ભાભીને ઠપકો અપાવવા નણંદ શાકમાં વધુ મરચું મીઠું નાખી દેતી, પછી સમજદાર વહુએ કર્યું એવું કામ કે…

0
27735

“સમજદાર વહુ”

ઉફ્ફ આ દાળ છે કે ફક્ત મીઠું છે… મોહન ભાઈ જુઓ, આજે સુધા ભાભીએ ફરીથી જમવામાં વધુ મીઠું નાખી દીધું. રાનીએ ફરિયાદી લહેકામાં પોતાના મોહન ભાઈને કહ્યું. ફેક્ટરીથી ઘરે જમવા માટે આવેલા મોહને જેવો પહેલો કોળિયો શાકનો ખાધો કે તે પણ ગુસ્સામાં બોલ્યો, સુધા આ શું છે? ધ્યાન ક્યાં રહે છે તારું, શાકમાં આટલું બધું મીઠું…

ચોક્કસ તું મોબાઈલમાં રચીપચી રહેલી હોઈશ, એટલા માટે લાગે છે કે ખાવામાં બે વાર મીઠું નાખી દીધું છે. મોહનની મમ્મીએ પણ મોઢું મચકોળીને કહ્યું.

સુધા રસોડામાં રોટલી બનાવતી વખતે બધું સાંભળી રહી હતી, અને તેને ખરાબ લાગ્યું કારણ કે તેના કારણે દરેકના ભોજનનો સ્વાદ બગડી ગયો. પછી તેણીએ તરત જ ફ્રીઝ ખોલીને દહીં કાઢીને ફટાફટ ડુંગળી ટામેટા કાપીને, તેને વઘારીને લઈ આવી જે પનીર ભુજીયાની જેમ ઝટપટ બનીને તૈયાર થઈ ગયું હતું. અને બધાને તે પીરસતા બોલી, આજે આ ખાઓ. અને ફરી તે દોડીને રસોડામાં જઈને રોટલી બનાવવા લાગી.

તેણીને બરાબર યાદ હતું કે તેણીએ શાકમાં બધા મસાલા અને મીઠું યોગ્ય માત્રામાં નાખ્યું હતું. પછી આ અચાનક વધારે મીઠું પડી જવું…

પરંતુ આવું માત્ર આજે જ નહોતું થયું, વચ્ચે વચ્ચે કેટલીય વાર તેના દ્વારા બનાવેલ શાકમાં ક્યારેક મીઠું, ક્યારેક મરચું વધુ આવી જતું, તો ક્યારેક પાણી.

ત્યારે તેને ડાઈનીંગ ટેબલ પર બેઠેલા ઘરના બધા સભ્યોના ચહેરા યાદ આવી રહ્યા હતા, બધાના ચહેરા કાં તો ઉતારેલા હતા અથવા નારાજ હતા, પરંતુ માત્ર તેની નાની નણંદ રાની હસતી હતી. ક્યાંક આ બધા તોફાનોમાં એ તો નથી ને… પણ પુરાવા વગર તે કેવી રીતે મોહન કે પોતાના સાસુ સસરાને કહી શકે, અને કોઈ પણ ભાઈ કે માતા-પિતા પોતાની બહેન કે દીકરીના તોફાનને કેવી રીતે સ્વીકારશે.

સુધા વિચારવા લાગી કે શા માટે તેની નણંદ તેની સાથે આવું કરી રહી છે, તેણે હંમેશા તેને પ્રેમ જ કર્યો છે, એક નાની બહેન એક દીકરીની જેમ… તો પછી… ક્યાંક તેના લગ્ન ના થયા એ તો કારણ નથીને.

તે ભણતી હતી ત્યારે તેણે એક વાર વાંચ્યું હતું કે, જ્યારે કોઈ નિરાશ થઈ જાય અને કોઈના પર પોતાનો ગુસ્સો ઉતારી શકે નહી, ત્યારે તે આવા તોફાન કરીને અને બીજાને ઠપકો અપાવીને પોતાની જાતને સંતોષ અપાવે છે. ક્યાંક રાની દીદી પણ વારંવાર લગ્ન માટે રિજેક્ટ થવાથી હતાશા આવી રીતે મારા ઉપર કાઢી રહ્યા હોય. એક બે વાર સુધાએ પ્રયત્ન પણ કર્યો રાની સાથે આમતેમની વાતો કરીને પૂછવાનો પરંતુ રાનીએ ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી.

સુધા સમજી ગઈ હતી કે કોઈપણ પોતાની ભૂલ ક્યારેય જાતે સ્વીકારતું નથી, તો આ રાની કઈ રીતે માનશે. છેવટે તેણે એક રસ્તો વિચાર્યો અને બપોરનું જમવાનું બનાવતી વખતે જાણી જોઈને એક ખૂણામાં મોબાઈલ ફોન મૂકીને તેનું વિડિયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું, જેમાં તે રાજમાના શાકમાં કેટલું મીઠું, મરચું અને મસાલા નાખી રહી છે તે રેકોર્ડ થઈ ગયું, અને પછી શાક બનાવીને ચૂપચાપ ઢાંકીને ધાબા પર કપડાં લેવા ચાલી ગઈ.

