આલાલીલા વાંસડિયા રે વઢાવુ
એની રે ઉતરાવુ મારા પરભુજીની વાંસળી રે લોલ
વાંસળીએ કાંઈ હંસ, પોપટ ને મોર,
વાંસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ
આલાલીલા…
વાંસળીએ કાંઈ ફૂમતાં લટકે ચાર
આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રે લોલ
આલાલીલા…
વાંસળીએ કાંઈ ચંદ્ર સૂરજનાં તેજ,
વાંસલડી માથે મોહી રે ગોકુળ કેરી ગોપિયું રે લોલ
આલાલીલા…
આવ્યા આવ્યા ઓતરા દશના મેહ,
ખેતરડાં-પાદરડાં રે હરિ કેરાં છલી વળ્યાં રે લોલ
આલાલીલા…
ખેતરિયે કાંઈ ઝૂલી રહ્યા છે મોલ,
મોલે મોલે ગૂંથી દીધાં પરભુજીએ મોતીડાં રે લોલ
આલાલીલા…