લઘુકથા – મુઠી મીઠું
દિવાળીમાને પેટનું દરદ વધતું જતું હતું. મોટા દવાખાને નિદાન થયું કે કેન્સર છે. એણે ચોખું કહી દીધું કે હવે મારે દવાખાને રહેવું નથી. મ રીશતો ઘરમાં જમરીશ.
ઘર ભર્યું-ભાદર્યું.. બે ભાઈનો વિસ્તાર.. ખેતી ઉપરાંત મોટા વેપાર-ધંધા.. દીકરા-દીકરીઓના સંતાનો પણ કોલેજમાં ભણે..
દીકરા-વહુઓએ નક્કી કર્યું કે બાના જીવતા-જીવત ભારે જલસો કરવો. દુરદુરના સગાઓને પણ આમંત્રણ મોકલ્યા. ગામના સંબંધીઓને પણ યાદ કરી-કરીને નોતરાં દીધાં..
બપોરે-સાંજે બેવાર જમણ.. રાત્રે રાસ..
રાસ પુરા થવા ટાણે દીકરા-વહુએ નોટોના થોકડા હાથમાં દીધા…
” બા.. તમારાથી દેવાય.. એટલા દ્યો… ”
એણે છુટા હાથે લાણી કરી.. વાસણવાળી બાઈઓને પણ રાજી કરી દીઘી..
વહુએ પુછ્યું ” બા .. હવે કાંઈ? ”
” હા.. મારે સવિતાને કંઈક કહેવું છે.. ”
દેરાણી સવિતા તરત આવી ઉભી..
એ બોલ્યા “પરણીને આવ્યા પછી તું જ રસોઈ કરતી.. તારી હથરોટીના બધા ખુબ વખાણ કરતાં.. મને અદેખાઈ થાતી.. કાન્તાબેનના સગપણ વખતે જાજા મહેમાન હતા, તોય તેં જાતે રાંધ્યું.. શાક બહુ ખારું થઈ ગયું.. તેં માની લીધું કે ભુલથી બેવાર મીઠું નંખાઈ ગયું હશે.. તને ઠપકો મળ્યો.. તું ખુબ રોઈ.. ખાધું પણ નહીં.. ને હું મનમાં રાજી થઈ..
અદેખાઈની મા રી.. તારી ફજેતી કરવા.. મુઠીભર મીઠું.. મેંં છાનામાના નાખી દીધું હતું.. આજ એની જ .. મુઠી જેવડી ગાંઠ.. મારા પેટમાં થઈ છે..”
” ના.. ભાભી.. ના.. ”
સૌ સ્તબ્ધ હતાં… પણ આંખો ભીની હતી…
– જયંતીલાલ ચૌહાણ ૨૦-૯-૧૯ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતીકાત્મક છે)