દીકરીના જન્મ પછી પુરુષમાં કેવા પરિવર્તન આવે છે એ જણાવતો આ હૃદયસ્પર્શી લેખ અચૂક વાંચજો.

0
1212

“પરીવર્તન”

– પંકજ પટેલ.

(પ્રજાપતિ રઘુ આરકે એ ગ્રુપમાં શેર કરેલી પોસ્ટ.)

લગ્નબાદ અને પિતા બન્યા બાદ એક પુરુષમાં આવતા પરીવર્તન વિશે આજે હું જણાવી રહ્યો છું. આ માત્ર મારી વાત છે બધાને લાગુ પડે એવું જરૂરી નથી.

2008 સુધી મારી જિંદગી એકદમ બિન્દાસ મસ્તમૌલા જેવી હતી. ના કોઈ રોક ટોક કે ના કોઈ જવાબદારી ની ચિંતા. પણ જયારે 2009 માં મારાં લગ્ન થયાં ત્યારબાદ મારાંમાં થોડું પરીવર્તન આવ્યું. જેમ કે સવારે સમય મુજબ જાગી જવાનુ, સમયસર ઘરે પહોંચવું, ઘરની રહેણીકરણી આ બધી બાબતોમાં જાણે કે યુ યુટર્ન આવી ગયો.

આ બધું માત્ર એકવર્ષ સુધી તો ઠીકઠાક ચાલ્યું. ત્યારબાદ જેમ નાની નાની બાબતોમાં થતા પતિ પત્ની વચ્ચેના ઝગડા, પુરુષ અહમના લીધે કોઈ પણ વાંક વગર પત્નીને ટોકવાની આદત, ક્યારેક ક્યારેક મીઠાં ઝગડા જેમ લગ્નજીવનમાં ચાલતું હોય એ બધું મારાં જીવન સાથે બનતું રહ્યું.

એવામાં 2011 માં એક દીકરી જન્મ થયો. સ્ત્રીઓને માતા બનવાનો જેટલો આનંદ હોય છે એટલો જ આનંદ એક પુરુષને પિતા બનવાનો હોય છે. બસ પુરુષ સ્ત્રીઓ જેટલી અભિવ્યક્તિ નથી કરી શકતા.

દીકરીના જન્મ બાદ બહાર કેટલું પણ કામ હોય તેમ છતાં જલ્દી ઘરે પહોંચવાની તાલાવેલી કંઈક અલગ જ છે. વારે ઘડીયે કામ વગર પત્નીને કોલ કરીને દીકરી વિશે માહિતી મેળવતો રહેતો. જયારે એ નીંદરમાં હાસ્ય કરતી એ દિવસો અને એ ક્ષણ મને આજે પણ યાદ છે. શું અનુભુતિ હતી. ધીમે ધીમે મારી દીકરી મોટી થતી ગઈ. ચાલતા શીખી, કાલુ ઘેલું બોલતા શીખી.

એક સમયે જયારે મારાં પત્ની મને સવારે સાત વાગે પણ જગાડતા ત્યારે હું એમના પર ગુસ્સે થઇ જતો… આજે મારી દીકરી સવારે કોઈ કારણ વગર પાંચ વાગે જાગી જાય અને હું સુતો હોય તો મને કાયમ હેરાન કરે. મારી ઉપર બેસી જાય, નીંદરમાં આંખો ખોલવાનો ટ્રાય કરે, ઓઢવાનું ખેંચી લે પણ ક્યારેય કોઈ ગુસ્સો આવ્યો જ નહી. ઉપરથી આનંદ થતો.

હવે એ પણ સમજાણું કે મારા પત્ની પણ કોઈના દીકરી છે. એમના માટે પણ મને પ્રેમ અને આદર વધતા ગયા. હવે મારાં પત્ની પણ એકવાર મને જગાડે ત્યાં તરત જ હું જાગી જાઉં છું. ક્યારેક ક્યારેક જમવામાં મારાં ટેસ્ટ મુજબનું ના હોય તો હું મારાં પત્નીને કંઈક કંઈક ના કહેતો. હવે મારી દીકરી મારી સાથે જ જમેં છે, તો એની પસંદ એ જ મારી પસંદ. ત્યારબાદ મેં મારાં પત્નીને ક્યારેય જમવા બાબતે કઈ કહ્યું જ નથી.

એકવાર મને વિચાર આવ્યો કે, જયારે મારી દીકરી મોટી થશે અને સાસરે જશે ત્યારે એને પણ ઘરકામ કરવું પડશે. સવારે વહેલા જાગવું પડશે. આ બાબતો વિશે વિચાર્યાબાદ મેં મારાં પત્નીને પણ કહી દિધુ કે, બધું કામ તારી અનુકૂળતા મુજબ કરજે.

ખરેખર તો એક પુરુષ તરીકે મારે કેવું હોવું જોઈએ એ મને મારી દીકરીએ શીખવ્યું.

જયારે જયારે મારી દીકરીને જોઉં છું ત્યારે ત્યારે મારાં પત્ની માટે પણ મને માન વધતું જાય છે. અને આ બદલાવ મારાં પત્નીને પણ દેખાય છે. મારી દીકરીથી એટલો પ્રેમ છે કે એની કોઈ ભુલ મને ક્યારે દેખાતી જ નથી અને જેથી આજે મને મારી પત્ની પર દરેક રીતે પરફેક્ટ જ લાગે છે.

હકીકતમાં તો મારાં પત્ની પહેલેથી જ પરફેક્ટ હતા. બસ અહમ હતો તો માત્ર મારાંમાં. જે મારી દીકરીએ તોડી નાખ્યો.

ખરેખર એક વ્યક્તિને યોગ્ય વ્યક્તિ તો એની દીકરી જ બનાવી શકે. મારી દીકરીના જન્મ પહેલા હું મારાં પત્નીને માત્ર મારાં પત્ની તરીકે જ જોતો હતો પણ આજે હું એમને કોઈના દીકરી તરીકે પણ જોઉં છું.

દરેક મિત્રોને વિનંતી છે કે તમારા પત્નીને સમજો. કદાચ તમારા કરતા વધારે કામ અને જવાબદારીનું વહન તમારા પત્ની કરે છે.

– સાભાર પંકજ પટેલ. (પ્રજાપતિ રઘુ આરકે એ ગ્રુપમાં શેર કરેલી પોસ્ટ.)