વાંચો તે પ્રસંગ વિષે જયારે અખિલ બ્રહ્માંડની જનેતાએ આદિ શંકરાચાર્યજીને દેખાડ્યો પોતાનો પરચો.

0
517

એક સમયની વાત છે. આદિ શંકરાચાર્યજી મહારાજ ભ્રમણ કરી રહ્યા હતા. ફરતા ફરતા આજની જે વૈષ્ણોદેવીની પીઠ છે તે બાજુ આવી પહોંચે છે અને તે સમયે તેમનુ સ્વાસ્થ્ય ખરાબ થાય છે. તેથી વૈષ્ણોદેવીની ગિરી કંદરાઓમાં આરામ કરવા રોકાય છે.

તેવે સમયે અનરાધાર વરસાદ ચાલુ થાય છે. પંદરેક દિવસ સુધી શંકરાચાર્યજી તેના શિષ્ય સાથે ત્યાં રહે છે. એક તરફ સ્વાસ્થ્ય અત્યંત ખરાબ હોય છે અને બીજી બાજુ વરસાદના કારણે પંદર દિવસથી ખાવા માટે અન્નનો દાણો પણ નથી મળ્યો હોતો.

શંકરાચાર્યનું શરીર નબળુ પડી જાય છે ઉભુ થવાની શક્તિ પણ રહેતી નથી. તે સમયે ગિરના નેસડામાંથી એક ગોવાલણ ગોરસ વેચવા નીકળી હોય છે. તે ગોવાલણનો સાદ સાંભળી શંકરાચાર્યજી પોતાના શિષ્યને કહે છે કે, ગોવાલણ પાસેથી થોડુક ગોરસ લય આવે.

શિષ્ય જાય છે અને ગોવાલણને કહે છે કે મારા ગુરુજી માટે ગોરસ લેવા આવ્યો છુ. ગોવાલણ કહે છે કે હું તો જેને જરુર હોય તે લેવા આવે તો જ ગોરસ આપુ છુ. તારા ગુરુને કે જાતે આવીને ગોરસ લઇ જાય.

શિષ્ય શંકરાચાર્યજી પાસે જઇને કહે છે કે, ગુરુજી ગોવાલણ કહે છે જેને જરુર હોય તે આવે તો જ ગોરસ આપુ છુ. શંકરાચાર્યજી શિષ્ય ને કહે છે કે, જા તેને વિનંતી કર કે મારા ગુરુ બિમાર છે. તેનામાં શક્તિ નથી એટલે આવી શકે એમ નથી, અને ગોરસ આપવા વિનંતી કરી છે.

શિષ્ય ગોવાલણ પાસે જઇને વાત કરે છે કે મારા ગુરુજી બિમાર છે, તેના શરીરમાં શક્તિ નથી એટલે આવી શકે તેમ નથી અને ગોરસ આપવા વિનંતી કરી છે. આટલું સાંભળી ગોવાલણ ખળખળાટ હસવા લાગે છે અને કહે છે કે, જા તારા ગુરુને કહે તે ક્યાં શક્તિ માં માને છે. એ તો એકેશ્વરવાદ નો સિદ્ધાંત લઇને દુનિયાને ઉપદેશ દેવા નિકળ્યો છે.

શિષ્ય શંકરાચાર્યજી પાસે જઇને વાત કરે છે કે તે ગોવાલણ કહે છે તારો ગુરુ ક્યાં શક્તિ માં માને છે. આ સાંભળી શંકરાચાર્યજી સફાળા બેઠા થાય છે અને દોટ મુકે છે કે આ કોઇ ગોવાલણ ન હોય આ તો હું જેનો વિરોધ કરુ છુ તે અખિલ બ્રહ્માંડ ની જનેતા હોય. શંકરાચાર્યજી દોડીને ગોવાલણના પગમાં પડી જાય છે અને કહે છે હે માઁ

न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम्।

न जानामि पूजां न च न्यासयोगम् गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि।।

હે માઁ હું અબુધ કાંઇ જાણતો નથી મા હવે તો તુ જ મારી ગતી છો. માઁ હવે તો તારા શરણે છુ. શંકરાચાર્યજી મહારાજ માતાની અભ્યર્થનામાં દેવિઅષ્ટાકમ કહે છે અને ત્યારબાદ દેવિ અપરાદ ક્ષમા સ્તોત્ર ની રચના કરે છે.

અદ્વૈતવાદના પ્રણેતા શંકરાચાર્યને પણ શક્તિને સ્વિકારવી પડી છે. તો આપણી શું વિષાત છે. એ માઁ ભવાની આદ્યશક્તિ ના પર્વ, શક્તિ ઉપાસનાના પર્વ એવા નવલા નોરતાની સર્વે શક્તિ ઉપાસકોને ખુબ ખુબ શુભેચ્છા.

હે માઁ તુ જ સર્વસ્વ છો.

विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये।

अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥

જય માઁ આદ્યશક્તિ મોમાઇ.

– સાભાર સંજયસિંહ વાઢેર (રાજપૂત યુવા ક્લબ)