યતા સુમેરીયા, મેસોપોટેમિયા અને ઇજિપ્તની સમકાલીન છે. વિસ્તારમાં સૌથી મોટી. ચારે દિશાઓમાં કુલ મળીને દસ લાખ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલી. શરૂઆતમાં સિંધુ ખીણની સભ્યતા કહેવાતી પણ સિંધુ સિવાય પણ અન્ય નદીઓના કાંઠે આ સભ્યતાના અવશેષ મળ્યા છે.

સૌથી પહેલા હડપ્પા શહેર શોધાયું એટલે એટલે હડપ્પા સભ્યતા શબ્દ પર વિદ્વાનો મહોર લગાવે છે. એ કાળમાં યમુના અને સતલજ વચ્ચે એક મોટી નદી વહેતી હતી. હડપ્પા પછીના લગભગ એક સહસ્ત્રાબ્દી બાદના ઋગવેદિક કાળમાં તેની નોંધ ઋગ્વેદમાં સંભવતઃ સરસ્વતી તરીકે થઈ છે. ઋગ્વેદમાં કાબુલ નદી અને ખૈબર પખ્તુન્વાલા પાસેની સ્વાત નદીનો પણ ઉલ્લેખ છે.

આજે ગુજરાતમાં હડપ્પા કાલીન નાની મોટી ઘણી સાઈટ મળી આવી છે. ધોળવીરા એ હડપ્પા સભ્યતાના પાંચ મહાનગરોમાંનું એક મહાનગર હતું. મોહેંજોદડો, હડપ્પા વગેરે માટીની ઈંટોથી બનેલા છે જયારે ધોળાવીરા પથ્થરોથી બનેલું છે. પીળા તરાશી શકાય એવા રેતાળ પથ્થરો કે યેલો સેન્ડ સ્ટોનથી નગર બન્યું છે. આ ભારેખમ પથ્થરો તોડીને કેવી રીતે ટ્રાન્સપોર્ટ કરતા હશે તે અચરજનો વિષય છે. એ તો ઠીક હજારો કિમી દૂર આ જ પથ્થરો મોંહેજોદડોમાં પણ મળી આવ્યા છે. જળમાર્ગો દ્વારા પરિવહન થતું હોવાનું સંભવ છે.

આખું શહેર આયોજનબદ્ધ છે. ઉત્તરમાં મનસર અને દક્ષિણમાં મનહર નામની મોસમી નદીઓનો નાનકડો પ્રવાહ છે. વરસાદ એ સમયમાં પણ ઓછો જ હતો. આ નદીઓ પર પથ્થરો વડે બંધ બાંધેલો અને પાણીના પ્રવાહને વાળીને શહેરની ફરતે આવેલી જળાશયોની શૃંખલામાં લાવતા. યાદ રાખો એ વખતે વીજળી શોધાઈ નહતી.

વીજળીની શોધને હજી સાડા ત્રણ હજારથી પણ વધુ વર્ષો લાગવાના હતા અને એટલા જ વર્ષ પેટ્રોલિયમની શોધ અને શક્તિશાળી એન્જીનની શોધને પણ લાગવાના હતા, જે લોકોએ ધોળાવીરાનો પ્લાન કર્યો એ લોકો પાણીની પ્રકૃતિ સમજતા હતા, પાણી અને ધરતીનો સંબંધ સમજતા હતા, ઢોળાવ કે સ્લોપની સમજ હતી. આપણી જેમ તેમણે કુદરતની અવહેલના કરીને શહેરો નહતા વસાવ્યા.

ટૂંકમાં ઓછા વરસાદ અને મર્યાદિત પાણી વચ્ચે રહીને ધંધો કરતા આ લોકોને આવડતું હતું. આપણા કોંક્રીટના સ્ટ્રક્ચર 30-50-70 વરસમાં જવાબ આપી દે છે પણ આ સાડા ચાર હજાર વરસ જૂનું બાંધકામ આજે પણ ઊભું છે. 2001 ના કચ્છ ભૂકંપના એપિસેન્ટરની બિલકુલ પાસે. આવા તો કેટલાય ભૂકંપો ધોળાવીરાની દીવાલોની પાશવી તાકાત આગળ ઝૂકી ગયા હશે.

પોતાના દોઢ હજાર વરસના સમયગાળામાં આ શહેર 7 વાર બન્યું અને 7 વાર તૂટ્યું છે. અહીંયા ઉચ્ચ કે શ્રીમંત લોકો માટે અલગ વિસ્તાર હતો. સામાન્ય લોકો માટે અલગ. બે સ્ટેડિયમ જેવી રચના પણ મળી છે. બળદગાડાની રેસ જેવી રમતો થતી હોવાનું અનુમાન છે. કોઈ ધાર્મિક અનુષ્ઠાનો પણ થતા હોય.

