પત્ની અને પુત્રને ખોયા પછી પણ વ્યક્તિએ જે રીતે જીવન પસાર કર્યું તે એકવાર વાંચવા જેવું છે.

0
648

એક હતો બબો……

નામ એનું બબો. જ્યારે જુઓ ત્યારે હસતો જ હોય. કોઇ પ્રસંશા કરે તો પણ હસે. કોઇ લડે કે ગા ળોદે તો પણ હસે. ગામમાં બધાને લાગે કે એનામાં અક્કલનો છાંટો ઓછો છે. એકદમ ગરીબીની ચરમસીમા કહેવાય એવી કક્ષાએ જીવતો તો ય કોઇ દિવસ મેં એના મોઢે કોઇ ફરિયાદ નથી સાંભળી. ભલે ગરીબી હતી, અક્કલ ઓછી હતી પરંતુ કામ કરવામાં ક્યારેય પાછું વળીને જુએ નહિ. સામાન્ય માણસ કરતાં અદકેરું કામ ખેચી કાઢે. બહુ ભક્તિભાવવાળો. ભજન કે કોઇ ધાર્મિક કામમાં કોઇ દિવસ ના આવ્યો હોય એવું ના બને.

બબાના બહુ નાની ઉમરમાં લગ્ન થઇ ગયેલા અને પત્ની જરા ઠરેલ મળી તો ગાડુ ગબડ્યા કરતું હતું. એની પત્નીનું નામ મંજી. લગભગ પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ એમના ઘરે એક દીકરો અવતર્યો. એ દિવસે બબાએ લગભગ ત્રણ કે ચાર દિવસની બધી જ કમાણી મીઠાઇ ખરીદવામાં વાપરી નાંખેલી. મને પણ આપવા આવેલો મીઠાઇ, હું મારા ઘરની સામે લીમડાના ઝાડ નીચે ટ્યુશન ક્લાસમાં લીધેલા ટેસ્ટના પેપર તપાસતો હતો. નજીક આવીને મને મીઠાઇ આપતાં કહે, “ મારા છોકરાને પણ તમારે ભણાવવો પડશે.”

મેં કહ્યું, “ હજી ભાઇ મોટો તો થવા દે.”

મને કહે, “મોટો થવામાં કેટલીવાર.”

મે કહ્યું, “ભલે.”

એકવાર એમના ઘરથી પાંચેક ઘરના અંતરે રહેતા વિનુભાઇના દિકરાને અને બબાના દિકરાને કોઇ નજીવી બાબતે ઝઘડો થયો. રમતાં-રમતાં બબાના છોકરાથી વિનુભાઇના છોકરાને થોડુ વા ગીગયું. વિનુભાઇની પત્ની બહુ આખાબોલી એટલે બબાને અને એની પત્નીને સંભળાય નહિ એવી ગા ળોઆપી ગઇ. બબો બધુ ચૂપચાપ સાંભળતો રહ્યો અને લગભગ અઠવાડિયા સુધી આ ગા ળોપુરાણ બબો સાંભળતો રહ્યો. અને ત્યારપછી પણ મોકો મળે ત્યારે વિનુભાઇની પત્ની ટોણોમા રવાનું ચુકતી નહિ.

મારાથી ના રહેવાયું એટલે મેં એકવાર બબાને કહ્યું, “ભાઇ, કોઇ લડે કે આપણે ગા ળોઆપતુ હોય ત્યારે સાંભળ્યા થોડુ કરાય?”

બબો બેફિકરાઇથી મને કહે, “શું કરવાનું આપડાથીમા રવા કેલ ડવા થોડા જવાય એને.. આપણાથી બધા જેવા થોડુ થવાય?”

