“અમસ્તું અમસ્તું” : આ કવિતામાં માનવીને અમસ્તે મળતી વસ્તુઓ વિષે સુંદરતાથી રજુ કરવામાં આવ્યું છે.

0
672

ઉભરો હતો, બોલાઈ ગયું, અમસ્તું અમસ્તું,

આ આંસુ નજર થી વહયું, અમસ્તું અમસ્તું.

એમ તો આદત છે, સહેવાની ગમો ને,

દર્દ છે થોડું થયું, અમસ્તું અમસ્તું.

દરિયા ના મોતીઓ ની, જરૂરત નથી કશી,

આંખ માંથી આ ખર્યું, અમસ્તું અમસ્તું.

પોતાના દુઃખો આમ તો, કંઈ ઓછા નથી પણ ,

દુઃખ અન્ય નું ય છે સહયું, અમસ્તું અમસ્તું.

બોલ્યુ અમસ્તું કોઈ કે, ‘મળીશું ફરીથી’

રાહ દિલ જોતું રહયું, અમસ્તું અમસ્તું.

મયખાના-મહેફિલ મજલિસો, સભામાં – ગોષ્ટી માં,

શાંતિ ની માટે એ ગયું, અમસ્તું અમસ્તું.

જે ભૂલી ગયા, એ બધાને યાદ કરે છે,

દીવાનાપન કરે નર્યું, અમસ્તું અમસ્તું.

હું ખુશ થતો હતો, મારી અચ્છાઈ ઓ ઉપર,

દર્પણ દિલે તરત ધર્યું, અમસ્તું અમસ્તું.

દુનિયાને ખુશ જોઈ ને, હું ખુશ થતો હતો,

‘ખુશ છે કવિ’ જગે કહયું, અમસ્તું અમસ્તું.

તારી પાસેથી માંગવાનું, હોય શું ભગવન,

જગત દીધું હર્યું ભર્યું, અમસ્તું અમસ્તું.

– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ.