માત્ર 16 વર્ષનું આયુષ્ય ધરાવનાર આદિ શંકરાચાર્યને વધારે આયુષ્ય કેવી રીતે મળ્યું? જાણો તેમની અજાણી વાતો.
શ્રીમદ આદિ શંકરાચાર્ય ઉચ્ચ કક્ષાના બ્રહ્મનિષ્ઠ સંત હતા. એક દિવસ તેઓ ઉત્તરકાશીમાં તેમના શિષ્યોને ‘બ્રહ્મસૂત્ર-ભાષ્ય’ (શારીરિક સૂત્ર ભાષ્ય) ભણાવી રહ્યા હતા. ત્યારે જ એક વૃદ્ધ બ્રાહ્મણ ત્યાં આવ્યા. તેમણે સેવકોને પૂછ્યું, “અહીં કઈ પ્રવૃત્તિ થાય છે?”
સેવકે કહ્યું, “આ અમારા ગુરુજી ભગવાન શંકરાચાર્યનો આશ્રમ છે. અહીં અમારા ગુરુજી અમને ‘બ્રહ્મસૂત્ર’ ભણાવે છે. તેનો અર્થ સમજાવે છે અને વ્યાખ્યા કરે છે.”
બ્રાહ્મણે કહ્યું, “કળિયુગમાં બ્રહ્મસૂત્ર! તેની વ્યાખ્યા કરે છે? તેનો અર્થ સમજાવે છે?”
સેવક બોલ્યો, “હા.”
પછી બ્રાહ્મણે કહ્યું, “સારું! તમારા ગુરુજી મને પણ થોડું સમજાવશે તો મને ખૂબ આનંદ થશે.”
સેવકે કહ્યું, “તો આવો અમારી સાથે.”
તે બ્રાહ્મણ વેશધારી પુરુષ શંકરાચાર્યજી પાસે ગયા અને કહ્યું, “મને બ્રહ્મસૂત્રના વિષયમાં કેટલીક શંકાઓ છે, તમે તેનું નિરાકરણ કરો.”
શંકરાચાર્યજીએ કહ્યું, “બ્રાહ્મણદેવ પૂછો.”
બ્રાહ્મણે પૂછ્યું, “સારું, મને કહો કે ત્રીજા અધ્યાયના પ્રથમ પાદના પ્રથમ સૂત્રનો અર્થ શું છે?”
શંકરાચાર્યજીએ એ સૂત્રની શ્રેષ્ઠ સમજૂતી આપી. એ જવાબમાંથી બીજો પ્રશ્ન ઉઠ્યો અને બ્રાહ્મણે પ્રશ્ન પૂછ્યો. આચાર્યએ તરત જ તેનો યોગ્ય જવાબ આપ્યો.
બ્રાહ્મણે ફરી પ્રશ્ન ઉઠાવ્યો. આચાર્યએ તેનો પણ જવાબ આપ્યો. બ્રાહ્મણ એક પછી એક પ્રશ્ન પૂછી રહ્યા હતા અને શંકરાચાર્યજી તેનો જવાબ આપી રહ્યા હતા.
આ સવાલ-જવાબ સાત દિવસ સુધી ચાલ્યા અને બ્રાહ્મણ સંતુષ્ટ થયા અને બોલ્યા, “તમારી પાસેથી મને બ્રહ્મસૂત્ર સંબંધિત મારા પ્રશ્નોના સાચા જવાબો મળ્યા છે. તમે બ્રહ્મસૂત્રને બરાબર સમજી લીધું છે, હું તમારાથી પ્રસન્ન થયો છું.”
તે વૃદ્ધ બ્રાહ્મણે આશીર્વાદ આપતાં પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કર્યું. શંકરાચાર્યજીએ તેમના ચરણોમાં માથું નમાવ્યું અને કહ્યું, “ભગવાન શ્રી વેદવ્યાસજી! તમે…”
વ્યાસજીએ કહ્યું, “પુત્ર! તારું આયુષ્ય સમાપ્ત થવાનું છે. તારું સોળ વર્ષનું જ આયુષ્ય છે, અને હું તારું આયુષ્ય બીજા સોળ વર્ષ વધારી દઉં છું.”