બબો મનમોજીલો અને એની વહુ મંજી પણ બબાને બરાબર સાચવી લેતી. આ પરિવારમાં સાધનો અને સવલત ઓછી હતી. પરંતુ સંતોષ ભરપુર હતો તેથી આ ત્રણ માણસોનો સંસાર એકદમ સુખરૂપ ચાલતો હતો. પરંતુ કુદરત પણ ઘણીવાર કઠોર થઇ જતી હોય છે. એમનો દીકરો ૧૪ વર્ષનો હતો અને મંજી કોઇ ડૉકટરથી પકડાયો નહિ એવા રોગમાં સપડાઇ ગઇ. બહુ બધા દવાખાના બદલ્યાં. પરંતુ જાણે કે મંજી ફરીથી ખાટલામાંથી ન ઊભા થવાના પ્રણ લઇને પડી હતી. તે ન ઉભી થઇ તે ન જ થઇ. બે મહિનાની ટુંકી માંદગી બાદ મંજી બબાને અને એના દિકરાને છોડીને કાયમ માટે ચાલી ગઇ.

મને તો એમ કે હવે બબો અને એનો છોકરો રખડી જવાના. પરંતુ બબો પછી વધારે જવાબદાર થઇ ગયો, એના છોકરાની વધારે કાળજી લઇને મોટો કરવા લાગ્યો. પરંતુ કોઇ તો બાબત હતી જે બબાને અંદરને અંદર કનડતી હતી.

હું ઘણીવાર કહેતો કે, “ભાઇ, તારા છોકરાને ટ્યુશન મોકલી આપજે. ફીની ચિંતા કરીશ નહિ.”

બબો દરવખત નિરાશ ચહેરે મને જવાબ આપતો, “મારે તો બહુ ભણાવવો છે પણ હવે એને સોબત સારી રહી નથી. હું વધારે કહેવા જાઉં છુ તો ઘરેથી ભાગી જવાનું કહે છે અને માં વગરના છોકરાને કેટલું કહેવું? કઇક આડું-અવળુ કરી બેસે તો?”

એકવર્ષ જેટલો સમય વિત્યો હશે અને મને સમાચાર મળ્યાં કે બબાના છોકરાનો એક્સીડેન્ટ થયો અને સિરિયસ છે. અને સરકારી દવાખાનામાં દાખલ કર્યો છે. હું ઝડપથી દવાખાને પહોચ્યો અને આઇ.સી.યુ. વોર્ડમાં ગયો ત્યાં જોયુ તો બબો ખુરશી પર બેઠો હતો. હુ બાજુમાં જઇને ઉભો રહ્યો અને મને જોતા જ ઉભો થઇ ગયો અને મને આગ્રહ કરીને ખુરશીમાં બેસાડ્યો.

થોડીવારમાં આઇ.સી.યુ.ના ઇંચાર્જ ડોકટરે સમાચાર આપ્યા કે છોકરો બચી શક્યો નથી. મેં બબાને સાંત્વના આપવા માટે ખભા પર હાથ મુક્યો પણ મારા આશ્ચર્ય વચ્ચે મને આંખોમાં ઝળહળિયા સાથે કહે, “ભલે ગયો તો મેં બહુ સમજાવ્યો કે ભાઇ સોબત ખોટી નહિ સારી પણ માને તો ને, દેશી ડા રુના રવાડે ચઢી ગયો હતો તે ભોગવ્યું.”

ઘરે શબને લાવીને અગ્નીસંસ્કાર કરી સાંજે અમે નવરા થયા. બબો હવે ઘરે એકલો થઇ ગયો હતો. આખા ઘરમાં બબો હતો અને એની મગજમાં સંગ્રહાયેલી કેટલીક યાદો હતી. સાંજે મારા મમ્મીએ મને કહ્યું કે બબાને જમવાનું આપી આવ. હુ થાળી લઇને એના ઘરે આપવા ગયો. પરંતુ જે દવાખાનામાં મજબુત હોવાનો દેખાવ કરતો હતો એ સાવ નાના બાળકની પેઠે ધ્રુસકે-ધ્રુસકે ખાટલામાં રોતો હતો. મારા પગને બ્રેક લાગી ગઇ. મારી તાકાત એની નજીક જવાની ન ચાલી. આખી રાત મારા મગજમાંથી બબો ખસ્યો નહિ. એના પર શું વીતતી હશે એ વિચારે આખી રાત મને ઊંઘ આવી નહિ.