આ કાળના લોકોને લોખંડનો ખ્યાલ નથી. દુનિયામાં ક્યાંય લોખંડ શોધાયું નથી. તાંબા અને કાંસા વિશે ખ્યાલ છે. બ્રોન્ઝ એજ કે કાંસ્ય યુગ તરીકે ઓળખાતો આ સમય.

ધોળાવીરામાં સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વાત હોય તો ખોદકામ દરમ્યાન મળેલું એક સાઈન બોર્ડ. હજી હડપ્પા સભ્યતાની લિપિ ઉકેલાઈ નથી એટલે શું લખ્યું છે એ ખબર નથી પણ આ સભ્યતાનો સૌથી લાંબો અભિલેખ છે. 37 સેમી ઊંચાઈ ધરાવતા આ 10 ચિત્રાક્ષરો 3 મીટર લાંબા લાકડાના પાટીયા પર કોતરાયેલા હતા.

લાકડું તો સમયે ભૂંસી નાખ્યું પણ જીપ્સમથી લખાયેલા આ અક્ષરો સચવાઈ ગયા. હડપ્પાના સ્વર્ણકાળના આ અક્ષરો ઉત્તર તરફનાં દરવાજે હતા. કદાચ મોહેંજો-દડોથી આવતા મહેમાનોના સ્વાગત માટે? એક દિવસ આ ભાષા ઉકેલાશે તો તામ્ર કાલીન સંસ્કૃતિના કેટલાય રહસ્યો આપણી સામે ખૂલી જશે.

હડપ્પાકાલીન ભાષા આજે પણ એક રહસ્ય છે. એની લિપિ રહસ્યમય છે. 450 જેટલા અક્ષરો મળી આવ્યા છે. ચિત્ર લિપિ હોવાનું અનુમાન. આ લિપિ હજારો વર્ષો સુધી એવી ને એવી જ રહી છે, એમાં કોઈ ક્રમિક વિકાસ જોવા નથી મળ્યો. ઇજિપ્ત, સુમેરીયા, મેસોપોટેમિયામાં દ્વિભાષી લેખ મળી આવ્યા એટલે તેમની ભાષાનો કોયડો ઉકેલાઈ ગયો છે.

ઇજિપ્તમાં તો રોઝેટા સ્ટોન પર ઇજિપ્શિયન હાયરોગ્લીફ્સ સાથે ગ્રીક અને ડેમોટિક લિપિના ત્રિભાષી શિલાલેખે ઇજિપ્તની સંસ્કૃતિના ભાષાકીય રહસ્યો ખોલી આપ્યા. કમનસીબે હડપ્પા સંસ્કૃતિને હજી સુધી આવો સંયોગ નસીબ નથી થયો. ઘણા બધા લોકો ભાષા ઉકેલવાના દાવા કરે છે પણ દા’વિન્ચી કોડ જેવા કાલ્પનિક તર્કથી વિશેષ એમાં કશું નથી.

પ્રકૃતિ પૂજકો હતા. દૈવી ચિત્રો કહી શકાય તેવી મુદ્રાઓ પણ મળી છે. લિંગાકાર પથ્થર પણ પ્રાપ્ત થયા છે. આભૂષણોનો શોખ હતો. કાર્નેલિયન કહેવાતા પથ્થરોના મણકા બનતા. આ મણકા સુમેરીયા અને દિલમુન જતા. આ મણકાનું ખૂબ આકર્ષણ હતું. સુમેરીયામાં આ મણકાનો વેપાર કરતા લોકો માટે મેલુહા શબ્દ વાપર્યો છે. હાલના સંશોધન મુજબ ત્યારે કાર્નેલિયન માત્ર ગુજરાત વિસ્તારમાં જ પ્રાપ્ત થતા. હડપ્પા કાળના લોકો માટે જે મેલુહા શબ્દ વપરાયો છે એ ગુજરાત પ્રદેશના લોકો માટે ખાસ પ્રયોજાયો હોય એવું સંભવ છે.

નજીકમાં આવેલું બગસરા આજે પણ જવેલરી માટે પ્રખ્યાત છે. ખમ્ભાતમાં થતી અકીકના પથ્થરોની કારીગરીમાં પણ લોથલનો વારસો છે. આજે પણ અહીંયા મૂળભૂત એ જ રીતે મણકા બને છે જે રીતે લોથલ કે ધોળાવીરામાં બનતા હતા.

જીવનના અંત સમયના રિવાજ થોડા જુદા હતા અહીંયા. અહીંયા સ્મશાન ભૂમિ મળી છે પણ એક પણ મનુષ્ય અસ્થિ કે રાખના પુરાવા નથી મળ્યા. પાછળથી મૌર્યકાળમાં જે સ્તૂપ જોવા મળ્યા એની પૂર્વગામી રચના જેવી સ્તૂપનુમા બે કબર અહીંયા જોવા મળે છે. માટીના સ્તૂપની અંદર કેન્દ્રમાં ઘરેણાં, સોનુ ઇત્યાદિ મળી આવ્યું. અંતિમ શ્વાસ પછી જીવનમાં કદાચ આસ્થા હોય. પણ અગ્નિદાહ કે દફનવિધિના પુરાવા નથી. કદાચ જળ-દાહ કે સમુદ્રમાં વહાવી દેવાનો રિવાજ હોય કે પછી આજે પારસીઓમાં જોવા મળે છે એવો કોઈ રિવાજ પણ હોઈ શકે. આ અંગે ઠોસ પુરાવા નથી.

