જો માનો તો ભગવાન અને ન માનો તો પથ્થરની મૂર્તિ, વાંચો ભગવાન અને સાચી ભક્તિની રસપ્રદ સ્ટોરી.

0
488

એક દિવસની વાત છે, મારો મિત્ર સંજય સાંજે મને મળવા આવ્યો હતો. ચર્ચાનો વિષય ગંભીર હતો. સંજયના પપ્પાના ઘરની હરાજી બોલાવવાની હતી. બે દિવસ પછી છાપામાં જાહેરાત પણ આવવાની હતી.

ખુબજ વ્યથિત અવાજે સંજય બોલ્યો – દોસ્ત… આવી ખરાબ સ્થતિનો જીંદગીમા સામનો કરવો પડશે એ મને ખબર જ ન હતી. બાળકોનું ભણતર, પત્નીની અસાધ્ય બીમારીને કારણે રૂપિયા ખાંડની ગૂણમાં કાણું પડે તેમ નીકળી રહ્યા છે. આવક કરતા જાવકનું પ્રમાણ ચિંતા જનક રીતે વધી રહ્યું છે. મર્યાદિત આવક સામે આ ખર્ચને પહોંચી વળવું અશક્ય છે. રાતની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે.

ઘણી વખત રાત્રે અચાનક ઊંઘમાંથી ઉભો થઇ જીવન ટૂંકાવવાનો વિચાર આવી જાય છે. પણ બાજુમાં સૂતી પ્રેમાળ પત્ની અને બાળકોને જોઈ વિચાર માંડી વાળું છું. ઘણી વખત પપ્પાના શબ્દો યાદ કરી આવે છે કે, “પિક્ચર અઘરું મૂકી કદી અધવચ્ચેથી જતું ન રહેવું; ઘણી વખત ઈન્ટરવલ પછી પિક્ચરની ખરી મજા હોય છે. હું પણ એ આશાએ જીવનનું ગાડું હંકારતો જાઉં છું.

દોસ્ત… આ મુશ્કેલીમાંથી બહાર આવવાનો કોઈ માર્ગ ન દેખાતા મેં ઘર ઉપર લોન લીધી તેના હપ્તા પણ સમય પ્રમાણે ભરી શકતો ન હોવાથી બેંકની વારંવાર નોટિસો આવવા લાગી. અંતે જે થવાનું હતું તે થઇને રહ્યું. ઘરની હરાજી. દોસ્ત… હું રોડ ઉપર આવી ગયો એવું કહી સંજય ભાંગી પડ્યો.

કાવ્યાએ સંજયને પાણી આપ્યું. મેં કીધું – દોસ્ત ભગવાનમાં શ્રદ્ધા રાખ. બધું બરાબર થઈ જશે.

સંજય બોલ્યો – દોસ્ત… આવા સંજોગ અને સ્થિતિમાં ભગવાન પરની શ્રદ્ધા અને વિશ્વાસ પણ ઘણી વખત ઉઠી જાય છે.

વ્યથિત મગજે સંજય ઉભો થયો.

બે દિવસ પછી અચાનક સવારે સંજયનો ફોન આવ્યો. તે બોલ્યો – “ભગવાને મારી લાજ બચાવી છે. હું તને રૂબરૂ મળવા આવું છું.

સંજય આનંદભેર મને મળવા આવ્યો.

બોલ સંજય અચાનક… કોણ મદદે આવી ગયું?

દોસ્ત… તે દિવસે તને મળી હું સીધો મંદિરે ગયો જ્યાં બાળપણથી મારી શ્રદ્ધા અને વિશ્વાસની જ્યોત પ્રગટેલી છે. એ મંદિરમાં મેં હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ… મારી જીંદગીમાં આનંદ કરતા મુસીબતો અસંખ્ય આવતી રહી છે. મેં તેનો હિમ્મતથી સામનો પણ કર્યો છે. પણ આ વખતે હું હિમ્મત હારી ગયો છું.

