“અધુરું રેખાચિત્ર” – ઈશ્વરની પ્રેરણા સમજવા અને તેનો સ્વિકાર કરવાની આ સ્ટોરી વાંચવા જેવી છે.

0
700

અધુરું રેખાચિત્ર :

ઈશ્વરે અમુક દેહ એવા ઘડ્યા હોય કે પહેલી નજરે મનને મુગ્ધ કરી નાખે.

રોહિતને પણ એવું થયું. નવી નોકરીમાં છ માસમાં બદલી થઈ. કચેરી નજીક થાય, એવા લત્તામાં રુમ ભાડે રાખ્યો. એ મકાનથી ચોથા મકાનમાં રહેતી છોકરી એના પર જાદુ કરી ગઈ. સુંદર નમણો ચહેરો, રેશમી લાંબા વાળ, ઘાટીલો દેહ, સમપ્રમાણ અંગ ઉપાંગો.

એ કચેરીએ જતી વખતે જરા આઘોપાછો થાય. છોકરીના નિકળવાની રાહ જુએ. છોકરી કંઈ કામસર નિકળે ત્યારે ત્રાંસી નજરે ખુબ નિરખે. આવું લગભગ રોજ થાય. પણ એ છોકરી રોહિતને જોઈને તરત અંદર ચાલી જાય.

રોહિતે એના ઘર પર નામ વાંચ્યું. અટક પરથી અનુમાન થયું કે ‘એ પણ પોતાની ગ્નાતિના છે’. છતાં મકાન માલિક સાથે વાત વાતમાં પુછીને ખાત્રી કરી લીધી.

એણે પરિચય વધારવા મકાન માલિક મારફત કહેવડાવ્યું કે ‘આપણે એક ગ્નાતિના છીએ.’ પણ સામેથી કંઈ વિશેષ પ્રતિભાવ ન આવ્યો.

દિવાળીનો તહેવાર હતો. છોકરી એના આંગણામાં રંગોળી બનાવી રહી હતી. એની મમ્મી પાસે બેઠી હતી. કલાત્મક રંગોળી બની રહી હતી. રોહિત જોવાના બહાને ઉભો રહી ગયો.

“ખુબ સરસ રંગોળી બને છે. માસી, ફોટો લઈ લઉં.”

“લઈ લો ને.. મારી મીતા કલાકાર છે. રોજ નવીન રંગોળી પુરશે.”

રોહિતે મીતાનો ચહેરો પણ આવી જાય તેવા ઘણા ફોટા લીધા.

રોહિતે વતનમાં જઈને ઘરમાં ફોટા બતાવ્યા અને પ્રાથમિક વિગતો આપી.

પપ્પાએ કહ્યું.. “છોકરી તો ખુબ સુંદર છે. અજાણ્યો વિસ્તાર છે, પણ આપણી ગ્નતિના છે. તને ગમતી હોય તો પુછાવી જોજે.”

રોહિતે મકાન માલિકને પુછાણ કરવા કહ્યું. એ રાતે મીતાના વડિલો મળવા આવ્યા. સામાન્ય માહિતિની પુછપરછ થઈ. પછી એણે ચોખવટ કરી.

“જુઓ, મીતા જન્મથી બહેરી મુંગી છે. એટલે અમે તમારામાં રસ લેતા ન હતા. એ ખુબ સારી ચિત્રકાર છે. એક કાપડ છપાઈની કંપની સાથે કરારમાં કામ કરે છે. ડ્રેસ અને સાડીની ડીઝાઈન તૈયાર કરીને મોકલે છે. સારું કમાઈ લે છે. તમે અને તમારા વડિલો ગંભીરતાથી વિચાર કરી જોજો.”

એના ગયા પછી રોહિતે મકાન માલિક પાસેથી જાણ્યું કે.. ‘આ ખોટ સિવાય, બીજી બધી રીતે છોકરી સારી છે.’

એ રાતે મોડે સુધી વિચારતો રહ્યો. અંતે નિર્ણય કર્યો કે ‘જે પહેલી નજરમાં ગમી, એ ઈશ્વરની પ્રેરણા સમજવી. અને સ્વિકાર કરવો.’

ફોન પર મીતા વિશે નવી જાણકારીની વાત ઘરનાને કરી અને ‘એ બહેરી મુંગી હોવા છતાં ગમે છે.’ તેમ જણાવ્યું.

મમ્મીએ કહ્યુ ”દિકરા, જેમાં તું રાજી એમાં અમે પણ રાજી.”

રોહિતના વડિલો જોવા આવ્યા. બન્ને પક્ષે સહમતિ થઈ. રુપિયો નાળિયેર અપાઈ ગયા. ચાર મહિના બાદની તારીખ લગ્ન માટે નક્કી પણ થઈ ગઈ.

સંબંધ થયા પછીનો પહેલો દિવસ હતો. રોહિત નાહી ધોઈ તૈયાર થયો. ત્યાં મીતા ચા નાસ્તો લઈને આવી. ઈશારાથી સમજાવ્યું કે “હવેથી બહાર ખાવાનું બંધ. જમવાનું પણ હું લાવીશ અને ધોવાના કપડા લઈ જઈશ.”

એણે રોહિતને એક અધુરું રેખાચિત્ર બતાવ્યું. જેમાં કુદરતી સૌંદર્ય વચ્ચે ઘાસના મેદાનમાં મીતા એક યુવકના ખોળામાં માંથુ રાખીને સુતી છે. પણ યુવકના ચહેરાની જગ્યા ખાલી છે.

એણે સામે બેસીને રોહિતનું મોં સરખું ગોઠવ્યું. એની આંખો રોહિતના ચહેરાને નિરખતી હતી. હાથ અધુરા રેખાચિત્ર પર પેન્સીલ ફેરવતો હતો. અને થોડી મીનીટોમાં. ખાલી જગ્યાએ રોહિતનો આબેહૂબ ચહેરો ચિતરાઈ ગયો.

બન્ને ખુબ હસ્યા.

મમ્મીએ દાદીને ફરિયાદ કરી. “મીતા આમ રોજ ખવડાવવા જાય એ સારું નથી લાગતું. લોકો ટીકા કરશે.”

દાદી બોલ્યા.. “તું તારી યુવાની ભૂલી ગઈ? તું કોઈદી એકલી ખાવા બેસતી? એ બેય ખુબ રાજી છે. મજા કરવા દે ને.. ચાર માસ હમણાં પુરા થઈ જશે.”

– જયંતીલાલ ચૌહાણ ૧૬- ૯- ૨૧