આ વર્ષે અખાત્રીજ ક્યારે છે, જાણો તેનું મહત્વ, તિથિ, મુહૂર્ત, પૂજા વિધિ અને મંત્ર.

0
2722

હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ) ને શુભ મુહૂર્ત અને મહત્વપૂર્ણ તિથિ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના તહેવારને અખાત્રીજ કહેવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે વૈશાખ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ તિથિએ તમામ પ્રકારના મંગલકારી અને શુભ કાર્ય કરી શકાય છે. અક્ષય તૃતીયા પર ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે આ તહેવાર 3 મે ના રોજ છે.

વૈશાખ માસના સુદ પક્ષની ત્રીજ એટલે અખાત્રીજ. આ દિવસ પુણ્યનો હોય છે. દાનધર્મનો આ દિવસ છે. ગરમીથી તપતો મહિનો હોવાથી લોકો દાનમાં જળનો કુંભ, પંખો, સાકર, કેરી વગેરે દાનમાં આપે છે.

મહોદય નામના એક વણિકે એક કથામાં આ દિવસનું મહત્ત્વ સાંભળ્યું એટલે ઘરમાં આવી તેમણે શક્તિ મુજબ દાનધર્મ કરવા માંડ્યું. દિવસે ઉપવાસ કરે અને રાત્રે જમે. સ્ત્રી કહે – આપણે ગરીબ છીએ, આપણી એટલી શક્તિ નથી. તો પણ વણિક વ્રત ન છોડે. આ વ્રતના પ્રભાવથી બીજાં જન્મમાં તે કુશાવતી નગરીનો રાજા બન્યો અંને તે ઘણી સંપત્તિને પામ્યો હતો.

આ દિવસ ખાસ લગ્નનો પણ ગણાયો છે. આથી અખાત્રીજના દિવસે ઘણાં લગ્નો હોય છે. સંબંધ બાંધવા માટે શુભ કર્મને માટે આ દિવસ ઘણો મહત્ત્વનો છે.

અક્ષય તૃતીયા(અખાત્રીજ) પૂજા વિધિ :

અક્ષય તૃતીયાના દિવસે ઉપવાસ રાખો. સૂર્યોદય પહેલા સ્નાન કરો. પછી પીળા વસ્ત્રો પહેરો. ઘરના મંદિરમાં રહેલી ભગવાન વિષ્ણુની મૂર્તિને ગંગાજળથી શુદ્ધ કરો. ભગવાનને પીળા ફૂલ અને તુલસી અર્પણ કરો. હવે દીવો અને અગરબત્તી પ્રગટાવો અને આસન પર બેસી જાઓ. વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્રનમનો પાઠ કરો. અંતમાં શ્રીહરિની આરતી ઉતારો.

અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર મંત્રથી પૂજા કરો :

ૐ નમો ભાગ્ય લક્ષ્મ્યૈ ચ વિદ્મહે અષ્ટ લક્ષ્મ્યૈ ચ ધીમહ તન્નો લક્ષ્મી પ્રચોદયાત્.

અક્ષય તૃતીયાનું મહત્વ :

અક્ષય તૃતીયાને સૌથી શુભ મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસે પંચાંગ જોયા વગર પણ શુભ કાર્ય કરી શકાય છે. આ દિવસે લગ્ન, ગૃહપ્રવેશ, કપડાં અને ઘરેણાની ખરીદી, મકાન, વાહન વગેરેની ખરીદી કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ દિવસે પિતૃઓને કરવામાં આવેલ તર્પણ અને પિંડદાન ફળદાયી હોય છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરવા પર તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે.

ડિસ્ક્લેમર : આ લેખમાં આપવામાં આવેલી માહિતી / સામગ્રી / ગણતરીઓની અધિકૃતતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ સૂચનાને વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / ધાર્મિક માન્યતાઓ / શાસ્ત્રોમાંથી સંકલિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે, વાચકો અથવા વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ. વધુમાં, કોઈપણ રીતે ઉપયોગની જવાબદારી વપરાશકર્તા અથવા વાચકની પોતાની રહેશે.’