અડાલજ ગામની સીમમાં વીરસંગ વાધેલાએ પત્ની રાણી રૂડીબાઈની માટે વાવનું બાંધકામ શરૂ કરાવ્યું હતું પરંતુ તે પછી તે મૃત્યુ પામ્યા. વીરસંગના મૃત્યુ પછી વાવનું બાંધકામ અટકી પડેલ.
મહમદ બેગડો રાણી રૂડીબાઈના રૂપથી અંજાઈને તેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી રૂડીબાઈએ શરત રાખી કે જો મહમદ વાવનું કામ પૂર્ણ કરાવશે તો તેની સાથે લગ્ન કરશે, કારણ કે રાણીને તેમના પતિની ઈચ્છા પૂર્ણ કરીને પ્રજા કલ્યાણનું કામ પૂર્ણ કરવું હતું. તેના પછી મહમદ બેગડાએ વાવનું નિર્માણ ઇ.સ. ૧૪૯૯માં પૂર્ણ કરાવ્યું હતું. રાણી રૂડીબાઈ ત્યારબાદ વાવનું બાંધકામ જોવા ગયા. તેમનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયેલ લાગતા તેમણે વાવમાં જંપલાવીને દુનિયા છોડી. આથી આ વાવને રૂડીબાઈની વાવ પણ કહેવામાં આવે છે.
આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા. આ વાવ ચુના પથ્થરથી નિર્મિત હિંદુ-મુસ્લિમ સ્થાપત્યકળાનો એક ઉત્કૃષ્ઠ નમુનો છે. આ વાવ પાંચ માળ ઊંડી છે. આ વાવ ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર ધરાવતી હોવાથી શાસ્ત્રો મુજબના વર્ગીકરણ પ્રમાણે જયા પ્રકારની ગણાય છે. ઉત્તર દક્ષિણ ધરી પર ગોઠવાયેલી આ વાવની કુલ લંબાઇ ૨૫૧ ફૂટ છે, જ્યારે ઉત્તર દિશામાં આવેલા કૂવાની ઊંડાઇ ૫૦ ફૂટ જેટલી છે.
પાંચ માળની આ ઇમારત જમીનમાંનાં પાણીના પ્રથમ ઝરણા સુધી બનાવવામાં આવી છે. જેના દ્વારા ગરમ અને સૂકા પ્રદેશમાં પાણીનું બાષ્પીભવન થયા વગર પાણી મળતું રહે. પાણીની અછતવાળા પ્રદેશમાં અતિ ઉપયોગી એવા આ પ્રકારનાં સ્થાપત્ય વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે. જમીનમાં ઊંડા ખોદકામથી માટી ધસી ન પડે તે માટે પથ્થરની દીવાલ ચણવામાં આવી છે, જેને સિમેન્ટ કે સળિયા વગર માત્ર પથ્થરના જ થાંભલા વડે ટેકવવામાં આવી છે.
પાંચસો વર્ષ પહેલાં બંધાયેલી આ ઇમારત ધરતીકંપ, પૂર જેવી કુદરતી હોનારતો સામે અડીખમ ઉભી રહી તેના બાધકામના ઇજનેરી કૌશલ્યનો સચોટ ખ્યાલ આપે છે. વાવમાં પગથિયાં દ્વારા ૫૦ ફૂટ ઊંડા પાણીના કૂવા સુધી પહોંચાય છે, જ્યારે પશુને પાવા માટે તથા સિંચાઇને લગતા પાણી માટે ૧૭ ફૂટ વ્યાસના ગોળ કૂવામાંથી ગરગડી દ્વારા પાણી ખેંચી શકાય તેવી વ્યવસ્થા છે. પગથિયાનાં કૂવાની ફરતે ગેલેરી સ્વરૂપે પથ્થરના ચોતરાઓ અને બેઠકો વિસામા માટે રચવામાં આવી છે.
શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરૂં મહત્ત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવી છે. ઇજનેરી કૌશલ્ય ઉપરાંત આધ્યાત્મિક ભાવ ઉપજાવતી આ વાવ પર માતાજીનું સ્થાનક સ્થાપિત છે. જેમાં પૃથ્વીના ગર્ભમાં જવાના ભાવરૂપે વાવનાં ગોખમાંની માતાજી, ત્રિશૂળ, વાઘ, ગાગર વગેરે અને છેક છેવાડેના કૂવાની દીવાલ પરનું ગણેશજીનું શિલ્પ દેખાય છે, જે પવિત્ર યાત્રાનો શુભારંભ સૂચવે છે. આવી આધ્યાત્મિક ભાવના સાથે કેટલાય કુટુંબમાં નવ દંપતિને ફળદ્રુપતાના આશીર્વાદ લેવા વાવમાં દર્શન અર્થે લાવવામાં આવે છે.
-સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)