મારી વિકટ પરિસ્થિતિમાં પણ કદી મેં તારી પાસે કોઈ મદદની અપેક્ષા રાખી નથી. એ તું જાણે જ છે. હું તારા મંદિરે નિયમિત નિ:સ્વાર્થ પણે ફક્ત તને મળવા જ આવ્યો છું. પણ આજે મળવા નહીં… પણ તારી મદદ લેવા આવ્યો છું. હું સંપૂર્ણ હિંમત હારી ગયો છું. પ્રભુ, આજે મારી શ્રદ્ધા અને વિશ્વાસની કસોટી છે, જોઈયે કોણ જીતે છે અને કોણ હારે છે? સાંભળ્યું છે કે સુદામા, નરસિંહ મહેતાની લાજ તે રાખી હતી, તો મારી કેમ નહીં?

રોજની આદત મુજબ ગોલખમાં રૂપિયા મુકવા ખિસ્સામાં હાથ નાખ્યો તો ખિસ્સુ ખાલી. બીજા ખિસ્સામાં હાથ નાખ્યો તેમાં રૂપિયા 500 ની એક માત્ર નોટ હતી. મારી જીંદગી દરમ્યાન હું જ્યારે જ્યારે મંદિરે ગયો છું કદી ગોલખમાં રૂપિયા મુક્યા વગર મંદિરના પગથિયાં ઉતર્યો નથી. હું ધર્મસંકટમાં મૂકાણો. હું મુરલીધર સામે જોઈ રહ્યો. પછી 500 ની નોટ સામે જોઈ રહ્યો. મારા માટે તો આ સ્થિતિમાં આ નોટ 5000 રૂપિયા બરાબર હતી. મેં હસ્તા-હસ્તા કીધું… “તારા પણ નામ તેવા જ ગુણ છે, પ્રભુ….તું પણ ખરો નટખટ છે!” વાંધો નહીં તું… કરી લે મારી છેલ્લી કસોટી.

મન મક્કમ કરી મેં રૂપિયા 500 ગોલખમાં મૂકી ભગવાન સામે ભીની આંખે બોલ્યો… ખાલી હાથે આવ્યા છીયે.. ખાલી હાથે જવાના. પણ યાદ રાખજે મારા મકાનની હરાજી વખતે તને હાજર રહેવાનું મારુ ભાવભર્યું આમંત્રણ આપું છું. આવવાનું ભૂલતો નહીં. આટલું કહી હું ત્યાંથી નીકળ્યો.

કોણ જાણે ભગવાન સાથે ના છેલ્લા વાર્તાલાભ પછી હું મારી જાતને હળવો ફૂલ જેવો અનુભવવા લાગ્યો. જાણે મારી તમામ જવાબદારીઓ એ મુરલીધરે ઉઠાવી લીધી હોય, તેવો મને અનુભવ થવા લાગ્યો. હું ઘરે પહોંચ્યો, પત્નિ અને બાળકો ચિંતામાં હતા. પત્નીએ જમવા માટે કીધુ. ભૂખતો લાગતી ન હતી. ફક્ત શરીરને ચલાવવા ખોરાક માત્ર લેતો હતો. જમતા જમતા પત્નીએ ધીરેથી સવાલ કર્યો. કાંઈ વ્યવસ્થા થઈ?

હું ગંભીર થઈ દીવાલના ખૂણા ઉપર મુકેલ ગિરધારીની મૂર્તિ સામે જોઈ બોલ્યો, હા થઈ ગઈ છે. ચિતા ન કર.

હું “કૃષ્ણ” ના નામ ઉપર જાણે જીંદગીનો છેલ્લો જુગાર હું રમી રહ્યો હતો. ભગવાનની પણ એક ખાસિયત છે કે તે તેના સાચા ભક્ત સામે હંમેશા હારી જાય છે. તેને ખબર હોય છે કે સાચો મારો પ્રચારક, મારો નિર્ધન ભક્ત કોણ છે?