ધોળાવીરા શહેરનું થોડું ચિત્ર કદાચ ઊભું થઇ શક્યું હશે. આજે પણ ધોળાવીરા પહોંચવું અને પહોંચીને રહેવું એટલું સરળ નથી. જે લોકોએ આ શહેર શોધી કાઢ્યું એ લોકો ધન્ય છે. 1967 માં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના જે પી જોશીને અહીં થોડા સગડ મળ્યા પણ આવત આગળ ના વધી. 1990 થી આ કામ ડો આર એસ બિષ્ટે સંભાળ્યું. 15 વરસ ખોદકામ ચાલ્યું.

મૂળ ઉત્તરાખંડનો વતની આ સરકારી માણસ 8-8 મહિના સુધી ઘરે ના જાય. રેગિસ્તાનની તપતી ગરમીમાં દિવસ રાત કામ કરે. ભૂંગામાં રહે. સાંજે આર્કિયોલોજીના વિદ્યાર્થીઓના ક્લાસ લે. હાલ ગાંધીનગરમાં રહેતા અને પાછળથી ગુજરાતના પુરાતત્ત્વ નિયામક તરીકે નિવૃત્ત થયેલા વાય.એસ.રાવત પણ દોઢ દાયકા સુધી ત્યાં જોતરાયેલા રહ્યા.

મોટી સંખ્યામાં મજૂરો પણ આ ખોદકામમાં પોતાનો પરસેવો પાડતા. એમાંના સવજી અને જયમલ્લ મકવાણાને ત્યાં મળવાનું થયું. બંને મજૂર તરીકે જોડાયા હતા. પણ અહીંયા કામ કરતા કરતા જીયોલોજી અને આર્કિયોલોજીનું જ્ઞાન આવી ગયું છે.

ટેક્નિકલ શબ્દો સાથે આખી સાઈટ સમજાવી. સવાલોના જવાબો પણ આપે. આમ અભણ પણ પોતાના વિષયના પાક્કા. એક મૃત શહેરે એ બંનેને નવજીવન ના આપ્યું હોય જાણે ! યુનેસ્કો માટે જે ડૉસીયર મોકલાયું તેમાં અગત્યની ભૂમિકા ભજવનારા ડો વી એન પ્રભાકરે પણ અદભુત સહયોગ આપ્યો. ડો બિષ્ટ અને ડો રાવત સાથે પણ લાંબી વાતો થઈ હતી.

આ પ્રવાસ દૂરદર્શનના સાથીદારો કૌશિક કાંઠેચા અને રામજી મેરિયા વિના શક્ય બન્યો જ ના હોત. ધોળાવીરા સિવાયનું રણ એમણે બતાવ્યું. મારા જેવા અરસિક ચેહરાની સરસ ફોટોગ્રાફી આ બંનેએ તો કરી જ એ ઉપરાંત લક્ષ્મણ અને પ્રકાશ ભાઈએ પણ યાદગાર તસવીરો આપી. સૌનો અહીં જાહેર આભાર વ્યક્ત કરું છું.

એક પ્રાચીન નગર પાસે જઈએ ત્યારે અંદર કૈક સળવળવા લાગે. જયારે વીજળી, પેટ્રોલ, એન્જીન કે લોખંડ સુદ્ધા નહોતું શોધાયું એવા કાળમાં પોતાની કોઠાસૂઝ અને પ્રાકૃતિક સમજ વડે એક વૈજ્ઞાનિક પદ્ધતિથી જીવન જીવતી હડપ્પન પ્રજા માટે માન થઈ આવે.

આજે બે કલાક લાઈટ જતી રે કે નળમાં એક દિવસ પાણી ન આવે ત્યારે આપણે બેબાકળા થઈ જઈએ છીએ ત્યારે એન્જીનીયરીંગ કોલેજોમાં ગયા વગર કે ગુગલની મદદ વિના જ ટાંચા સાધનો વડે ઉત્તમ જીવન જીવનારા ધોળાવીરાના નગરજનો આપણા માટે પ્રેરણારૂપ છે. જો આપ ત્યાં જાઓ તો આ વાત ચોક્કસ યાદ કરજો . કાળ પ્રવાહના યાત્રી થવાની આ તક ચૂકવા જેવી નથી.

– સાભાર વિક્રમસિંહ રાજપૂત (અમર કથાઓ ગ્રુપ)