અને પ્લાન પ્રમાણે સાચે જ તેની નણંદ ત્યાં આવી અને આમતેમ જોઈ તપાસીને ઝડપથી મુઠ્ઠો ભરીને મીઠું શાકમાં નાખીને તરત ત્યાંથી રફુચક્કર થઈ ગઈ. થોડી વાર પછી મોહન ફેક્ટરીમાંથી જમવા પાછો ઘરે આવ્યો ત્યારે સુધાએ બધાને બીજું શાક પીરસ્યું. મોહને સુધાને કહ્યું, આજે તો તે રાજમા અને ભાત બનાવવાની તૈયારી કરી હતી. તો પછી આ વટાણા બટેટા અને રોટલી કેમ?

સુધાએ મોહનને કહ્યું, હા, એ રાજમા થોડા વધારે નહી ચડ્યા, આ વખતે દુકાનદારે સારી ક્વોલિટીના ના આપ્યા, તેને જઈને બતાવીશ. તમે આજે વટાણા બટેટા ખાઈ લો. આમ વાતો કરીને મોડું શા માટે કરો છો, આજે રાની દીદીને તેમની ફ્રેન્ડ સાથે બહાર જવું છે. કેમ બરાબર છે ને દીદી.

હા ભાભી… કહીને રાનીએ પણ ચૂપચાપ ખાવાનું ખાઈ લીધું.

રાનીના ગયા પછી, સુધાએ મોહન અને પોતાના સાસુ સસરા બધાને રૂમમાં બોલાવ્યા અને કહ્યું, આ જુઓ… તમને બધાને લાગી રહ્યું હતું કે હું ભુલક્કડ થઈ ગઈ છું. મોબાઈલ ફોનમાં લાગેલી રહું છું, એટલા માટે ક્યારેક મીઠું તો ક્યારેક મરચું અને ક્યારેક પાણી શાકમાં વધુ પડી જાય છે. જુઓ, હું તો બધું બરાબર નાખું છું.

જ્યારે બધાએ વીડિયો રેકોર્ડિંગ જોયું તો બધા દંગ રહી ગયા. મોહને કહ્યું… તારે આ બધું રાનીની સામે કહેવું જોઈતું હતું, જેથી તેને બધાની સામે…

સુધાએ વાત કાપતા કહ્યું, એ જ તો હું નોહતી ઇચ્છતી. જુઓ, ભગવાનની દયાથી આજે નહીં તો કાલે રાની દીદીના લગ્ન થઈ જશે, પરંતુ ત્યાં પણ તેમણે પોતાના સાસરિયાંમાં પોતાનું આવું તોફાન અને બીજાને નીચા દેખાડવાની આદત ચાલુ રાખી તો તેમનું ત્યાં બધાને સંભાળવું મુશ્કેલ થઈ જશે, એવામાં પરિણામ એ આવશે કે તેમનો ઘર પરિવાર તૂટી જશે. મેં મારી રીતે તેમને સમજવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે કબુલ્યું નહિ.

અને પુરાવા વગર તમને કહેતે તો તમે પણ માનતે નહી, એટલા માટે મેં આ યોજના બનાવી અને મોબાઈલમાં વિડીયો રેકોર્ડીંગ શરુ કરીને પોતે ટેરેસ ઉપર ચાલી ગઈ.

પણ દીકરા, તે આ વિડીયો રેકોર્ડિંગ અમને એકલામાં કેમ બતાવ્યું? રાનીના સામે બતાવતે તો સારું રહેતે ને. બા-બાપુજી, હું નથી ઇચ્છતી કે આપણા પરિવારમાં નફરત વધે. આપણા બધામાં પ્રેમ વધે, એટલા માટે તમે જ આ વીડિયો રાની દીદીને બતાવજો અને તેમને સમજાવજો.

જ્યારે બાળકો અજાણતામાં ભૂલો કરે છે, ત્યારે વડીલો યોગ્ય રીતે પોતાના અનુભવો દ્વારા સાચવી લે છે. આમ તો રાની દીદી મારી નણંદ છે, તે મારી નાની બહેન, મારી દીકરીની જેમ છે. અને કોઈપણ માં પોતાની દીકરીને નીચી નથી દેખાડતી, પરંતુ તેને એ રીતે સમજાવે છે કે જેથી તેની જિંદગી ખુશીઓથી ભરેલી રહે. બા-બાપુજી તમે બધા તેમને પ્રેમથી સમજાવશો તો એ ઝડપથી અને સારી રીતે સમજી જશે.

મોહનના માતા-પિતા આગળ વધીને સુધાને ભેટી પડ્યા અને કહ્યું, દીકરા, તારા જેવી સમજદાર વહુ ઈશ્વર દરેક કુટુંબ – પરિવારને આપે. જે પોતાના પરિવારને કેવી રીતે સાચવવો તે જાણે છે, જે ઘર તોડવામાં નહી પણ ઘર જોડવામાં રાત-દિવસ લાગેલી રહે.

ભગવાન તને દરેક પ્રકારની ખુશીઓથી ભરપૂર રાખે. એમ કહી બંનેએ સુધાના માથા પર સ્નેહભર્યા હાથ મૂક્યા. તો બીજી તરફ મોહન અને સુધા બંને ભીની આંખોને સાફ કરતા મલકાઈ રહ્યા હતા.