એ પછી આદિ શંકરાચાર્યનો દેહ બીજા સોળ વર્ષ સુધી રહ્યો. વૈદિક સંસ્કૃતિ માનવજાતનું કલ્યાણ કરવા સક્ષમ છે. ભગવાન વ્યાસજીએ તેનો પ્રચાર કરનાર આ મહાન આત્માનું આયુષ્ય 16 વર્ષ વધારીને માત્ર ભારત પર જ નહીં પરંતુ સમગ્ર માનવ સમાજ પર મોટો ઉપકાર કર્યો છે. તેમના દ્વારા કનકધારાસ્તોત્ર, ગુર્વષ્ટકમ, ભવાન્યષ્ટકમ જેવા અનેક સ્તોત્રની રચના કરવામાં આવી છે, જે વ્યક્તિને ભૌતિક સુખની સાથે આત્મસુખનો અનુભવ કરાવવામાં સક્ષમ છે.
ભારતમાં કેવા-કેવા બ્રહ્મવેત્તા થઈ ગયા! અને બ્રહ્મજ્ઞાનની સાથે યોગસામર્થ્ય! એ તો કોઈ વિરલામાં જ હોય છે. યોગી તો કોઈ પણ બની શકે પણ બ્રહ્મવેત્તા બનવું મુશ્કેલ છે. બ્રહ્મજ્ઞાન અને યોગસામર્થ્ય બંને હોવું, એવા પ્રસંગ તો ક્યારેક જ બને છે. ઉદાહરણ તરીકે યોગી ચાંગદેવ થઈ ગયા.
જ્યારે સો વર્ષ પૂરા થવા પર મૃત્યુનો સમય આવતો ત્યારે તેઓ યોગશક્તિથી પ્રાણને ઉપર ચડાવી લેતા, દસ દિવસની સમાધિ લગાવતા અને મૃત્યુનો સમય ટળી જતો. આમ કરીને તેમણે તેર વખત મૃત્યુ ટાળ્યું. તેઓ ચૌદસો વર્ષના હતા ત્યારે બ્રહ્મવેત્તા જ્ઞાનેશ્વર મહારાજ આલંદીમાં પ્રગટ થયા અને ચાંગદેવ જ્ઞાન પ્રાપ્ત કરવા તેમની શરણમાં ગયા.
યોગી રિદ્ધિ-સિદ્ધિ આપી શકે છે, પરંતુ આત્મસ્વરૂપનું જ્ઞાન ફક્ત આત્મવેત્તા સદગુરુ જ આપી શકે છે. કાલી માતાએ શ્રી રામકૃષ્ણ પરમહંસને કહ્યું, “અમે દેવતાઓ તમને જગતમાં કંઈપણ આપી શકીએ છીએ, પરંતુ તમને આત્મજ્ઞાન તો ફક્ત આત્મવેત્તા સદગુરુ પાસેથી જ મળશે.”
તમને આત્મજ્ઞાન પર પ્રવચનો આપનારા ગુરુઓ ઘણા મળશે, પરંતુ આત્મજ્ઞાનનો અનુભવ કરીને બોલનાર સદગુરુ મળવા મુશ્કેલ છે.
સદગુરુ માનવ જીવનના સાચા સર્જક છે. માત્ર સાચા સદગુરુમાં જ મનુષ્યમાં રહેલી આસુરી પ્રકૃતિનો નાશ કરીને તેને મહેશ્વર બનાવવાની ક્ષમતા હોય છે.
જો તમે એવા સંત-મહાપુરુષને મળો કે જે આત્મમસ્તીમાં રમણ કરતા હોય, તો તમારા અહંકારને તેમના ચરણોમાં સમર્પિત કરી દેજો. તે તમને શિવસ્વરૂપમાં વિશ્રાંતિ અપાવશે. તેઓ તમને શાશ્વત, સનાતન સત્યનો સાક્ષાત્કાર કરાવશે, જે તમારા જીવનનું વાસ્તવિક લક્ષ્ય છે.
– ઋષિ પ્રસાદથી સાભાર.