બબો બીજા દિવસથી મને બદલાયેલો લાગ્યો. એના છોકરાના ગયાના બીજા દિવસે ગામમાં એક જગ્યાએ મકાન બનતું હતું ત્યાં કડિયાકામે મેં જોયો. એટલી તલ્લીનતાથી એ કામ કરતો હતો કે કોઇ કહી ના શકે કે આ માણસ સર્વસ્વ ગુમાવી ચૂક્યો છે.

સમયપસાર થતાં મે એક વસ્તુ નોંધી કે બબો હવે બધા સાથે વાતો ઓછી કરતો હતો. ખપ પુરતી વાત કરતો. હુ અવાર-નવાર એને પૂછતો કે કોઇ વસ્તુ કે ચીજની જરૂર હોય તો કહેજે. પણ એક નાનો ડચકારો કરીને મને કશી જરૂર નથી એવું કહેતો. સમય પસાર થવા લાગ્યો. બબાની પત્ની અને પુત્રને ગયાને લગભગ ૬ વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો. બબાનું જીવન મશીનની માફક ચાલતું. કામ અને રાત્રે કોઇ જગ્યાએ ભજન કે ધાર્મિક મેળવળો હોય તો એની હાજરી અચૂક રહેતી. સમય નામનો મલમ બધા રોગને મટાડી શકે છે. અને બબાને જોઇને મને લાગતુ કે બબો ધીમે-ધીમે આઘાતમાંથી બહાર આવી રહ્યો હતો.

હવે હું પણ ગામમાંથી શહેરમાં રહેવા આવી ગયો હતો. શનિ-રવિની રજાના દિવસે આવતો તો બબાના ખબર-અંતર પૂછી લેતો. ગામમાં બનતી કેટલીય ઘટનાઓથી હુ વાકેફ હતો નહિ. એકવાર શનિવારે હું ગામડે આવ્યો હતો અને રાત્રે મોડા સુધી વાંચવાની મારી આદત મુજબ એક રાત્રે હુ વાંચતો ધાબા પરની ચારપાઇમાં આડો પડ્યો હતો લગભગ રાત્રીના ૧૨.૧૫ નો સમય થયો હશે. ત્યાં સામે સ્ટ્રીટલાઇટના અજવાળામાં મેં બબાને ઝડપથી ચાલતાં જોયો. છેક વિનુભાઇના ઘરે જઇને પગને બ્રેક મારી. આજુબાજું નજર કરી ઝડપથી ઘરમાં ઘુસી ગયો.

મને શંકા પડી કે ક્યાંક બબો ચોરીના રવાડે તો નથી ચઢી ગયો? પછી થોડીવારમાં બહાર નિકળી આમ-તેમ જોતો પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. મને લાગ્યુ કે મારે બબાને મળે એટલે આ બાબતે ટોકવો પડશે કે ભાઇ આ ચોરી-બોરી આપણને ના શોભે. પરંતુ એ પહેલા મારે એ ખાતરી કરવી હતી કે ખરેખર બબો ચોરી કરવા જ ગયો હતો કે કેમ?

બીજા દિવસે સવારે હું વિનુભાઇના ઘરે તપાસ કરવા ગયો કે કઇ ચોરાયુ તો નથી ને? પરંતુ એમના ઘરે તાળુ લટકતું હતું કોઇ ઘરે હતું નહિ. સાંજ સુધી મેં રાહ જોઇ પણ એ લોકો પાછા આવ્યા નહિ. બીજા અઠવાડિયે પણ મને ધક્કો પડ્યો. છેક ત્રીજા અઠવાડિયે મને વિનુભાઇ રસ્તામાં મળી ગયા એટલે મેં લાગલું જ પુછ્યુ, “કેમ દેખાતા નથી હમણાથી? ઘરે બધા મજામાં તો છે ને?”

“હવે સારું છે, બાકી અમે તો લાલુની આશા જ ખોઈ બેઠા હતા, આ તો ભલું થજો કોઈ ભગવાનના માણસનું કે અમારા ઘરે રાત્રે કોઈ આવીને એક પ્લાસ્ટિકની કોથળીમાં પૈસા મૂકી ગયું. નહિતર અમે ક્યાંથી લાવવાના હતા આટલા પૈસા?” વિનુભાઈ રડમસ અવાજે આટલું બોલી ગયા અને મને તાળો મળી ગયો કે બબો વિનુભાઈને રાત્રે પૈસા મૂકવા ગયો હોવો જોઈએ.

એટલે એ જ સાંજે મે બબાને પૂછ્યું, “વિનુભાઈને સામેથી જઈને આપી આવ્યો હોત પૈસા તો શું વાંધો હતો?”

મને કહે, “કોઈ ખોટી આનાકાની કરે, કોઈને સારું ના લાગે, સ્વમાની માણસો ખરા ને અને એમનો દીકરો બચી ગયો એટલે ભયોભયો ”

હું શું બોલું, મારા હોઠ સિવાઈ ગયા.

“અને મારે એકલાને પૈસાની જરૂર પણ શું હતી? ક્યાં વાપરવા જવાનો હતો હું?” બબાએ ઉમેર્યું.

આ વાતને એકાદ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો. અચાનક સાંજે ફળિયામાં બૂમા-બૂમ સાંભળીને હું બહાર નીકળ્યો જોયું તો, સામે નજીકના ખેતરમાં એક ઘરમાં આ ગ લાગી હતી, હું પણ દોડયો અને પહોચ્યો અને મારી બાજુમાં મે બબાને ઉભેલો જોયો. બહાર રોકકળ ચાલતી હતી ઘરની સ્ત્રી રડતાં-રડતાં એટલું બોલી ગઈ કે એમનું નાનું બાળક અંદર ઘોડિયામાં સૂતેલું છે.

આ સાંભળતા જ બબો ક્ષણનો ય વિલંબ કર્યા વગર આગની પરવા કર્યા વગર કૂદી પડયો બાકીના બધા હાથમાં જે આવ્યું તે લઈને પાણી નાંખતા હતા. બબાએ થોડી વારમાં કોઈક કાપડમાં લપેટીને બાળકને લઈને બારણામાં દેખા દીધી. બધા ખુશીની ચિચિયારીઓ પાડવા લાગ્યા. અચાનક કોઈનું ધ્યાન ગયું કે ઉપરથી સળગતું મોટું લાકડું પડે છે ટોળામાંથી કોઈએ બૂમ પાડીને બબાનું ધ્યાન દોર્યું, બબાએ પળનો ય વિલંબ કર્યા વગર કપડાં સાથેના બાળકને બહાર ધકેલી દીધું અને લાકડું યમ બનીને આવ્યું હોય એમ, સીધું બબાને માથા પર વાગ્યું અને એના કપડામાં પણ આગ લગાડી દીધી.

અમે બધાએ પાણી રેડીને આગ ઓલવીને ધીમેથી બબાને બહાર કાઢ્યો. પણ લા કડું મા થામાં વાગ્યું હતું એના લીધે બબો સભાન અવસ્થામાં નહોતો. થોડી વારમાં ડૉકટર પણ આવી ગયા, નાડી તપાસી અને બધાની સામે જોઈને ડોકું નકારમાં હલાવ્યું. બબાએ આ દુનિયા સાથેનો નાતો કાયમ માટે તોડી નાખ્યો હતો. જગતને એના ભરોસે છોડીને ચિરયાત્રાએ નીકળી પડ્યો હતો. કદાચ એ સાંજે બબો અડધી સફરમાથી વિખૂટી પડી ગયેલી પોતાની મંજી અને પોતાના દીકરાની શોધમાં અનંતની યાત્રાએ નીકળી પડયો.

ખબર નહિ આ જગતમાં આવા બબાઓ કેટલા બચ્યાં હશે, પણ હશે તો ખરા જ. અને એક વાતની ખાતરી છે મને કે આ જગત મારા-તમારા જેવા કહેવાતા સુધરેલા લોકોને લીધે તો નથી જ ચાલતું, આ ચાલે છે બબા જેવા નિર્દોષ અને પરગજુ લોકોને લીધે.

– જગતમાં જીવતા તમામ બબાઓને સમર્પિત.

– અશ્વિનસિંહ જાદવ. (અમર કથાઓ ગ્રુપ)