હું જમતો હતો ત્યાં જ કોઈનો ફોન આવ્યો. તેણે તેનું નામ “કે.વી યાદવ” બતાવ્યું અને મને તાત્કાલિક મળવાનું કહ્યું. હું તેને મળવા ગયો. તે પપ્પાના જુના સાઇલેન્ટ પાર્ટનર હતા. ધંધામાં ખોટ જતા તે વિદેશ ભાગી ગયા હતા, અને ધંધાની તમામ ચુકવણી પપ્પા ઉપર આવી ગઈ હતી. આ ટેન્શનમાં જ પપ્પાને હાર્ટફેલ થયું હતું.

વર્ષો પછી એ પાર્ટનર વિદેશથી રૂપિયા કમાઈને આવ્યા હતા. તેમણે છાપામાં અમારા મકાનની બેન્કની હરાજીની જાહેરાત વાંચી હતી. તેમણે મને કહ્યું, “બેટા મારી ભૂલોનું પ્રાયશ્ચિત કરવાનો સમય આવી ગયો છે. કાલે બેકમાં જઈ બેંકની લ્હેણી નીકળતી બધી જ રકમ ચૂકવી તારું મકાંન છોડાવી લેજે. હું એ વખતે ટોટલ 50 લાખ લઈ અહીંથી વિદેશ જતો રહ્યો હતો.

સાંભળ બેટા, બીજો આ ચેક 50 લાખનો વ્યાજ સાથે મારા તરફથી સ્વીકાર. હું મારી ભૂલ માટે તારી માફી માંગુ છું. કારણ કે તારા પપ્પા આ દુનિયામાં રહ્યા નથી. આ રૂપિયા સ્વીકારી મને ઋણ મુક્ત કર.

સંજય આગળ વાત કરતા બોલ્યો, દોસ્ત… આ મારી શ્રદ્ધા અને વિશ્વાસનો તું એક માત્ર સાક્ષી છે. મેં ગોલખમાં રૂપિયા 500 મુક્યા. મારું ખિસ્સું ખાલી કર્યું. એ નટખટ ગિરધારી મારી છેલ્લી પોતડી ખેંચતો હતો એ મને ખબર હતી. કારણ કે મેં સુદામા અને નરસિંહ મહેતાની ભક્તિ સાથે મારી ભક્તિ સરખાવી. તેને મારી પણ તાકાતનો અનુભવ કરવો હતો. લાખો રૂપિયા હોય ત્યારે તો દરેક વ્યક્તિ દાન ધર્માદો કરે. પણ ખરી કસોટી તો ખાલી ખિસ્સે જ થાય. દોસ્ત… એટલું જરૂર કહીશ. આપણો ગિરધારી કોઈનું બાકી રાખતો નથી. વ્યાજ સાથે પાછું આપે છે એ વ્હાલો મુરારી.

મેં તેને પૂછ્યું – સંજય, તે નામ શું કીધુ પાર્ટનરનું?

સંજય બોલ્યો – કે.વી.યાદવ.

હું હસી પડ્યો. કૃષ્ણ વાસુદેવ યાદવ. એ જ રૂબરૂ આવી તારી ભીડ ભાંગી ગયા. મેં પણ ભગવાનની પ્રતિમા સામે જોઈને કીધુ. આ તો શ્રદ્ધાનો વિષય છે દોસ્ત. માનો તો જીવતો જાગતો દેવ છે, અને ન માનો તો પથ્થરની મૂર્તિ.

જય શ્રી કૃષ્ણ.

સ્વજન મિત્રો, જે વ્યક્તિએ ખરા મનથી, ભગવાનનો હાથ, સાથ કે પગ પકડ્યા છે તેને સંસારમાં કોઈનો પણ હાથ કે પગ પકડવાની જરૂર નથી. જો ખરા વિશ્વાસથી હાથ પકડશો તો, તો એ તમારો સાથ કદી નહીં છોડે. જય શ્રીકૃષ્ણ.

– જોખમની ડાયરી

– જયંતીલાલ નકરાની પોસ્ટનું સંપાદન.