પત્નીના ગયા પછી પિતા પોતાના પુત્રના ઘરે રહેવા ગયા, પણ ત્યાં જે થયું તે જાણીને તમને ગુસ્સો આવશે.

0
7719

પત્નીના અંતિમ સંસ્કાર અને બીજી વિધિઓ પુરી કર્યા પછી નિવૃત્ત પોસ્ટમેન મનોહરભાઈ ગામ છોડીને મુંબઈમાં તેમના પુત્ર સુનીલના મોટા મકાનમાં રહેવા ગયા. સુનીલ ઘણું સમજાવ્યા પછી તેમને અહીં લાવવામાં સફળ થયો છે.

જો કે ભૂતકાળમાં સુનીલે મમ્મી-પપ્પાને મુંબઈ લઇ જવા પ્રયાસ કર્યા હતા, પરંતુ સુનીલની મમ્મીએ તેના પપ્પાને એવું કહીને રોક્યા હતા કે, પુત્રવધૂના જીવનમાં દખલ કરવા જેવું નથી. અહીં જ સારું છે. આખી જીંદગી અહીં પસાર કરી છે અને જે થોડું ઘણું જીવન બાકી છે તે પણ અહીં રહીને પસાર કરી લઈશું. પણ પત્નીના ગયા પછી મનોહરભાઈ મુંબઈ ગયા.

સુનીલ એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીમાં એન્જિનિયર છે. તેણે આલીશાન ઘર અને કાર લીધી છે. ઘરમાં પ્રવેશતાં જ મનોહરભાઈ થોભી ગયા. તેમને દરવાજે ઉભેલા જોઈને સુનીલે કહ્યું – “ચાલો, પપ્પા, અંદર આવો.”

“દીકરા, મારા ગંદા પગ આ કાર્પેટને ગંદા કરી દેશે.”

“પપ્પા, તેની ચિંતા ન કરો. આવો અહીં સોફા પર બેસો.”

દબાયેલા પગે ચાલીને મનોહરભાઈ સોફા પર બેઠા.

ચા પીધા પછી સુનીલે કહ્યું – “પપ્પા, ચાલો હું તમને મારું ઘર બતાવું.”

“ચોક્કસ દીકરા, ચાલ.”

“પપ્પા, આ લોબી છે જ્યાં આપણે ચા પીધી. અહીં કોઈ મહેમાન આવે તો ચા, નાસ્તો અને ગપસપ થાય છે. આ ડાઇનિંગ હોલ છે. અહીં અમે ભોજન કરીએ છીએ. પપ્પા, આ રસોડું છે અને તેની સાથે જોડાયેલો છે સ્ટોર રૂમ. અહીં રસોડાનો સામાન રાખવામાં આવે છે. અને આ છે બાળકોનો રૂમ.”

“તો બાળકો માતાપિતા સાથે નથી રહેતા?” મનોહરભાઈથી બોલાઈ ગયું.

પપ્પા, આ શહેર છે અને એ પણ મુંબઈ. અહીં બાળકને જન્મથી જ એકલા સૂવાની આદત કેળવવી પડે છે.

થોડા વિરામ પછી સુનીલે આગળ કહ્યું, “પપ્પા, આ તમારી વહુ અને મારો બેડરૂમ છે. અને આ ખૂણામાં ગેસ્ટ રૂમ છે. જો કોઈ મહેમાન આવે તો તે અહીં રહે છે. આ નાનકડો રૂમ પાલતુ પ્રાણીઓ માટે છે. અમે થોડા સમયમાં કૂતરો પાળીશું તો તેના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

સીડીઓ ચડીને સુનીલ અગાસીના એક ખૂણામાં બનેલા ઓરડા પાસે તેમને લઇ ગયો અને કહ્યું, “પપ્પા, આ અગાસી પરનો રૂમ છે. આની બાજુમાં એક બાથરૂમ અને સંડાશ પણ છે.”

મનોહરભાઈએ દરવાજો ખોલીને જોયું તો અંદર ભંગાર થઈ ગયેલો અને ઘરમાં વપરાતો ન હોય એવો થોડો સામાન મુકેલો હતો. ત્યાં ફોલ્ડિંગ પલંગ હતો અને તેના પર તેમનો થેલો રાખવામાં આવ્યો હતો. મનોહરે ફરીને સુનીલ તરફ જોયું પણ ત્યાં સુધીમાં તો તે નીચે ઉતરી ગયો હતો.

મનોહરભાઈ પલંગ પર બેસીને વિચારવા લાગ્યા કે, ‘આ કેવું ઘર છે જ્યાં ભવિષ્યમાં પ્રાણીઓને ઉછેરવા માટે રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે પણ વૃદ્ધ માતા-પિતા માટે નહીં? તેમના માટે, નકામા સામાન મુકવાનો રૂમ યોગ્ય રહેઠાણ તરીકે ગણવામાં આવે છે. ના… હું હજુ નકામો નથી થયો. સુનીલની મમ્મીની વિચારસરણી એકદમ સાચી હતી. મારે અહીં આવવાવું જ નહોતું.’

બીજા દિવસે સવારે જ્યારે સુનીલે મનોહરભાઈને ચા પીવા માટે બોલાવવા માટે નોકરને ઉપરના માળે મોકલ્યો ત્યારે તે રૂમ ખાલી હતો. તેમનો થેલો પણ ત્યાં ન હતો. તેણે સંડાસ અને બાથરૂમમાં પણ જોયું પણ તેઓ ત્યાં પણ ન હતા. તે ઉતાવળે નીચે આવ્યો અને સુનીલને કહ્યું તમારા પપ્પા ઉપર નથી અને તેમનો થેલો પણ નથી.

આ તરફ મનોહરભાઈ ટિકિટ લઈને ગામ પરત જવા સવારની ટ્રેનમાં બેસી ગયા હતા. તેમણે ખિસ્સામાં હાથ નાખ્યો અને જોયું કે તેમના ‘પોતાના ઘર’ ની ચાવી હાજર હતી. તેમણે તેને પોતાની મુઠ્ઠીમાં ચુસ્તપણે પકડી રાખી. ચાલતી ટ્રેનમાં તેમના ચહેરાને સ્પર્શતો પવન તેમના નિર્ણયને વધુ મજબૂત બનાવી રહ્યો હતો.